ગુજરાતમાં શું ધોરણ-10ના 10.5 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે?

PC: dnaindia.com

કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ ચિંતાતૂર બન્યાં છે ત્યારે તેમના વાલીઓ મેદાનમાં ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા નહીં હોવાથી આ વાલીઓએ અદાલતના દ્વાર ખટખટાવ્યા છે.

આ વાલીઓની માગણી છે કે ધોરણ-12ની પરીક્ષા જ્યારે પરિસ્થિતિ સુધરે ત્યારે લેવાય તો વાંઘો નથી પરંતુ ધોરણ-10ની પરીક્ષા લેવાવી જોઇએ નહીં. ધોરણ-10માં અભ્યાસ કરતાં તમામ બાળકોને માસ પ્રમોશનનો લાભ આપવો જોઇએ.

ગુજરાતમાં ધોરણ-1 થી ધોરણ-9 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ધોરણ-10માં પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ-10ની પરીક્ષામાં કુલ 10.05 લાખ વિદ્યાર્થીઓ છે.

રાજ્ય સરકારે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા પાછી ઠેલી છે. આ પરીક્ષાઓ 10મી મે થી 25મી મે દરમ્યાન લેવાની થતી હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજી પણ સંક્રમણ તેજ ગતિએ વિસ્તરતું જાય છે ત્યારે નજીકના ભવિષ્યમાં આ પરીક્ષાઓ લેવાય તેવી કોઇ શક્યતા જણાતી નથી.

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ક્યારે લેવી તે અંગેનો નિર્ણય 15મી મે ના રોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે ત્યારે તે પહેલાં હાઇકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. આ અરજીમાં વાલીઓએ ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી છે.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. દેશના બીજા કેટલાક રાજ્યોએ કોરોના સંક્રમણના કારણે ધોરણ-10ની પરીક્ષામાં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકાર પણ આવો નિર્ણય કરે તે માટે દાદ માગવામાં આવી છે. રાજ્યમાં ધોરણ-12ના સામાન્ય પ્રવાહના 5.30 લાખ અને વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ વિદ્યાર્થીઓ છે જેમને પરીક્ષા આપવાની થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp