ગાંધીનગરમાં 17 વર્ષ પછી દુલ્હનની જેમ શણગાર, જાણો કેટલો થશે ખર્ચ?

PC: Khabarchhe.com

 

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 17 વર્ષ પછી પ્રથમવાર રાજ્યકક્ષાના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થવાની છે. આ ઉજવણી છેલ્લે 2000ની સાલમાં જોવામાં આવી હતી. આ તહેવાર માટે ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રોશની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલા વર્ષો પછી ગાંધીનગરમાં સ્વાતંત્ર્ય દિન 15મી ઓગષ્ટની ઉજવણી થઇ રહી છે.

કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યકક્ષાનું ધ્વજવંદન ગાંધીનગરમાં કરવામાં આવશે. સામાન્ય રીતે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લાઓમાં યોજવાનો નિર્ણય કર્યો હતો પરિણામે 15મી ઓગષ્ટ, 26મી જાન્યુઆરી અને 1લી મે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી વર્ષોવર્ષ જિલ્લાઓમાં થતી રહી છે પરંતુ આ વર્ષે 15મી ઓગષ્ટ ગાંધીનગરમાં ઉજવાશે.

આ વખતે સેન્ટ્રલ વિસ્ટા એટલે કેસ્વર્ણીમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. કોરોના સંક્રમણ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે બેઠક વ્યવસ્થા અહીં ગોઠવી શકાય તે માટે ખાસ ડોમ બનાવવામાં આવશે, જ્યારે ધ્વજવંદન માટે પોલ પણ ઉભો કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરવાના હોવાથી વીઆઇપી સ્ટેજ પણ બનાવવામાં આવશે.

મોદીના આવ્યા પહેલાં રાષ્ટ્રીય પર્વની પાટનગરમાં જ ઉજવણી થતી હતી. પાટનગર ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજવંદન કરતા હતા. 2020ના આ તહેવાર માટે કલેક્ટરકક્ષાએ બેઠકનો દોર શરૂ થઇ થયો છે અને તમામ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. સ્વર્ણિમ પાર્કમાં વોટર બોડીની પાસે અને બેન્ક ઓફ બરોડાની સામેના ભાગે ધ્વજવંદન માટે પોલ ઉભો કરવામાં આવશે.

સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે રીતે 250 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા માટે ડોમ પણ બનાવવામાં આવશે. સ્વર્ણિમપાર્કના પ્રવેશ દ્વારે સેનેટાઇઝ ટનલ બનાવવાની સુચના આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં જોડાનાર તમામ વ્યક્તિ આ ટનલમાંથી સેનેટાઇઝ થઇને પોતાની બેઠક વ્યવસ્થા પર જાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે ગાંધીનગરની સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવનાર છે. આ માટે 64 લાખ રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે. આ રોશની રાત્રે કરાશે અને 13મી ઓગષ્ટ થી 16મી ઓગષ્ટ સુધી શહેરીજનો માટે ચાલુ રાખવામાં આવશે. તમામ સરકારી કચેરીઓમાં તિરંગા લાઇટ્સથી રોશની કરવાનું આયોજન છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp