અમદાવાદના મેયરે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં યોજ્યો કાર્યક્રમ

PC: news18.com

અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં કોઇ પણ પ્રકારના કાર્યક્રમો કરવાની મેળાવળા યોજવા બાબતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર જ નિયમોનો ભંગ કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ બાબતને લઈને મેયર બીજલ પટેલ વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે ત્યારે વધુ એક વિવાદમા મેયર બીજલ પટેલ આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કાન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા એક એપાર્ટમેન્ટમાં પર્યાવરણ દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મેયર સહિત અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સ્થાનિક લોકોને તુલસીના છોડનું વિતરણ કર્યુ હતું.

રિપોર્ટ અનુસાર વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઈક્રો કાન્ટેન્ટમેન્ટ ઝોનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બીજલ પટેલે પણ હાજરી આપી હતી. મેયર બીજલ પટેલ દ્વારા કાર્યક્રમમાં લોકોને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નારણપુરાના આ એપાર્ટમેન્ટને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતાં પણ મેયરની અધ્યક્ષતામાં તુલસીના રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત ચૂંટાયેલી પાંખના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાની મહામારી વચ્ચે વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવે તે ખરેખર કેટલુ વ્યાજબી કહેવાય?

આ બાબતે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે મિડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોને એટલી ખબર પડતી નથી કે, આ કન્ટેન્ટમેન્ટ ઝોન છે અને આ વિસ્તારમાં પ્રોગ્રામ કરે છે. આ ખરેખર દુર્ભાગ્યની વાત છે. અમદાવાદની અંદર શું ખરેખર કોઈ બીજો એરિયા નહોતો. જો કાન્ટેન્ટમેન્ટ એરિયામાં કાર્યક્રમ કરવામાં આવે તો કોરોના સંક્રમણનો ભય વધારે રહે જેથી કરીને આવા કાર્યક્રમમાં કોઇ અલગ જગ્યા પર કરવા જોઈએ. આ લોકોનેએ સમજ નથી પડતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બીજલ પટેલ કેટલાક દિવસોથી વિવાદમાં આવતા જાય છે. મેંગો ફેસ્ટીવલ દરમિયાન પણ તેઓ મેંગો ફેસ્ટિવલના સવાલ પૂછવાનું કહેતા વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ એક કાર્યક્રમમાં માસ્ક ન પહેરતા તેઓ વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ મેયર અમદાવાદ મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનની ઓફીસમાં AMC કમિશનરની ખુરશી પર બેસી ગયા હતા. તે બાબતે પણ વિવાદ થયો હતો અને હવે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કાર્યક્રમ યોજતા ફરી મેયર બીજલ પટેલ વિવાદમાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp