ખંભાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બંધના એલાન વચ્ચે ટોળાએ કરી દુકાનમાં આગચંપી

PC: sandesh.com

ખંભાતમાં 23 ફેબ્રુઆરીના રોજ લગ્નની જાન નીકળી તે સમયે જાનમાં વીડિયો ઉતારવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જૂથ અથડામણમાં બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને પથ્થરમારાની સાથે-સાથે કેટલીક દુકાનો, મકાનો અને વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી.

આ ઘટના પછી 25 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે પણ ખંભાતમાં તણાવભર્યા માહોલનું નિર્માણ થયું છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો અને દુકાનમાં આગચંપી કરતા પરિસ્થિતિ વણસી હતી. જૂથ અથડામણના વિરોધના ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના સમર્થનમાં સ્કૂલ, કોલેજો અને દુકાનો બંધ રહી હતી. તો બીજી તરફ બપોરના સમયે ખંભાતના ટાવર ચોકમાં લોકોના ટોળા એકઠાં થયા હતા. વિવિધ સંગઠનોના સંબોધન બાદ લોકોએ રેલી પણ યોજી હતી અને રેલીમાં જોડાયેલા કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આગચાંપી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ખંભાત શહેરમાં અકબરપુરના ત્રણ બત્તી વિસ્તારમાં 24 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે બે કોમ વચ્ચે ઉત્તરાયણ પર થયેલા ઝઘડાની અદાવતમાં જુથ અથડામણ સર્જાઈ હતી. જેમાં પોલીસે છ રાઉન્ડ ફાયરીંગ અને 25 ટીયર ગેસના સેલ છોડી તોફાની તત્ત્વોને કાબુમાં લીધા હતા. આ બનાવમાં વિનોદ ચાવડા નામના પ્રૌઢને ગોળી વાગતા મોત નીપજ્યું હતું. 

વણસી રહેલી પરીસ્થિતિને પહોંચી વળવા માટે RAFની બે કંપની અને SRPની પાંચ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે અને આ સાથે આણંદ, ખેડા સહિત અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો પણ બંદોબસ્તમાં ખડકી દેવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ખંભાતમાં તોફાનની જે પરિસ્થિતિ સર્જાય છે તેને કાબુમાં લેવામાં પોલીસને ઘણી સફળતા મળી છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે તેની તપાસ શરૂ કરી છે.

હિંસા મામલે તોફાનીઓ સામે પાંચ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 45 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખંભાતમાં હિંસા મુદ્દે DGP શિવાનંદ ઝાએ સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. લો-એન્ડ ઓર્ડરના એડિશનલ DG નીર્જા ગોતરૂ અને આર્મસ યુનિટના IG પીયુષ પટેલ પણ ખંભાત પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp