શિક્ષકોની સમજાવટ પછી ગુજરાતના આ ગામના તમામ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરશે

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે હાલ તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. તેવા સમયે ખાનગી શાળાઓ અને રાજ્ય સરકાર દ્વારા બાળકોને ટીવી અને ઓનલાઈનના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે. શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હોવા છતાં પણ અવાર નવાર વાલીઓ પાસેથી ફીની માગણી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે બાબતે વાલીઓએ ખાનગી શાળાઓ સામે ઓનલાઇન આંદોલન પણ શરૂ કર્યું છે અને શાળા દ્વારા લોકડાઉનના સમયમાં ફીમાં રાહત આપવા માટેની માગણી કરવામાં આવી છે. તો બીજી તરફ ફીની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક વાલીઓએ તેમના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું છે. જેથી ગુજરાતના એક ગામના તમામ બાળકો ખાનગી શાળાની બદલે સરકારી શાળામાં અભ્યાસ કરશે તેવો નિર્ણય તેમના વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ ગામ રાજકોટ જિલ્લાના ટંકારામાં આવેલું હીરાપર ગામ છે.

રિપોર્ટ અનુસાર, રાજકોટ જિલ્લાના ટંકારાના હીરાપર ગામમાં અંદાજે 2000 જેટલા લોકો વસવાટ કરે છે. ગામની સરકારી શાળામાં લોકડાઉન પહેલા ખૂબ જ ઓછી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા આવી રહ્યા હતા, પરંતુ લોકડાઉનમાં કોરોનાની મહામારી વચ્ચે હીરાપર ગામના વાલીઓ સાથે સરકારી શાળાના શિક્ષકો અને શિક્ષિત યુવકો રોજબરોજ ચિંતન બેઠક યોજી ગામના તમામ બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા વાલીઓને સમજાવ્યા હતા. વાલીઓ સાથે કરેલી ચિંતન બેઠકોના કારણે વાલીઓ પણ તેમના બાળકોને હીરાપર ગામની સરકારી શાળામાં બેસાડવા માટે રાજી થયા હતા. જેના કારણે હીરાપર ગામ એક એવું ગામ બન્યું છે જેમાં તમામ બાળકો ખાનગી શાળાની જગ્યા પર હવે સરકારી શાળામાં અભ્યાસ કરશે.

હીરાપર ગામના લોકોને સમજાવવા માટે 20 જેટલા શિક્ષિત યુવકોએ એક શિક્ષણ કમિટી બનાવી હતી અને શિક્ષણ કમિટીના યુવાનો જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ટંકારાના BRCના કો-ઓર્ડિનેટરના સહયોગથી વાલીઓને સમજાવવાની પ્રવૃત્તિ કરતા હતા. મહત્ત્વની વાત એ છે કે, બે વર્ષ પહેલા ટંકારા તાલુકામાં આવેલા જબલપુર, હીરાપર, હરબટીયાળી ગામડાના લોકોએ તેમના બાળકોને ખાનગી શાળાની જગ્યા પર સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો અને હાલ પણ આ તમામ ગામના લોકો તેમના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp