આ 18 વર્ષના છોકરાએ USની પ્રાથમિક શાળામાં આડેધડ ફાયરિંગ કરી 21ને મારી નાંખ્યા

PC: bbc.com

અમેરિકાના ટેક્સાસમાં સ્થાનીય સમયાનુસાર મંગળવારે સવારે એક પ્રાથમિક શાળામાં 18 વર્ષના યુવકે આડેધડ ગોળીબાર કરીને 21 લોકોને મારી નાંખ્યા. મરનારામાં 19 વિદ્યાર્થી અને 2 શિક્ષક હોવાનું જાણવા મળે છે. પોલીસે સામે કાર્યવાહી કરીને હુમલાખોરને સ્થળ પર જ વીંધી નાંખ્યો હતો. શાળામાં ફાયરિંગ કરતા પહેલા આ હુમલાખોરે તેની દાદીને પણ ગોળી મારી હતી જે ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઇડને આ ઘટના અંગે ભારે દુખ પ્રગટ કરીને 4 દિવસનો શોકનું એલાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે.

ટેક્સાસના ગર્વનર ગ્રેગ એબોટ મુજબ રોબ પ્રાથમિક શાળામાં આ ઘટના બની છે. તેમણે કહ્યું કે આ ઘટના 2012માં સૈંડી હુક શાળામાં થયેલી ગોળીબારીથી પણ વધારે ઘાતક છે. હુમલાખોરે બીજા, ત્રીજા અને ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પર આડેધડ ગોળીબાર કરી મારી નાંખ્યા છે.

આ ઘટના ટેક્સાસના નાના શહેર ઉવાલ્ડેમાં થઇ છે. અહીંની વસ્તી 20 હજાર કરતા પણ ઓછી છે. હુમલાખોરનું નામ સલ્વાડોર રામોસ હતું. તેણે આવું કેમ કર્યું તે અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે. પરંતુ એક બાબત બહાર આવી છે કે તેણે 2 દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં રાયફલોની તસ્વીરો શેર કરી હતી. આમ, તેના મનમાં આવું કંઇક ચાલી રહ્યું હતું. તે આ જ વિસ્તારમાં રહેતો હતો. તેણે પહેલા પોતાની દાદી પર જ હુમલો કર્યો. ત્યારબાદ 19 વિદ્યાર્થી અને 2 શિક્ષકો પર ગોળીઓ ચલાવી તેમને મારી નાંખ્યા. શાળામાં 600 જેટલા વિદ્યાર્થી ભણે છે. બીજા કેટલાક ઘવાયા પણ છે. આવતા અઠવાડિયે જ શાળામાં ઉનાળું વેકેશન પડવાનું હતું તે પહેલા જ શાળામાં આ ઘટના બની.

આ ઘટનાને લઇને રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે એક દેશના રૂપમાં આપણે વિચારવું પડશે કે ભગવાનના નામ પર આપણે ક્યાર સુધી ગન લોબી સામે લાચાર ઊભા રહીશું. હવે આ અંગે પગલા ભરવાનો સમય આવી ગયો છે. તેમને એવો પાઠ ભણાવવો પડશે કે ફરીથી આવું ન થાય.

અમેરિકામાં ચાર દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ સૈન્યના જબાજો. સ્ટેશનો અને વિદેશોમાં અમેરિકાના કાર્યાલયો પર 28 મેના સૂર્યાસ્ત સુધી અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

આ અંગે હિલેરી ક્લિટંને પણ નિવેદન આપી કહ્યું કે આ ઘટના અંગે વિચાર અને પ્રાર્થના પૂરતી નથી. થોડા વર્ષોથી આપણે પીડા ભરેલી ચીસોનો દેશ બનતા જઇ રહ્યા છીએ. આપણે હવે અમેરિકામાં બંદુકની હિંસા રોકી શકે તેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આવી 30 જેટલી ઘટનાઓ બની ચૂકી છે જેમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકો ઘવાયા છે. ત્યાં ગનનું લાયસન્સ સહેલાઇથી મળી જતું હોવાને કારણે અને હથિયારો વેચતી કંપનીઓ સામે સરકાર લાચાર હોવાને કારણે આવી ઘટનાઓ બની રહી હોવાનો મત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp