નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વધુને વધુ સ્થાનિક ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપે છેઃ PM

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત બજેટની જોગવાઈઓનો અસરકારક અમલ કરવા માટે આયોજિત એક વેબિનારને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વેબિનારના સંબોધન દરમિયાન ધ્યાન દોર્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા દેશની યુવા પેઢીનો આત્મવિશ્વાસ બુલંદ હોવો અતિ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે યુવા પેઢીને તેમના શિક્ષણ અને જ્ઞાન કે જાણકારીમાં સંપૂર્ણ વિશ્વાસ હશે, ત્યારે જ તેમનો આત્મવિશ્વાસ વધશે. જ્યારે તેમને અહેસાસ થશે કે, તેમનું શિક્ષણ તેમને કામ કરવાની તક પ્રદાન કરશે અને જરૂરી કૌશલ્યો પણ વિકસાવશે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધશે. તેમણે કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ વિચારસરણી સાથે બનાવવામાં આવી છે. તેમણે પ્રી-નર્સરીથી પીએચડી સુધીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની તમામ જોગવાઈઓનો અમલ ઝડપથી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સંબંધમાં બજેટ અતિ મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં આરોગ્ય પછી સૌથી વધુ ધ્યાન શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને નવીનતા પર આપવામાં આવ્યું છે. તેમણે દેશની કોલેજો અને યુનિવર્સિટીઓ વચ્ચે શ્રેષ્ઠ સમન્વય અને સંકલન સ્થાપિત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ બજેટમાં કૌશલ્ય વિકાસ, કૌશલ્ય સંવર્ધન અને એપ્રેન્ટિસશિપ પર અભૂતપૂર્વ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં આગામી વર્ષોમાં રોજગારદક્ષતા અને ઉદ્યોગસાહસિકતાની ક્ષમતાઓ સાથે શિક્ષણને જોડવાના પ્રયાસોને વેગ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, એના પરિણામે અત્યારે ભારતે વૈજ્ઞાનિક પ્રકાશનો, પીએચડી સ્કોલર્સની સંખ્યા અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ દુનિયામાં ટોચના ત્રણ દેશોમાં સ્થાન મેળવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોપ 50 રેન્કમાં સામેલ થયો છે અને સતત એમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને નવીનતા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વિદ્યાર્થીઓ અને યુવાન વૈજ્ઞાનિકો માટે નવી તકોમાં વધારો થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પહેલી વાર શાળાઓમાં અટલ ટિન્કરિંગ લેબ્સ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ સુધી વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે હેકેથોન્સની નવી પરંપરા ઊભી થઈ છે, જે દેશની યુવા પેઢી અને ઉદ્યોગ એમ બંને માટે મોટું પ્રેરકબળ બની રહ્યું છે. તેમણે વધુમાં જાણકારી આપી હતી કે, નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન દ્વારા 3500થી વધારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એ જ રીતે નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન અંતર્ગત આઇઆઇટી બીએચયુ, આઇઆઇટી-ખડગપુર અને આઇઆઇએસઇઆર, પૂણેમાં ત્રણ સુપરકમ્પ્યુટર્સઃ પરમ શિવાય, પરમ શક્તિ અને પરમ બ્રહ્મા સ્થાપિત કરવામાં આવ્યાં છે. તેમણે જાણકારી આપી હતી કે, દેશમાં ડઝનથી વધારે સંસ્થાઓ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ત્રણ અદ્યતન એનાલીટિકલ એન્ડ ટેકનિકલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સ (સાથી) આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી દિલ્હી અને બીએચયુમાંથી સેવા આપે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નિયંત્રિત જ્ઞાન અને સંશોધન દેશની સંભવિતતા સાથે મોટો અન્યાય છે એ વિચારસરણી સાથે અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, ડીઆરડીઓ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઘણા વિકલ્પો પ્રતિભાશાળી યુવાનો માટે ખુલ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પહેલી વાર દેશમાં મેટ્રોલોજી સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય ધારાધોરોને પૂર્ણ કરવામાં આવ્યાં છે, જે સંશોધન અને વિકાસ તરફ દોરી જશે અને આપણી આંતરરાષ્ટ્રીય સક્ષમતામાં ઘણો વધારો થશે. તાજેતરમાં જિયો-સ્પેતિયલ ડેટાનું ઉદારીકરણ થયું છે તથા આ અંતરિક્ષ ક્ષેત્ર અને દેશની યુવા પેઢી માટે પ્રચૂર તકો તરફ દોરી જશે. સંપૂર્ણ ઇકોસિસ્ટમ પ્રચૂર લાભ થશે. તેમણે કહ્યું હતું કે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દેશમાં પહેલી વાર ઊભું થયું છે. આ માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. આ સંશોધન સાથે સંબંધિત સંસ્થાઓનું વહીવટી માળખું મજબૂત કરશે તથા સંશોધન અને વિકાસ, એકેડેમિયા અને ઉદ્યોગ વચ્ચે સમન્વયને સુધારવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, બાયોટેકનોલોજી સંશોધનમાં 100 ટકાથી વધારે વૃદ્ધિ સરકારની પ્રાથમિકતાઓનો સંકેત છે. તેમણે ખાદ્ય સુરક્ષા, પોષણ અને કૃષિની સેવામાં બાયોટેકનોલોજી સંશોધનના અવકાશમાં વધારા માટે અપીલ કરી હતી.

ભારતીય પ્રતિભાઓની માગ પર વાત કરતા પ્રધાનમંત્રીએ રોજગારીના ક્ષેત્રમાં જરૂરી કુશળતાઓનો તાગ મેળવીને એ મુજબ યુવાનો તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા, આંતરરાષ્ટ્રીય કેમ્પસને આમંત્રણ આપવા અને ઉદ્યોગ માટે જરૂરી કૌશલ્ય સંપાદન કરવા એનું સંવર્ધન કરવાની હિમાયત પણ કરી હતી. તેમણે ઉમેયું હતું કે, આ બજેટમાં એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામની સરળતા વધારવા માટે કરવામાં આવેલી જોગવાઈથી દેશની યુવા પેઢીને મોટો લાભ થશે.

PM મોદીએ જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રમાં આપણી આત્મનિર્ભતા માટે ભવિષ્યનું ઇંધણ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા આવશ્યક છે. આ માટે બજેટમાં જાહેર થયેલું હાઇડ્રોજન મિશન ગંભીર કટિબદ્ધતા છે. તેમણે જાણકારી આપી હતી કે, ભારતે હાઇડ્રોજન વાહનનું પરીક્ષણ કર્યું છે તથા પરિવહન માટે હાઇડ્રોજનને ઇંધણ બનાવવા માટે સંકલિત પ્રયાસોની તેમજ આ માટે ઉદ્યોગને સજ્જ થવાની અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વધુને વધુ સ્થાનિક ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે દેશ અને દુનિયાની શ્રેષ્ઠ સામગ્રીઓને ભારતીય ભાષાઓમાં કેવી રીતે તૈયાર કરવી એની જવાબદારી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, દરેક ભાષાના નિષ્ણાતોની છે. ટેકનોલોજીના આ યુગમાં આ સંપૂર્ણપણે શક્ય છે. તેમણે જાણકારી આપી હતી કે, આ સંબંધમાં બજેટમાં રાષ્ટ્રીય ભાષા અનુવાદ અભિયાનની જોગવાઈ લાંબા ગાળે ઉપકારક પુરવાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp