અમદાવાદ મેટ્રોને આ જગ્યા સુધી લંબાવાશે, જૂન-2020થી પ્રોજેક્ટ શરૂ થશે

PC: twitter.com/MetroRailNewsIN

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમ્યાન મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવાના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એમ.ડી. એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં મુખ્યમંત્રીને આપી હતી.

તદ્અનુસાર, મોટેરા અમદાવાદથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના કુલ 28.26 કિલોમીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં ઇન્વાઇટ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત તા. 4 માર્ચ-2019ના રોજ આ પ્રોજેકટનો શિલાન્યાસ કર્યા બાદ જરૂરી જીઓ ટેક્નિકલ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

હવે, નજીકના ભવિષ્યમાં આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ઇન્વાઇટ કરાશે તેમ બેઠકની ચર્ચા દરમ્યાન જણાવાયું હતું. આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરતાં મેટ્રો રેલના મેનેજીંગ ડાયરેકટરએ જણાવ્યું કે, અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના હેતુથી ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. 5384.17 કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-2019માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે. મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-2020માં શરૂ થશે અને માર્ચ-2024માં તે પૂર્ણ કરવાનું આયોજન છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે આ પ્રોજેકટને પરિણામે અમદાવાદ અને ગાંધીનગર ‘‘માસ રેપિડ ટ્રાન્સપોર્ટ’’ સુવિધાથી જોડાશે. આથી બંને શહેરોના નાગરિકોને સરળ યાતાયાત સગવડ મળશે એટલું જ નહિ, વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ ઘટશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, શહેરી વિકાસ અધિક મુખ્યસચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ તેમજ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp