ચામાચીડિયામાં જોવા મળ્યો કોવિડ જેવો બીજો ખતરનાક વાયરસ, જો મનુષ્યોમાં ફેલાયો તો..

PC: zeenews.india.com

કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઇ હોવાનું માનવામાં આવે છે. આ મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, જેના કારણે લાખો લોકોના મોત થયા હતા. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, જ્યારે કેટલાક દેશોમાં તે વધી રહ્યા છે. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાયરસ જોવા મળ્યો છે, જે પાંચમાંથી એક વ્યક્તિમાં ફેલાઈ જવાની સંભાવના ધરાવે છે. આ વાયરસ Btsy2 તરીકે ઓળખાય છે અને તે SARS-CoV-2 સાથે સંબંધિત છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તે ચીનના યુનાન પ્રાંતમાં ચામાચીડિયામાં જોવા મળતા પાંચ ખતરનાક વાયરસમાંથી એક છે, જે મનુષ્ય અને પ્રાણીઓમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આ સિવાય વૈજ્ઞાનિકોની ટીમે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાતા અનેક સંભવિત નવા ઝૂનોટિક રોગો વિશે પણ માહિતી આપી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સંશોધનનું નેતૃત્વ શેનઝેન સ્થિત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડેમિક ડિસીઝ કંટ્રોલ અને સિડની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંશોધનની હજુ સમીક્ષા કરવાની બાકી છે. ટીમે કહ્યું, 'અમે પાંચ વાઈરસ પ્રજાતિઓની ઓળખ કરી છે, જે મનુષ્યો અને પ્રાણીઓ માટે રોગકારક હોઈ શકે છે. તેમાં રિકોમ્બિનેશન SARS પણ શામેલ છે જે કોરોનાવાયરસ જેવું જ છે. આ નવો વાયરસ SARS-CoV-2 અને 50 SARS-CoV બંને સાથે ગાઢ રીતે સંબંધિત છે.

વૈજ્ઞાનિકોએ ઉમેર્યું, 'અમારું સંશોધન બેટ વાયરસના આંતર-પ્રજાતિ ટ્રાન્સમિશન અને સહ-સંક્રમણની સામાન્ય ઘટના તેમજ વાયરસ ઉત્ક્રાંતિ માટે તેમની અસરો પર પ્રકાશ પાડે છે.

શોધકર્તાઓએ ચીનના યુનાન પ્રાંતના છ કાઉન્ટીઓ અથવા શહેરોમાં ચામાચીડિયાની 15 અલગ અલગ પ્રજાતીઓમાંથી 149 ચામાચીડિયાના પેશાબના નમૂના એકત્રિત કર્યા. ન્યુક્લીક એસિડ, જેને RNA કહેવાય છે, જે ચામાચીડિયાના જીવંત કોષોમાં હાજર છે તે દરેક ચામાચીડિયામાંથી વ્યક્તિગત રીતે કાઢવામાં આવ્યું હતું અને તેને ક્રમબદ્ધ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું કે, એક ચામાચીડિયાને એક જ સમયે અનેક વાયરસથી ચેપ લાગ્યો હતો.'

યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર જોનાથન બોલના જણાવ્યા અનુસાર, 'આના કારણે, કોરોના વાયરસના પહેલાથી અસ્તિત્વમાં રહેલા સ્વરૂપો તેમના આનુવંશિક કોડને બદલી શકે છે, જે નવા પેથોજેન્સ એટલે કે વાયરસના જન્મ તરફ દોરી શકે છે.' લોકો માટે એક સંદેશો એવો છે કે આ ચામાચીડિયા વાયરસને પેદા કરવાનું કામ કરતા હોય છે. તેઓ એક જ સમયે ઘણા વાયરસને પોતાની અંદર રાખી શકે છે અને પછી મોટા પાયે ફેલાવી શકે છે.'

BtSY2 પાસે 'રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન' પણ છે જે સ્પાઈક પ્રોટીનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો ઉપયોગ કોષોને માનવ કોષો સાથે બાંધવા માટે થાય છે. તે SARS-CoV-2 જેવું જ છે અને માનવ શરીર સાથે જોડાઈને મનુષ્યોને ચેપ લગાવી શકે છે.'

સંશોધકોની ટીમે વધુમાં ઉમેર્યું, 'BtSY2 કોષમાં પ્રવેશ માટે માનવ ACE2 રીસેપ્ટરનો ઉપયોગ કરી શકશે. ACE2 એ માનવ કોષોની સપાટી પર એક રીસેપ્ટર છે, જે SARS-CoV-2 સાથે જોડાય છે અને તેને શરીરમાં પ્રવેશવા દે છે.' યુનાન દક્ષિણ-પશ્ચિમ ચીનના પ્રાંતને પહેલાથી જ ચામાચીડિયાની પ્રજાતિઓ અને ચામાચીડિયાથી જન્મેલા વાઈરસ માટે હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યાં કેટલાક રોગકારક વાઈરસ મળી આવ્યા છે. જેમાં SARS CoV-2 સાથે નજીકથી સંબંધિત બેટ વાયરસ RaTG1313 અને RpYN0614 પણ સામેલ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp