સુરતમાં ‘કમ્યુનીટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં 467 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

PC: Khabarchhe.com

નર્મદ નગરી સુરત શહેર તેની આગવી ઓળખના કારણે જાણીતું બન્યું છે. ખાવા-પીવાના અને ઉત્સવોના શોખિન સુરતીલાલા માનવીય સંવેદનામાં પણ પાછા પડે એમ નથી. પુર-પ્લેગ જેવી આફત સમયે બાથભીડીને સુરતીઓ પુનઃ જીવનમાં પરોવાય ગયા. મદદની હુંકાર સામે ડાયમંડ નગરીના દાનવીરોએ કયારેય પાછી પાની કરી નથી. કોરોના સમયે પણ આગવી ઓળખ આપી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કમ્યુનીટી કોવિડ કેર આઈસોલેશન સેન્ટરો છે.

કોરોના વૈશ્વિક મહામારી સમયે દર્દીઓની વ્હારે વિવિધ સમાજો આગળ આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, નાણા વિભાગના સચિવ મિલિંદ તોરવણે, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. એમ.થૈન્નરસન, સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને કલેકટર ધવલ પટેલના સંકલન હેઠળ ખાસ ફરજ પરના અધિકારી નિવૃત આઈ.એ.એસ. આર.જે.માકડિયાને જવાબદારી સોંપવામાં આવી છે તેમની દેખરેખ હેઠળ વિવિધ સમાજો દ્વારા 20 જેટલા ‘કમ્યુનીટી બેઈઝડ કોવીડ આઈસોલેશન સેન્ટરો’ શરૂ કરાયા છે. દેશભરમાં આવા સેન્ટરો પ્રથમ શરૂઆત સુરત શહેરમાં થઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ જેની નોંધ લેવાય છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ સેન્ટરોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સુરતમાં કમ્યુનિટી બેઈઝ કોવિડ કેર સેન્ટરની જવાબદારી સંભાળતા આર.જે.માકડિયા જણાવે છે કે, હાલમાં 20 સમાજોના સેન્ટરોમાં કુલ 1411 બેડ પૈકી 310 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જયારે 1101 બેડ ઉપલબ્ધ છે અત્યાર સુધીમાં 467 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સેન્ટરમાં કોઈ કુટુંબોમાં કોરોનાગ્રસ્ત દર્દીને ઘરે આઈસોલેશન ન થઈ શકતા હોય તેવા અનેક કોરોના દર્દીઓને ઘર જેવું વાતાવરણ પુરૂ પાડી માનવીય સંવેદનાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.

ઓક્સિજનની સુવિધા ધરાવતું અલથાણ ખાતે અટલ સંવેદના ખાતે 182 બેડ, રાંદેર ઝોનમાં જૈન સમાજ દ્વારા 116 બેડ, કતારગામ ખાતે પાટીદાર સમાજ દ્વારા 100 બેડ, મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 125 બેડ, લિંબાયત ભાઠેના કોવિડ સેન્ટર ખાતે 168 બેડ, અઠવાઝોનમાં નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 બેડ, અગ્રવાલ સમાજના સેવા ફાઉન્ડેશન દ્વારા 80 બેડ, વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 70 બેડ, વૈષ્ણવ સમાજ દ્વારા ચિલ્ડ્રન હોલ ખાતે 50 બેડ, કોશીશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 60 બેડ, બોટાવાલા આઈસોલેશન સેન્ટરમાં 60 બેડ, પાટીદાર સમાજ અમીધારા પાટીદાર સમાજની વાડી ખાતે 31 બેડ, હિબા હોસ્પિટલ દ્વારા 84 બેડ, રાણા સમાજ દ્વારા 40, વોરા સમાજ દ્વારા 50, સોરઠીયા રામીમાળી પંચ દ્વારા 30, આહિર સમાજ દ્વારા 50, દયાળજી અનાવીલ કેળવણી મંડળ દ્વારા 25, સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા 25, પાંડેસરા ઔદ્યોગિક એકમો દ્વારા 50 બેડ મળી કુલ 1411 જેટલા બેડની સુવિધા ઉભી કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓને દવા, પૌસ્ટીક ભોજન, ડૉક્ટરની સુવિધા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

જે અંતર્ગત સૌથી વધુ અટલ સંવેદના સેન્ટરમાંથી 247, જૈન સમાજમાંથી 145, આહિર સમાજમાંથી 17, વાટલીયા પ્રજાપતિ સમાજમાંથી 16, પાટીદાર સમાજમાંથી 12 દર્દીઓ તથા અન્ય સમાજ મળી કુલ 467 જેટલા દર્દીઓએ સમાજના સેન્ટરોનો લાભ લઈને કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા છે. જયારે 58 દર્દીઓ આ જ સેન્ટરોમાં સારવાર લઈ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, સુરત ખાતે કોરોના વૈશ્વિક મહામારીમાં ઉમદા કાર્ય થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp