ગણેશ મહોત્સવ કેવી રીતે ઉજવવો તેની વડોદરા પોલીસ કમિશનરે ગાઇડલાઇન જાહેર કરી

PC: facebook.com/shamsher.singh.IPS

વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંઘે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 તથા જીપી એકટ-37 (4) અન્વયે હુકમ બહાર પાડ્યો છે. આગામી તા.9થી તા.19 સપ્ટેમ્બર-2021 દરમિયાન ગણેશ મહોત્સવ ઉજવવામાં આવશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફુટની જ્યારે ઘરમાં મહત્તમ 2 ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ, મંડપ શક્ય તેટલા નાના રાખવા.

આયોજકો દ્વારા પંડાલ-મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવી. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક, સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજવા નહિ. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન ઘરે જ કરવામાં આવે તે હિતાવહ છે.

સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. કૃત્રિમ વિસર્જન કુંડ સ્થળે ભીડ એકત્રિત કરવી નહિ. ગણેશ મહોત્સવના તહેવાર સંદર્ભે તા.9થી તા.19 સપ્ટેમ્બર-2021 દરમિયાન રાત્રિ કર્ફ્યુ રાત્રિના 12 વાગ્યાથી લાગુ થશે. જયારે ગણેશ પંડાલ-મંડપમાં રાત્રિના 11 સુધી જ દર્શન ચાલુ રાખી શકાશે.

મહત્ત્વનું છે કે, તા.30 જુલાઇ-2021થી લાગુ કરવામાં આવેલા અન્ય નિયંત્રણો તા.28 ઓગસ્ટ-2021થી તા.15 સપ્ટેમ્બર-2021ના રોજ સવારે 6 વાગ્યા સુધી યથાવત રહેશે. વડોદરા શહેર પોલીસ કમિશનર હેઠળના સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 તથા ધ એપેડેમિક ડિસિઝ એક્ટ-1897 અન્વયે ધ ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020ની જોગવાઇઓ મુજબ તથા જીપી એક્ટની કલમ-135 મુજબ શિક્ષાપાત્ર ઠરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp