સી-પ્લેનથી કેવડીયા જવાનું ભાડું એટલું કે તેમાં એક ફ્લાઇટનું ભાડું આવી જાય!

PC: news18.com

31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ એકતા દિન તરીકે પણ ઉજવાય છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરશે. સી-પ્લેનનું ઉદ્ધઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી કેવડીયા પહોંચશે. આ સી-પ્લેન આજે અમદાવાદમાં પહોંચી જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સી-પ્લેન ભારતનું સૌથી પહેલું સી-પ્લેન છે. જેના થકી ગુજરાતી સહિત વિશ્વના અનેક લોકોને અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચાડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સી-પ્લેનનું ઉદ્ઘાટન કરવાના છે, તે પ્લેન રવિવારે સવારે માલ્દિવ્સના મેલ ખાતેથી ટેક ઓફ થયું હતું અને બપોરે કોચીના વેન્ડુર ખાતે પહોંચ્યુ હતું અને ત્યાં ઇંધણ પૂરાવ્યું હતું. ઇંધણ પૂરાવ્યાં બાદ સી-પ્લેન ગોવા પહોંચ્યું હતું અને હવે સોમવારે આજે સી-પ્લેન ગોવાથી અમદાવાદ પહોંચશે.

એવી પણ માહિતી મળી રહી છે કે, સી-પ્લેનનો ઉડ્ડયન કરવા માટે જે બંને પાયલટ આવ્યા છે તે વિદેશના પાયલટ છે અને આગામી છ મહિના સુધી એ બંને સી-પ્લેનનું ઉડ્ડયન કરશે. આગામી 28 અને 29 ઓક્ટોબર દરમિયાન સી-પ્લેનનું અમદાવાદથી કેવડીયા વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સી-પ્લેનના ભાડાની જો વાત કરવામાં આવે તો અમદાવાદથી કેવડીયા સુધીનું ભાડું 4,800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે પરંતુ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે, 4,800 રૂપિયા ભાડું સામાન્ય વ્યક્તિ કઈ રીતે ચૂકવી શકશે.

સી-પ્લેનની સુવિધા માટે અમદાવાદ રિવરફ્રન્ટ અને કેવડીયામાં એરોડ્રામ બનાવવામાં આવ્યા છે. એરોડ્રામમાં બે માળની કાંચની ઓફિસમાં ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સી-પ્લેન માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી બનાવવામાં આવી છે. પ્લેનમાં 19 સીટ છે પરંતુ હાલ કોરોનાની મહામારી વચ્ચે 12 મુસાફરોને બેસાડવામાં આવશે.

સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતની સૌપ્રથમ સી-પ્લેન સર્વિસ 31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થઈ શકે છે અને આ માટે તરતી જેટી સહિતની તમામ માળખાગત કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. મનસુખ માંડવીયાએ સી-પ્લેનની સુવિધા શરૂ થવાથી પ્રવાસનને વેગ મળશે તેવું પણ જણાવ્યું હતું. 

રીજનલ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. માટે આવા રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ .2500થી 3000 રૂપિયાની આસપાસ છે, પણ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે. સી-પ્લેનની વિશેષતાની વાત કરવામાં આવે તો 200 કિલોમીટરનું અંતર કાપવા માટે 45 મિનિટનો સમય લાગશે અને સી-પ્લેનમાં સીએચએચ ક્રૂ-મેમ્બર્સ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp