અમદાવાદમાં કર્ફ્યૂ દરમિયાન થઈ બર્થ-ડે પાર્ટી, યુવકે તલવારથી કાપી 19 કેક

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર દ્વારા લોકોને માસ્ક પહેરવાનું અને સામાજિક અંતરનું પાલન કરવાનું કહેવામાં આવે છે. પરંતુ હજુ પણ લોકો કોરોનાની ગંભીરતાને સમજ્યા ન હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે હજુ પણ કેટલીક જગ્યાઓ પર ધાર્મિક કાર્યક્રમમાં લોકો એકઠા થાય છે. તો ક્યાંક જન્મદિવસની ઉજવણીમાં લોકો એકઠા થાય છે. તો ક્યાંક લગ્ન પ્રસંગમાં નિયમોનો ભંગ થતો જોવા મળે છે. એક તરફ રાજ્યની કોવિડ હોસ્પિટલમાં દર્દીને બેડ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ લોકોની બેદરકારી પણ સામે આવે છે અને ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ રાત્રી કર્ફ્યૂ લાગુ છે અને સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં રહેતા કેટલાક યુવકો જન્મદિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં યુવકોનું ટોળું જન્મદિવસની પાર્ટી કરવા માટે એકઠું થયું હતું અને પાર્ટી દરમિયાન સામાજિક અંતર અને માસ્કના નિયમોના પણ ધજાગરા થયા હતા. તો જન્મદિવસ હતો તે યુવકે તલવાર વડે 19 કેક કાપી હતી.

આ જન્મદિવસની પાર્ટીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાના કારણે નિકોલ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને યુવકો સામે કર્ફયૂ ભંગ અને ગેરકાયદેસર હથિયાર રાખવા બાબતેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બે યુવકોના નામ મહેશ પટણી અને નિલેશ દંતાણી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, જન્મદિવસની પાર્ટી યોજાઈ હતી તે નિલેશના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી અને તેના મિત્રો દ્વારા સાથે મળીને 19 કેક લાવવામાં આવી હતી.

તો બીજી તરફ આવી જ ઘટના સુરતમાં સામે આવી હતી. સુરતમાં ભાજપના અગ્રણીના ભત્રીજાના જન્મદિવસ નિમિત્તે બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થયો હતો. આ ઉપરાંત ભાજપ અગ્રણીના ભત્રીજાની બર્થ-ડે પાર્ટીમાં નાના બાળકો પણ એકઠા થયા હતા. ત્યારે. આ બર્થ-ડે પાર્ટી દરમિયાન કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેની જવાબદારી કોની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp