રસ્તા પર પાકીટ વેચતા પિતાની દીકરી ડૉક્ટર બનશે, જાણો કેવી રીતે?

PC: khabarchhe.com

ગાંધીનગરના માર્ગના ખૂણે પાથરણું પાથરીને પાકીટ વેચતા એક પિતાએ પૈસા ભેગા કરીને તેની પુત્રીને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું અને તે સપનું હવે પૂર્ણ થવા આવ્યું છે. ઘરમાં કોઇપણ સુવિધા નહીં હોવા છતાં પિતાએ દિકરીને ભણાવી અને છેવટે દિકરીએ નીટની પરીક્ષામાં 509 માર્ક્સ મેળવ્યા છે. આ દિકરી માટે પિતાને ગર્વ છે.

અમદાવાદના કુબેરનગરમાં રહેતા યુધિષ્ઠીર લુલ્લાની દિકરી સપના ગાંધીનગર સ્થિત ઇન્ફોસિટી સાયન્સ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. તાજેતરમાં મેડીકલ એન્ટ્રેન્સમાં લેવાયેલી પરીક્ષામાં સપનાએ 720 પૈકી 509 માર્ક્સ મેળવ્યા છે અને તેનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ થયું છે. સપનાના પિતા યુધિષ્ઠીર રસ્તાની બાજુમાં પાથરણું પાથરીને રમકડાં, લાઇટર, પાકીટ અને ચાર્જર જેવી ચીજવસ્તુઓ વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

ગરીબ પરિવારની દિકરીની ધગશ જોઇને ગરીબ પિતાએ તેણીને ભણવા માટેની તમામ સુવિધા કરી આપી હતી. સપનાને સારૂં કોચીંગ મળે તે માટે એકેડેમીમાં પણ દાખલ કરી તેની ફી ચૂકવી હતી. સપના જ્યારે કોચીંગ લેતી હતી ત્યારે તેના પિતા ગાંધીનગરના સચિવાલય સ્થિત આવેલા મીનાબજારમાં પાથરણું પાથરીને છૂટક ચીજવસ્તુ વેચતા હતા અને તેની કમાણીમાંથી ફી ભરતા હતા.

સપનાના પિતા સતત બે વર્ષ સુધી પાથરણું પાથરીને પાકીટ, ચાર્જર જેવી ચીજવસ્તુઓ વેચતા રહ્યાં હતા. આ દિકરીને પિતા ઉપરાંત માતાનો પણ સપોર્ટ મળ્યો હતો. મહત્વની બાબત એવી છે કે પિતાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી ગાંધીનગરની એકેડેમીના સંચાલકોએ સપના કે તેના પિતા પાસેથી ટ્યુશન ફી લીધી નથી. સપનાને વિનામૂલ્યે કોચીંગ આપ્યું છે. એટલું જ નહીં ઇન્ફોસિટી સાયન્સ સ્કૂલના સંચાલકોએ પણ સપનાને ખૂબ મહેતન કરવાની પ્રેરણા આપી હતી.

પુત્રીને ડોક્ટર બનાવવાનું સપનું પિતાએ જોયું હતું અને આ સપનાનું સપનું હવે સાકાર થવાનું છે. એકેડેમીના સંચાલક ભદ્રેશ પટેલ કહે છે કે સપના અને તેના પિતાએ ક્યારેય આર્થિક પરિસ્થિતિ અંગે મને વાત કરી ન હતી પરંતુ એક દિવસ જ્યારે હું એકેડેમીની નીચે ગયો ત્યારે સપનાના પિતાને પાથરણું પાથરીને ચીજવસ્તુ વેચતા જોયા ત્યારે મારૂં હ્રદય દ્વવી ઉઠ્યું હતું. સપનાએ કોચીંગ માટે ભરેલી પાંચ હજાર રૂપિયાની ફી મેં તેણીને પરત કરી અને કહ્યું કે તને વિનામૂલ્યે અમે કોચીંગ આપીશું. આખરે સપનાને રેન્ક લાવીને તેને મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.

સપનાના પિતા યુધિષ્ઠીર તેમની દિકરી અંગે કહે છે કે મારી પુત્રી સપનાએ તેણીનું અને મારા પરિવારનું સપનું પૂર્ણ કર્યું છે. આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું કે હું એ લોકોનો આભાર માનું છું કે મારી દિકરીને જેમણે મદદ કરી છે. હવે સપના મેડીકલમાં એડમિશન લઇને ડોક્ટરનો અભ્યાસ શરૂ કરશે. અમારા પરિવાર માટે આ સૌથી મોટો ખુશીનો અવસર છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp