PM મોદીએ કાશ્મીરના પુલવામાના કર્યા ભરપેટ વખાણ

PC: india.com

PMએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ હતું કે, કાશ્મીરનું પુલવામા આજે પૂરા દેશને ભણાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકો આજે પોતાનું Home Work ઘરકામ કરે છે, નોટ્સ બનાવે છે ત્યારે ક્યાંકને ક્યાંક તેની પાછળ પુલવામાના લોકોની સખત મહેનત પણ છે. કાશ્મીર ખીણ, આખા દેશની લગભગ 90 ટકા પેન્સીલ સ્લેટની- લાકડાની પટ્ટીની માગ પૂરી કરે છે. અને તેમાં બહુ મોટી ભાગીદારી પુલવામાની છે. એક સમયે આપણે વિદેશમાંથી પેન્સીલ માટે લાકડું મંગાવતા હતા. પરંતુ હવે આ ક્ષેત્રમાં આપણું પુલવામા દેશને આત્મનિર્ભર બનાવી રહ્યું છે. હકીકતમાં પુલવામાની આ પેન્સીલ સ્લેટ્સ રાજયો વચ્ચેનું અંતર ઓછું કરી રહી છે. ખીણના ચીનારનું લાકડું ભેજના વધુ પ્રમાણવાળું અને પોચું હોય છે. જે તેને પેન્સીલના ઉત્પાદન માટે સૌથી અનૂકુળ બનાવે છે. પુલવામામાં ઉક્ખૂને પેન્સીલ વિલેજના નામથી ઓળખવામાં આવે છે. અહીં પેન્સીલ સ્લેટના ઉત્પાદનનાં કેટલાંય એકમો છે. જે રોજગાર પૂરો પાડી રહ્યા છે. અને તેમાં સારી એવી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે.

તેમણે કહ્યુ હતું કે, પુલવામાની પોતાની આ ઓળખ ત્યારે સ્થાપિત થઇ છે, જ્યારે ત્યાંના લોકોએ કંઇક નવું કરવાનો નિર્ધાર કર્યો, કામની બાબતમાં જોખમ ઉઠાવ્યું અને પોતાની જાતને તેના પ્રત્યે સમર્પિત કરી દીધી. આવા જ કર્મઠ લોકોમાંના એક છે – મંજૂર અહમદ અલાઇ. મંજૂરભાઇ પહેલાં લાકડા કાપનારા એક સામાન્ય મજૂર હતા. મંજૂરભાઇ કંઇક નવું કરવા ઇચ્છતા હતા જેથી એમની આવનારી પેઢીઓ ગરીબીમાં ના જીવે. તેમણે પોતાની વારસાગત જમીન વેચી નાખી અને એપલ વૂડન બોકસ એટલે કે સફરજન ભરવાની લાકડાની પેટીઓ બનાવવાનું એકમ શરૂ કર્યું. તેઓ પોતાના નાનકડા બિઝનેસમાં લાગેલા હતા. ત્યારે મંજૂરભાઇને કયાંકથી ખબર પડી કે પેન્સીલના ઉત્પાદનમાં Poplar Wood એટલે કે ચિનારના લાકડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ જાણકારી મળ્યા પછી મંજૂરભાઇએ પોતાની ઉદ્યોગસાહસિકતાનો પરિચય આપતાં કેટલાંક વિખ્યાત પેન્સીલ ઉત્પાદન એકમોને poplar wood પૂરૂં પાડવાનું શરૂ કર્યું. મંજૂરજીને આ ખૂબ ફાયદાકારક લાગ્યું અને તેમની આવક પણ સારી એવી વધવા લાગી.

PMએ કહ્યુ હતું કે, સમય વીતતાં તેમણે પેન્સીલ સ્લેટ ઉત્પાદનની મશીનરી લઇ લીધી અને ત્યાર પછી તેમણે દેશની મોટીમોટી કંપનીઓને પેન્સીલ સ્લેટ પૂરી પાડવાનું શરૂ કરી દીધું. આજે મંજૂરભાઇના આ બિઝનેસનું ટર્નઓવર કરોડોમાં છે અને તેઓ લગભગ બસો લોકોને આજીવિકા પણ પૂરી પાડી રહ્યા છે. આજે મન કી બાતના માધ્યમથી બધા દેશવાસીઓ તરફથી હું મંજૂરભાઇ સહિત પુલવામાના મહેનતુ ભાઇઓ-બહેનોની અને તેમના પરિવારજનોની પ્રશંસા કરૂં છું. આપ સૌ દેશના young minds ને શિક્ષિત કરવા માટે પોતાનું કિંમતી યોગદાન આપી રહ્યાં છો.

PMએ કહ્યુ હતું કે, લોકડાઉન દરમ્યાન ટેકનોલોજી આધારિત સેવા પૂરી પાડવાના અનેક પ્રયોગ આપણા દેશમાં થયા છે. અને હવે એવું નથી રહ્યું કે બહુ મોટી ટેકનોલોજી અને માલ પરિવહન કંપનીઓ જ આ કરી શકે છે. ઝારખંડમાં આ કામ મહિલાઓના સ્વસહાયજૂથે કરી બતાવ્યું છે. આ મહિલાઓએ ખેડૂતોના ખેતરમાંથી શાકભાજી અને ફળ લીધાં અને સીધાં જ ઘરો સુધી પહોંચાડ્યાં. આ મહિલાઓએ ‘આજીવિકા ફાર્મ ફ્રેશ’ નામની એક એપ બનાવડાવી, જેના દ્વારા લોકો સહેલાઇથી શાકભાજી મંગાવી શકતા હતા. આ પૂરા પ્રયાસથી ખેડૂતોને પોતાનાં શાકભાજી અને ફળોના સારા ભાવ મળ્યા અને લોકોને પણ તાજાં શાકભાજી મળતાં રહ્યાં. ત્યાં ‘આજીવિકા ફાર્મ ફ્રેશ’ એપનો વિચાર ખૂબ લોકપ્રિય થઇ રહ્યો છે. લોકડાઉનમાં તેમણે 50 લાખ રૂપિયાથી પણ વધુનાં ફળ અને શાકભાજી લોકો સુધી પહોંચાડ્યાં છે. સાથીઓ, કૃષિ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઉભી થતી જોઇ, આપણા યુવાનો પણ સારી એવી સંખ્યામાં તેમાં જોડાઇ રહ્યા છે. મધ્યપ્રદેશના બડવાનીમાં અતુલ પાટીદાર પોતાના વિસ્તારના 4 હજાર ખેડૂતોને ડીજીટલ રૂપે જોડી ચૂકયા છે. આ ખેડૂતો અતુલ પાટીદારના ‘ ઇ-પ્લેટફોર્મ ફાર્મકાર્ડ ’ દ્વારા ખાતર, બિયારણ, જંતુનાશક, ફૂગનાશક વગેરે ખેતી માટે જરૂરી સામાન ઘરે બેઠાં જ મેળવી રહ્યા છે. એટલે કે ખેડૂતોને ઘર સુધી તેમની જરૂરીયાતની વસ્તુઓ મળી રહી છે. આ ડીજીટલ પ્લેટફોર્મ પર આધુનિક કૃષિ ઉપકરણો પણ ભાડે મળી રહે છે. લોકડાઉનના સમયે પણ આ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતોને હજારો પેકેટ પહોંચાડવામાં આવ્યાં. જેમાં કપાસ અને શાકભાજીનાં બિયારણ પણ હતાં. અતુલજી અને તેમની ટીમ ખેડૂતોને ટેકનિકની બાબતમાં પણ જાગૃત કરી રહી છે, ઓનલાઇન પેમેન્ટ તથા ખરીદી શીખવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp