મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કોરોના સામે લડવા 200 કરોડ ફાળવવાની જાહેરાત

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી થયેલી પ્રતિકૂળ આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને પૂન: વેગવંતુ, જનજીવનને ધબકતું કરવા રૂ. 14022 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં કોરોના સામેની લાંબી લડાઇમાં જીત મેળવવા આરોગ્ય સુવિધાઓ સંગીન બનાવવાનો પણ ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર કોવિડ-19ની સ્થિતીના સામના માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ. 200 કરોડ આરોગ્ય વિભાગને અને રાજ્યના 7 મહાનગરોને ફાળવવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતીમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે નિયંત્રણ ઉપાયો, દવાઓ, કિટ સહિતના સાધનો અને કોરોના વોરિયર્સની મૃત્યુની વિપદામાં સહાયરૂપ થવા સૌ નાગરિકો-પ્રજાજનોને મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા ગત માર્ચ માસમાં અપિલ કરી હતી.

તેમણે કોરોના-કોવિડ-19 સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિમાં ખાસ અલાયદા ભંડોળ માટે આ અપિલ દ્વારા જે ટહેલ નાંખી તેનો પ્રતિસાદ આપતાં રાજ્યના નાગરિકો-સેવાવ્રતીઓ, ઊદ્યોગજુથોએ ઉદારત્તમ યોગદાન આપ્યું છે.

મુખ્યમંત્રીએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવી આ ભંડોળમાંથી રૂ. 25 લાખની સહાય કોરોના સંક્રમણ નિયંત્રણની આવશ્યક સેવા-ફરજ દરમ્યાન સ્વયં કોરોના સંક્રમિત થઇ મૃત્યુ પામનારા મહેસૂલ, પોલીસ, તબીબ, પેરામેડિકલ, સફાઇકર્મી, સસ્તા અનાજની દુકાનધારકો, તોલાટ, બિલ કલાર્ક સહિતના કોરોના વોરિયર્સના પરિવારજનોને આવી વિપદાની વેળાએ પડખે ઊભા રહી આપવાનો પણ નિર્ણય કરેલો છે.

અત્યાર સુધીમાં આવા, 1 રેવન્યુ કર્મયોગી અને 3 પોલીસકર્મીઓ મળી 4 દિવંગત કર્મયોગીઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ 1 કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે.

 વિજય રૂપાણીએ શ્રમિકો-કારીગરવર્ગો પ્રત્યે પણ સંવેદનશીલતા દર્શાવી ગુજરાતના જુદા જુદા શહેરો-નગરોમાં રોજી-રોટી આજીવિકા માટે વસેલા અન્ય રાજ્યોના શ્રમિકોને કોરોના વાયરસથી સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં પોતાના પરિવારજનો પાસે વતન રાજ્ય સ્પેશ્યલ શ્રમિક ટ્રેનથી મોકલવાની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરી હતી.

આવા શ્રમિકો માટેની 900થી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ગુજરાતથી બિહાર, યુ.પી., ઓડિસા, ઝારખંડ વગેરે રાજ્યોમાં દોડાવવા માટે 25 કરોડ રૂપિયા પણ મુખ્યમંત્રી રાહતનિધિના આ કોવિડ-19 ફંડમાંથી ભારતીય રેલ્વેને મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં ચુકવવામાં આવ્યા છે.

હવે, મુખ્યમંત્રીએ ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિવિધ જોગવાઇઓમાં પણ કોરોના-કોવિડ-19 રોગચાળા સામેની લડાઇ પર વિજય મેળવી કોરોનાને હરાવવાની નેમ સાથે 200 કરોડ રૂપિયા આરોગ્ય સેવાઓ માટે ફાળવવાનો વ્યૂહ અપનાવ્યો છે.

તેમણે જાહેર કરેલા આ ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં મુખ્યમંત્રી રાહતનિધિના કોવિડ-19 સામેના ફંડમાંથી 100 કરોડ રૂપિયા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને ફાળવવાની જાહેરાત કરી છે.

એટલું જ નહિ, કોરોના સંક્રમણનો વધુ વ્યાપ ધરાવતાં મહાનગરો અમદાવાદ માટે રૂ. 50 કરોડ, સુરત માટે રૂ. 15 કરોડ, વડોદરા અને રાજકોટ માટે 10-10 કરોડ તેમજ ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાને દરેકને પાંચ-પાંચ કરોડ એમ કુલ વધારાના 100 કરોડ શહેરી વિસ્તારોમાં કોરોના સામેના જંગમાં આરોગ્ય સુવિધાઓની સુદ્રઢતાથી વિજય મેળવવા ફાળવ્યા છે.

મુખ્યમંત્રીએ પ્રત્યેક નાગરિકને કોરોના વોરિયર બનીને ‘કોરોના હારશે-ગુજરાત જિતશે’ના મંત્ર સાથે કાર્યરત થવા જે પ્રેરક આહવાન કર્યુ છે તેમાં આ રૂ. 200 કરોડની માતબર ફાળવણી વધુ નવું બળ-જોમ પુરૂં પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp