કોરોના સામે લડવા અંગે નીતિન પટેલે આ જિલ્લાના કર્યા વખાણ

PC: Khabarchhe.com

જિલ્‍લા પ્રભારી મંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં આજે ખેડા જિલ્‍લા આયોજન મંડળની બેઠક ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમ દ્વારા યોજાઇ હતી. જેમાં તેમણે જિલ્લા આયોજન હેઠળ કરવાના કામો વધુ ગુણવત્તાસભર અને પ્રજાહિતનને વધુ ઉપયોગી થાય તે રીતે આયોજન કરવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી.

જિલ્‍લા પ્રભારી મંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે, અત્‍યારની સાંપ્રત અને તાકીદની પરિસ્‍થિતિને ધ્યાને લઇ કોરોના વાયરસ સામેનો જંગ જીતવા જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સરકારના દિશા-નિર્દેશો તેમજ સૂચનાઓનું પાલન થાય, પ્રજાજનો નિયમિત માસ્‍ક પહેરે, સોશ્યલ ડિસ્‍ટન્‍સ જાળવે, ધાર્મિક કાર્યકમોમાં પણ રાજ્ય સરકારની સૂચનાઓ અને માર્ગદર્શનનું યોગ્ય પાલન થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે. જેથી જિલ્‍લામાં આ કોરોનાના સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય.

નાયબ મુખ્‍યમંત્રીએ જિલ્‍લા વહિવટીતંત્રની કામગીરીને બિરદાવતા કહ્યુ કે, અન્‍ય જિલ્લાઓની તુલનામાં ખેડા જિલ્‍લામાં આ રોગ ઉપર કાબુ મેળવવામાં અને તેને નિયંત્રીત રાખવામાં સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં પણ વધુ સજ્જતાથી આ મહામારી સામે લડવા સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, આપણે સૌ એઅમૂલ્‍ય માનવ જીંદગીઓને બચાવવાની છે તે માટે તમામ વિભાગનો સહકાર લઇ એકજૂથ બનીને જિલ્‍લામાં આ રોગને નિયંત્રીત કરવા પર ખાસ ધ્યાન આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

નાયબ મુખ્‍યમંત્રીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ તે અંગેની પ્રિ-મોન્‍સુન તૈયારીઓની જાણકારી મેળવી હતી. તેમજ જિલ્‍લામાં સ્‍વચ્‍છતા ઉપર ભાર મૂકી મેલેરીયા અને ઋતુ જન્‍ય રોગો ઉપર નિયંત્રણ કરવા માટે ખાસ તકેદારી રાખવા સુચનાઓ આપી હતી.

આયોજન મંડળની બેઠકમાં મંજૂર કરવાના કામો મંજૂર કરી નાયબ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, આ કામો ગુણવત્‍તાસભર થાય તેમજ કરેલા કામો પ્રજાજનોને ઉપયોગી થાય તે જોવા ભારપૂર્વક અપીલ કરી હતી. જે કામો મંજૂર કર્યા છે તે માટે ગામડાના કારીગરોનો મહત્તમ રોજગારી મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્‍યું હતું, જેથી કરીને ગામડાના કારીગરોને રોજીરોટી મળે અને ગામડાનું અર્થતંત્ર સધ્ધર થાય.

નાયબ મુખ્‍યમંત્રીએ લોક ડાઉન દરમ્યાન જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, સેવાભાવી સંસ્‍થાઓ અને જિલ્‍લા વહિવટીતંત્રની કામગીરીની સરાહના કરીને જણાવ્‍યું હતું કે, વિકટ પરિસ્‍થિતિમાં તમામે જરૂરીયાત મંદોની સેવા કરી ઉત્તમ માનવીય કાર્યો કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 14 હજાર કરોડના પેકેજની યોજનાઓનો લાભો પણ જરૂરીયાત મંદોને વહેલીતકે મળી રહે તે જોવા પણ સૂચનાઓ આપી હતી.

આયોજન મંડળની આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહીને વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળ વર્ષ 2020-21નું નવીન આયોજન મંજૂર કરવા બાબત, 15 ટકા વિવેકાધિન જોગવાઇઓ, અનુ.જાતિ યોજનાઓ, 5 ટકા પ્રોત્‍સાહક જોગવાઇઓ, ખાસ પછાત વિસ્‍તાર(ભાલ) જોગવાઇઓ, બક્ષીપંચ યોજનાનું આયોજન મંજૂર કરવા બાબત, વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજનની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2018-19 અને 2019-20ના કામોના ફેરફારને મંજૂર કરવા બાબત તથા વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓ અને સંસદ ફંડ હેઠળ વર્ષ-2018-19 અને 2019-20 ના પૂર્ણ કરવાના બાકી કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

 જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ દ્વારા જિલ્‍લા આયોજન મંડળ હેઠળ કરવાના કામોની જાણકારી નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલને આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp