ગુજરાત સરકારના 2021-22ના બજેટમાં જાણો કોને ફ્રીમાં ટેબલેટ આપવાની જાહેરાત કરાઈ

PC: facebook.com/NitinbhaiPatelbjp

વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટનું કદ 2,27,029 કરોડ છે. આ બજેટમાં શિક્ષણ માટેની પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા બજેટમાં શિક્ષણ વિભાગ માટે 32,719 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નાણામંત્રી નીતિન પટેલે આ બજેટ ડિજીટલ રીતે રજૂ કર્યું હતું. બજેટ માટે ગુજરાત સરકાર દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કરવામાં આવ્યા હતા. આ એપ્લિકેશનમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બજેટમાં તમામ ડોક્યુમેન્ટ મૂકવામાં આવ્યા હતા.

બજેટમાં શિક્ષણ બાબતે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ પદ્ધતિમાં આગામી સમયમાં જરૂરિયાતને ધ્યાને લઇને ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. બાળકોના વિકાસની સાથે સારું શિક્ષણ આપવા માટે સરકાર દ્વારા રાજ્યની 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા માટે સરકારે 1,207 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સાથે જ ધોરણ 1થી 8માં 45 લાખ જેટલા બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવનીયોજના અને સુખડી યોજના માટે 1,044 કારોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

રાઈટ-ટુ-એજયુકેશ એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી માટે 567 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. યુવા સ્વાવલંબન યોજના અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ટ્યુશન ફી, હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃતિ આપવા માટે 287 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં 11 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને ST બસના ફ્રી પાસ કન્સેપ્ટ માટે 205 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કોલેજના પહેવા વર્ષમાં પ્રવેશ મેળવતા ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને ફ્રી ટેબ્લેટ આપવા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓમાં સારું નિવાસી શિક્ષણ મળે તે માટે શાળામાં માળખાગત સુવિધા ઉભી કરવા માટે 80 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં 2000 જેટલી પ્રાથમિક શાળાઓ માટે વીજળી અને પીવાના પાણીની સુવિધા માટે 72 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિનીયમિત વિકાસ અંતર્ગત વર્ગ વધારા, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, શાળા પુસ્તકલય, સ્માર્ટ સ્કૂલ, રિસોર્સ સેન્ટર ખાતે થેરાપીની સગવડ, જ્ઞાનકુંજ, શાળા સ્વચ્છતા કીટ, પ્રજ્ઞા વર્ગખંડ સજ્જતા અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય માટે 280 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સૈનિક શાળાઓમાં ફૂડ બીલ સહાય, મિલેટ્રી ટ્રેનિંગ, લો બજેટ જીત જેવી પ્રવૃત્તિ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રીમાં પાઠ્ય પુસ્તક આપવા માટે 65 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમને સઘન બનાવવા માટે 698 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કામધેનું યુનિવર્સિટીઓ હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે 137 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવમાં આવનાર નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને એપગ્રેડ કરવા માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp