ગુજરાતમાં કોરોનાના કેસોમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં 402 નવા કેસ, 2ના મોત

PC: newindianexpress.com

ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસોમાં વઘારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોના વાયરસના લક્ષણ ધરાવતા ફ્લૂએ પણ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા છે. તો 162 દર્દીઓ સારા થયા છે અને હાલમાં 4 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

10 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયુ હતું. ત્યારબાદ 21 માર્ચે ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. તો 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું, ત્યારબાદ 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં એકનું મોત છે જ્યારે કચ્છમાં એક દર્દીનું મોત છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1,529 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 1,522 દર્દીઓ હાલ સ્ટેબલ છે.

કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,581 લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 11,052 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 220 કેસ નોંધાયા છે. 83 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ અને કચ્છમાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજકોટમાં 40, સુરતમાં 32, મોરબીમાં 18, અમરેલીમાં 15, મહેસાણામાં 12, વડોદરામાં 23, સાબરકાંઠામાં 9, ગાંધીનગરમાં 8, વલસાડમાં 5 કેસ, ભરૂચ, જામનગર, ભાવનગરમા 3-3, આણંદમાં 2 બનાસકાંઠા, દાહોદમાં અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે.

ગાંધીધામની 9 માસની છોકરીનું ભુજની જી.કે. જનરલ સરકારી હો.સ્પિટલમાં કોરોનાના કારણે મોત થયું છે. જો કે મૃતક છોકરીની પ્રથમ ગાંધીધામની ખાનગી હૉસ્પિટલમાં તાવ, ડાયરિયા સહિતની ગંભીર બીમારીની સારવાર દરમિયાન કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા ભુજની જી.કે. જનરલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું નબળા શરીરના કારણે કોરોનાથી મોત થયું હતું. આમ અંદાજિત દોઢ વર્ષ બાદ કચ્છમાં કોવિડથી મોત નોંધાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલવારીએ લોકોને હાલની પરિસ્થિતિમાં સાવધાની પૂર્વક રહેવાની અને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.

અમદાવાદમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લામાં થઇને આજે કુલ 220 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત થયું છે. અમદાવાદના નવરંગપુરામાં રહેતા 72 વર્ષયી વૃદ્ધનું SVP હોસ્પિટલમાં હાયપરટેન્શન અને ડાયાબિટીસ સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,004 ઉપર પહોંચી ગયો છે અને મોતનો આંકડો 544 થયો છે. આજે વધુ 5 દર્દીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 60 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરના અકોટા, તાદલજા, ગોત્રી, મકરપુરા, સુભાનપુરા, સમા અને માણેજા વિસ્તારમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. કુલ 456 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 60 કેસ પૈકી 56 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ ચારેય દર્દી ઓક્સિજન છે. જ્યારે 44 લોકો હોમ ક્વોરન્ટીન છે. સુરત સિટીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 25 કેસ નોંધાયા છે. સુરત સિટીમાં વરાછા-એ, રાંદેર, કતારગામ અને અઠવામાં 4-4 કેસ નોંધાયા છે. આ સાથે 9 દર્દી કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા છે.

આ સાથે એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે જિલ્લામાં વધુ 7 કેસ નોંધાયા છે. આ સાથે 2 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત સિટી કે જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી. સુરતમાં આ મહિનાથી કોરોનાના કેસમાં વધારો થવાનો શરૂ થયો હતો. પહેલાં એકાદ-બે કેસ નોંધાતા હતા. હવે ડબલ ડિઝિટમાં કેસ આવવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે સુરતમાં છેલ્લા 25 દિવસમાં જ 171 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ કેસ અઠવામાં 27 અને લિંબાયતમાં 27 કેસ નોંધાયા છે. જ્યારે અન્ય વિસ્તારમાં પણ કેસ નોંધાઇ રહ્યા છે. ઉધના વિસ્તારમાં સૌથી ઓછા કેસ સામે આવી રહ્યા છે.

શહેરમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેની ઝપેટમાં હવે ડૉક્ટરો પણ આવી રહ્યા છે. ગત રોજ પ્રાઇવેટ ડૉક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ડૉક્ટરો લોકોને માસ્કર પહેરવા સલાહ આપી રહ્યા છે. હાલમાં સિવિલ હૉસ્પિટલમાં ત્રણ દર્દી સારવાર હેઠળ છે. સુરત સિટીમાં હાલ 114 કેસ એક્ટિવ છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે એક જ દિવસમાં 28 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. જેના કારણે કુલ કેસોનો આંકડો 125 પર પહોંચી ગયો છે.

જે નવા કેસો આવ્યા છે તેમાં મોટાભાગના છૂટાછવાયા વિસ્તારના છે અને તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી તેમજ વેક્સીનના ડોઝ લીધી છે અને હોમ આઇસોલેટ છે તેમજ એક દર્દી હૉસ્પિટલમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેવડી ઋતુને કારણે શહેરમાં સીઝનલ ફ્લૂના કેસ વધ્યા છે અને તેમાં H3N2ના શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. આ ઉપરાંત ફરી કોરોનાના દર્દીઓ વધવા લાગતા લોકોમાં ચિંતા ફેલાઇ છે. બીજી તરફ સિવિલ હૉસ્પિટલમાં પણ 100 બેડની કોરોના હૉસ્પિટલ ફરી શરૂ કરવા નિર્ણય કરાયો છે. રાજ્યનું આરોગ્ય અને મહાનગરપાલિકા તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp