ગુજરાત ભાજપના ઈતિહાસમાં પહેલીવાર ભાજપનું સંગઠન તળિયે, પેજ પ્રમુખોની જાહેરાત…

PC: indiatoday.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને કમાન હાથમાં લેવી પડી છે. દેશના ઈતિહાસમાં પહેલી વાર કોઈ વડાપ્રધાને 35 કિમી લાંબા રોડ શોનું આયોજન કર્યું છે. આ ઉપરાંત PM મોદીએ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં લાગલગાટ સભાઓ ગજવી છે. અહીંયા જાણકારો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ગુજરાત ભાજપનું સંગઠન ક્યાં શું કરી રહ્યું છે કે PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિતનાં ભાજપના મોટા ગજાના નેતાઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હકડેઠઠ રેલીઓ, સભાઓ. ડોર ટૂ ડોર સંપર્ક અને રોડ શો કરવાની નોબત આવી.

ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતની તમામ 182 વિધાનસભા સીટ પર બૂથ પ્રમાણે પેજ પ્રમુખો બનાવવામાં આવ્યા છે. જો આટલા જંગી પ્રમાણમાં પેજ પ્રમુખો બનાવવામાં આવ્યા હોય તો ચૂંટણી મેનેજમેન્ટમાં ભાજપને સરળતા હોવી જોઈએ અને વડાપ્રધાન સહિતના નેતાઓએ પરસેવો વહાવવાની નોબત ન આવવી જોઈએ.

ભાજપના સૂત્રોની વાત માનીએ તો હાલ ભાજપમાં એક માત્ર નરેન્દ્ર મોદીની જ બ્રાન્ડ છે અને ભાજપ PM મોદીના નામે જ ગુજરાતની ચૂંટણી લડી રહ્યું છે. ભાજપ માટે PM મોદી સંજીવની પુરવાર થઈ રહ્યા છે. 2017માં પણ PM મોદીએ જ કમાન હાથમાં લેવી પડી હતી. 2022ની ચૂંટણીની વાત કરીએ તો હાલ ભાજપમાં ભાજપની વર્ષો જૂની કેડર ખલાસ થવાની અણી પર આવી ગઈ છે.

ભાજપમાં કોંગ્રેસના 40 ટકા લોકો ઘૂસી ગયા છે. કેટલાક આમ આદમી પાર્ટીમાંથી પણ ઘૂસ્યા છે. વધુ સીટો જીતવાની લહાયમાં ભાજપે કેડરને કોરાણે મૂકી દીધી હોવાની લાગણી ભાજપના કાર્યકરોમાં પ્રસરેલી જોવા મળે છે. કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો જોતાં ભવિષ્યમાં ભાજપના સંગઠન માટે મોટું જોખમ જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસમાંથી આવેલ લોકો માટે એવું કહેવાય છે કે જે લોકોને કોંગ્રેસે સારામાં સારા હોદ્દા અને વખતો વખત ટિકિટ આપી તે કોંગ્રેસના વફાદાર નથી રહ્યા તો ભાજપનાં વફાદાર રહેશે તે માનવાનું હાલ એક પણ કારણ જણાઈ આવી રહ્યું નથી.

ચૂંટણી રાઉન્ડમાં જેટલો લોકોને પણ મળવાનું થઈ રહ્યું છે તે તમામ લોકો એક વાત માને છે કે PM મોદીના કારણે તેઓ ભાજપને વોટ આપશે. Khabarchhe.comએ વખતો વખત લખ્યું છેકે ગુજરાતની ચૂંટણીમાં PM મોદી જ એક માત્ર ફેક્ટર છે અને તેમના નામે જ ભાજપ ચૂંટણી લડશે. Khabarchhe.comની વાત સાચી ઠરી છે. ગુજરાત ભાજપના ઈતિહાસમાં જોઈએ તો પહેલી વખત સંગઠનમાં મોટી કમજોરી અને નબળાઈઓ છતી થઈ રહી છે. એવું નથી કે ગુજરાત ભાજપના નેતાઓએ સંગઠનને મજબૂતી આપવામાં કોઈ કસર બાકી રાખી હોય, પણ કેડર ખલાસ થઈ રહી હોવાથી ભાજપ માટે આવનાર સમયમાં નવા મોટા પડકારો ઉભા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp