કોરોના પહેલા જુઓ ભારતની 12 અલગ અને અનોખી દશેરા ઉજવણી કેવી થતી

PC: khabarchhe.com

આપણે જાણીએ જ છીએ કે ભારત એ વિવિધતામાં એકતાનો દેશ છે. આપણે એમ પણ જાણીએ છીએ કે આપણા દેશમાં દર બાર ગામે બોલી બદલાય છે. તો પછી આપણે એમ પણ જાણીએ છીએ ભારતમાં દરેક તહેવાર, ભલે તેના નામ સરખા હોય, પરંતુ તે પણ અલગ અલગ રીતે ઉજવાય છે. આવો જ એક રાષ્ટ્રીય ઉત્સવ છે દશેરાનો. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક તરીકે ઉજવાતા આ ઉત્સવના પણ વિવિધ રંગો ભારતભરમાં પથરાયેલા જોવા મળે છે.

દશેરા ભારતના વિવિધ રાજ્યોમાં એકદમ અલગ રીતે ઉજવાય છે.આવા જ 12 અલગ રંગો જે દશેરાની ઉજવણી સાથે જોડાયેલા છે તેને અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ.

કોલકાતા દુર્ગા પૂજા

બંગાળીમાં અથવાતો કોલકાતામાં તેને ‘પૂજો’ કહેવામાં આવે છે. જેમ ગુજરાતમાં નવરાત્રીનું અનોખું મહત્ત્વ છે તેમ પાંચમા નોરતે સમગ્ર બંગાળમાં દુર્ગા પૂજાની શરૂઆત થઇ જાય છે અને દશેરા એટલેકે બિજોયાને દિવસે દુર્ગા માતાની વિશાળ મૂર્તિઓના વિસર્જન સાથે તેનું સમાપન થાય છે. વિસર્જન જોવાનો આનંદ તો હોય જ પરંતુ જો સમય હોય તો એક કે બે દિવસ અગાઉ કોલકાતા જઈને દુર્ગા પૂજાના વિવિધ પંડાલો જોવાનો પણ એક અનોખો અનુભવ હોય છે.

મૈસુર દશેરા

ભારતના કેટલાક રાજ્યોમાં આજે પણ રાજાઓને સન્માન આપવામાં આવે છે. કર્ણાટકનું મૈસુર એવું જ શહેર છે અને અહીં દશેરાના દિવસે રાજા ખુદ હાથી પર બેસીને નગર યાત્રાએ નીકળે છે. મૈસુરનું નામ ચામુંડેશ્વરી દેવીના આશિર્વાદથી, જેમણે મહિષાસુરનો વધ કર્યો હતો, મળ્યું હોવાની લોકવાયકા છે. દશેરાના દિવસે રાજાના સરઘસમાં પરેડ વગેરે જોવા મળે છે અને સમગ્ર શહેર સાથે રાજ મહેલને પણ લાઈટોથી શણગારવામાં આવે છે.

કુલ્લુ દશેરા

કુલ્લુની દશેરા તમામ બાબતે અલગ છે. અહીં દશેરાના દિવસે નીકળતા સરઘસમાં નારસિંઘ નામના મોટા ટ્રમ્પેટ વગાડવામાં આવે છે. રાજા જગત સિંઘ દ્વારા 1637માં શરુ કરવામાં આવેલી આ પ્રથામાં આજે પણ કુલ્લુની આસપાસના 200 ગામડાઓમાંથી વિવિધ દેવતાઓની મૂર્તિ લાવવામાં આવે છે અને ભગવાન રઘુનાથનો વરઘોડો કાઢવામાં આવે છે જે શહેરના ધાલપુર મેદાન સુધી ચાલે છે. દેશભરમાં દશેરાની સાંજે દશેરા મહોત્સવ પૂર્ણ થઇ જાય છે જ્યારે કુલ્લુમાં તેની શરૂઆત થાય છે. અહીં રાવણનું પુતળું બાળવામાં નથી આવતું પરંતુ સુકા ઘાસ અને પાંદડાને ભેગા કરીને બિયાસ નદીના કિનારે બાળવામાં આવે છે જેને ‘લંકા દહન’ નામ આપવામાં આવ્યું છે.

તેલંગાણા અને આંધ્રનો બથુકમ્મા ઉત્સવ

આ ઉત્સવ દેવી ગૌરીની પૂજા કરવા માટે ઉજવાય છે. બથુકમ્માનો મતલબ “દેવી ગૌરી આવ્યા છે” એવો થાય છે. વિખ્યાત ગોપુરમ મંદિરના ઘુમ્મટના આકારની એક પ્રતિકૃતિ જે સંપૂર્ણપણે ફૂલોથી બનાવવામાં આવી હોય છે તેની આસપાસ આપણા ગરબાની જેમજ સ્ત્રીઓ નૃત્ય કરે છે. આ ઉત્સવ ભાદરવાની અમાસથી શરુ થાય છે અને દુર્ગાષ્ટમી સુધી ચાલે છે. ઉત્સવનો મૂળ હેતુ ચોમાસાના અંતની તેમજ શરદ ઋતુની શરૂઆતની જાહેરાત કરવાનો છે. દશેરાએ બથુકમ્માની ફૂલોની પ્રતિકૃતિનું વિસર્જન કરવામાં આવે છે.

બસ્તર દશેરા

75 દિવસ લાંબો ચાલતો આ ઉત્સવ તે છત્તીસગઢના હ્રદયસમા એવા જગદલપુરની આસપાસ ઉજવાય છે. એવું કહેવાય છે કે 13મી સદીમાં તે સમયના બસ્તરના રાજા પુરષોત્તમ દેવે તે સમયે બડે ડોંગર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં તેની શરૂઆત કરાવી હતી. અહીં રોજ વિવિધ પ્રકારની જાત્રાઓ થાય છે અને અહીંના આદિવાસીઓ તેમાં હોંશભેર ભાગ લે છે, નાચે છે, ગાય છે અને વિવિધ વેષ પણ કાઢે છે. દશેરાનો દિવસ ઓહાડી એટલેકે દેવોને વિદાય આપવાના દિવસ તરીકે ઉજવાય છે અને તે દિવસે આ ઉત્સવનું સમાપન થાય છે.

ચેન્નાઈનું બોમ્માઈ કોલુ

દશેરા આવી નથી કે ચેન્નાઈની ગલીઓ કોલુ એટલેકે લાકડાથી બનાવવામાં આવેલી નાનીનાની મૂર્તિઓથી ઉભરાઈ જાય છે. આ મૂર્તિઓને લાકડાના જ સ્ટેન્ડ ઉપર સજાવીને મુકવામાં આવે છે. આમતો પરંપરા અનુસાર મા દુર્ગાના વિવિધ સ્વરૂપોને પ્રદર્શિત કરવા આ પરંપરા શરુ કરવામાં આવી હતી, પરંતુ સમયજતા તેમાં ફેરફાર આવ્યા અને હવે અત્યારના હીરોઝને પણ અહીંના કોલુમાં સ્થાન આપવામાં આવે છે જેમ કે કોઈ અદાકાર કે પછી ખેલમાં જેણે દેશનું નામ ઉંચું કર્યું હોય તેવા લોકો. રામાયણ અને મહાભારતના પ્રસંગોને અનુરૂપ કોલુ પણ અહીં જોવા મળશે. તમિલનાડુની આ પ્રથા એટલી બધી લોકપ્રિય છે કે તેના પડોશી રાજ્યોમાં પણ તેમની સ્થાનિક ફ્લેવર અનુસાર આ પરંપરા ઉજવાય છે.

વારાણસીની રામલીલા

એક અદ્ભુત અને અનોખી રામલીલા વારાણસીમાં જોવા મળશે. ઈ.સ. 1800માં બનારસના મહારાજા ઉદિત નારાયણ સિંઘના આશિર્વાદથી આ રામલીલાની શરૂઆત થઇ હતી. અહીં બનારસના સમગ્ર કિલ્લાને સ્ટેજ બનાવી દેવામાં આવે છે અને કલાકારો રામાયણના પાત્રોની વેશભૂષા પ્રમાણે કિલ્લાના વિવિધ સ્થળોએ બનાવેલા અયોધ્યા, વન, અશોક વાટિકા કે લંકાના સ્ટેજ પર ફરી ફરીને રામલીલા પરફોર્મ કરતા હોય છે. એક અનોખી વાત એ છે કે આ રામલીલામાં લાઉડસ્પીકરનો જરૂર પડે તો જ ઉપયોગ કરવામાં આવે છે પણ તેમ છતાં હજારો લોકો તેને જોવા ઉમટે છે.

માડીકેરી દશેરા

કર્ણાટકના કુર્ગની રમણીય પહાડીઓ પર માડીકેરી દશેરા ઉજવાય છે. સદીઓ અગાઉ થયેલા હાલારી રાજાઓએ આ ઉત્સવ શરુ કર્યો હોવાનું કહેવાય છે. અહીં ચાર મંદિરો આવ્યા છે અને આ ચારેય મંદિરો દેવી મરીઅમ્માના છે અને તેમના સન્માનમાં આ ઉત્સવ ઉજવાય છે. દરેક મંદિરોમાં પોતાના ખાસ કરાગા નૃત્ય થાય છે જે દ્રૌપદીની પૂજા માટે કરવામાં આવે છે. સાંજ પડતા દુર્ગા તેમજ અન્ય દેવીઓના વિશાળ પુતળાઓ સાથે નગરયાત્રા નીકળે છે જેમાં વિવિધ દૈત્યોની મૂર્તિ અથવાતો તેમનો વેશ લીધેલા કલાકારો પણ જોવા મળે છે.

ગુજરાતની નવરાત્રીનું સમાપન

આ અંગે ગુજરાતીઓને વધુ કશું કહેવાની જરૂર નથી, પરંતુ આપણી નવરાત્રી અને દશેરાનું દેશભરમાં અનેરું મહત્ત્વ છે. ગુજરાતના કોઇપણ સ્થળે નવરાત્રીના નવેનવ દિવસ ગરબા અને રાસની રમઝટ જોવા મળે છે. અહીં શેરી ગરબા અને પાર્ટી પ્લોટ ગરબા બંને સરખા ઉત્સાહથી ઉજવાય છે. દશેરાએ નવરાત્રીને એક વર્ષ માટે વિરામ આપવા ઉપરાંત શસ્ત્ર પૂજા તેમજ વાહન પૂજા થાય છે, સાંજે કેટલીક જગ્યાએ રાવણ દહન થાય છે તો સવારે ઠેરઠેર ફાફડા અને જલેબીના જમણ લેવાય છે.

દિલ્હીની દશેરા

કહેવાય છે છેલ્લા મોગલ શાસક બહાદુર શાહ ઝફર દ્વારા દિલ્હીમાં રામલીલા મહોત્સવ શરુ કરાવવામાં આવ્યો હતો જ્યાં રામલીલા મંડળીઓ દ્વારા રામલીલા ઉત્સવ મનાવવામાં આવે છે. અહીંની કંજક પૂજા જેમાં પૂરી, હલવો અને ચણાનો પ્રસાદ હોય છે તે પણ ખાસી લોકપ્રિય છે. દશેરાએ રામલીલાની પૂર્ણાહુતી થાય છે જેમાં દેશના વડાપ્રધાન ખુદ રાવણ દહન સમયે હાજર રહેતા હોય છે.

કુલ્લાશેકરાપટ્ટીનમ દશેરા

તમિલનાડુનું કુલ્લાશેકરાપટ્ટીનમ શહેર વર્ષના બાકીના દિવસોમાં રાજ્યના અન્ય ભાગોથી સાવ અલિપ્ત અને શાંત હોય છે પરંતુ દશેરા ઉત્સવના દસ દિવસોમાં આ શહેર જીવંત થઇ ઉઠે છે. અહીના દશેરા ઉત્સવને કુલાસાઈ ઉત્સવ પણ કહેવામાં આવે છે જે આ ક્ષેત્રમાં આવેલા મુથુરામન મંદિર દ્વારા શરુ કરવામાં આવ્યો હતો. અહીં દસેય દિવસ નૃત્ય અને રોમાંચ જારી રહેતો હોય છે. આ દશેરા ઉત્સવની વિશિષ્ટતા છે લોકો દ્વારા પચરંગી વેશભૂષા ધારણ કરવી અને નૃત્ય કરવું. દશેરાની મધ્યરાત્રી બાદ આ ઉત્સવ પૂર્ણ થાય છે.

કોટા દશેરા

1723માં મહારાજ દુર્જનશાલ સિંઘ હાડા દ્વારા કોટામાં દશેરા ઉત્સવ ઉજવવાનું શરુ કરાયું હતું. ખરેખર તો આ 25 દિવસનો મેળો છે જેમાં લોકો આવે છે અને આનંદ માણે છે. વિજયાદશમીને દિવસે દેશના અન્ય શહેરોની જેમ અહીં પણ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. મેળામાં કવિ સંમેલન મુશાયરા અને મૂછ સ્પર્ધા પણ ખાસીએવી લોકપ્રિય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp