હજ જવાનું કેન્સલ થયું તો આ મુસ્લિમ પરિવારે તેના રૂપિયાનો કર્યો આ સદુપયોગ

PC: Khabarchhe.com

 ‘‘ઈસી દુનિયા મેં રહકર અપની જન્નત સંવાર લો, કુછ પલ ખિદમત મેં ગુજાર લો…’’

નામ છે અક્રમ હિન્દુસ્તાની. આજ નામ તે પોતાના સોશ્યલ મીડીયાની પ્રોફાઈલ પર લખે છે. અને એજ ભાવના સાથે તે માનવતા પણ નિભાવી રહ્યો છે.

ઉનમાં રહેતો આ યુવક તેની માતા રઝિયા બીબી અને પિતા આરિફ શાહ સાથે આ વર્ષે મુસ્લિમોની પાંચ ફર્ઝમાંથી એક હજ અદા કરવા મક્કા-મદિના જવાનો હતો. ફોર્મ ભરાય ગયું હતું અને તેની ભરવા પાત્ર રૂ. 7.23 લાખની માતબર રકમ પૈકી પહેલો હપ્તો ભરવાનો હતો અને ત્યાં જ કોરોના સંક્રમણએ ભારતને પણ લોકડાઉનમાં ધકેલી દીધું.

વિશ્વમાં ફેલાયેલી આ મહામારીને કારણે સઉદી અરબ સરકારે આ વર્ષની હજ યાત્રા રદ કરવાનો નિર્ણય લઈ લીધો અને આ પરિવારે વિના વિચાર કરીએ હજ માટે બચાવેલી રકમમાંથી ગરીબોની મદદ કરવાનું શરૂ કરી દીધું. આજ સુધી તેઓ એક પરિવારને 20થી 30 દિવસ ચાલે તેવી 7400 જેટલી અનાજની કિટ વહેંચી ચુક્યા છે. આ કિટ કોઈ પણ  ન્યાત-જાત, જ્ઞાતિ-ધર્મને કોરાણે મુકી જરૂરિયાતમંદો સુધી પહોંચાડી માનવતાનું કાર્ય કરી રહ્યાં છે. મંદિર પ્રાંગણમાં રહેતા પૂજારી સહિતના પરિવારને પણ તેઓએ અનાજની કીટ આપીને આજના સમયમાં ‘ઈન્સાનિયત’નું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.

  • વિચાર કેવી રીતે આવ્યો?

લોકડાઉન દરમિયાન અક્રમ માતા-પિતા સાથે ઘરમાં હતો ત્યારે હજ યાત્રા રદ થવાની વાત માલૂમ પડી. લોકડાઉનના બે દિવસ પહેલા તેઓએ હજ યાત્રા માટે ભરવા માટેની પહેલા હપ્તાની રકમ રૂ 2.43 લાખ તૈયાર કરી રાખી હતી. હજ માટે કુલ 7.23 લાખ રૂપિયા ભરવાના હતા. માતા-પિતાએ પળભરનો વિચાર કર્યા વિના પુત્ર અક્રમને પોતાના યુનિટિ ચેરિટેબલ ટ્રસ્ટમાં આ રકમ લઈને તેને જરૂરિયાતમંદને ભોજન અને અનાજની કિટ સહિતની વસ્તુઓ પહોંચાડવા માટે વાપરી નાંખવા સૂચન કર્યું.

અક્રમના પિતા આરિફ શાહ જણાવે છે કે, અલ્લાહ તઆલાની જેવી મરજી. લોકસેવા પણ તેના દરબારમાં હાજરી બરાબર જ છે ને. આ મહામારી દૂર થાય તેવી અમે રોજ દુઆ કરી રહ્યાં છે. અલ્લાહ અમારી આ નાનકડી ખિદમત કબૂલ કરે. બધુ રાબેતા મુજબનું થઈ જશે પછી અમે થોડી રકમમાં મક્કા-મદિના ઉમરા કરી આવીશું. ઉપરવાલો ચાહશે તો અમને આ ખિદમતના બદલામાં ફરી તેના દરબારમાં હજ માટે બોલાવશે.

અક્રમ કહે છે કે, અત્યારસુધી 7400 કિટનું વિતરણ કર્યું છે. 50 હજાર થેલી દુધ વહેંચ્યું છે. કિટ પણ અમે ઘરે જાતે તૈયાર કરીએ છીએ. હું પહેલાથી જ સામાજિક કાર્યોમાં રહ્યો છુ અને જેથી જ યુનિટિ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું હતું. અબ્બા-અમ્મીના નિર્ણય પર મને ગર્વ છે. મુસ્લિમોમાં મક્કા-મદિના જઈ હજ કરવી એ પાંચ ફરજ પૈકી એક છે અને ત્યાં જવું એ સૌની તમન્ના હોય છે અને તેને પામવા સૌ આખી જીંદગી મહેનત કરે છે.

  • અન્ય શહેરોમાં પણ પહોંચાડી છે કિટ, દેશભરથી નેતાઓના ટ્વીટ પર પણ કર્યું છે કામ:

 અક્રમ ટ્વીટર પર પણ ખૂબ એક્ટિવ છે અને તેના પોલિટિકલી કનેક્શન પણ સારા છે. દેશભરના નેતાઓના ટ્વીટ પર તે રિપ્લાય આપે છે, રિએક્શન આપે છે. જેથી બિહારથી લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીએ તેને મરોલીમાં બિહારી યુવકોને મદદ માટે કહ્યું તો તે 15 કિટ લઈ પહોંચી ગયો. પૂર્વ ઉડ્ડયન મંત્રી શાહનવાઝ હુસૈનને ટ્વીટ કરી વેડરોડ પર મદદ માટે કહેતા તે ત્યાં સરસામાન લઈ પહોંચી ગયો. લોકસભાના વિપક્ષના કોંગ્રેસી નેતા અધિરરંજને મદદ માટે ટ્વીટ કર્યું તેણે ત્યાં પણ મદદ પહોંચાડી.

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર માટે પણ મદદ કરી. મધ્યપ્રદેશના એકસ મિનિસ્ટર રિતુ શુક્લાના કહેવાથી પણ મદદ કરી. આ ફેરલિસ્ટ તેનું ખૂબ લાંબુ છે. અને બને ત્યાં સુધી તે સંભવ મદદ માટે કોશિશ કરે છે. લોકડાઉનમાં તમિલનાડુમાં તીર્થ યાત્રા ગયેલા કતારગામના ચાર મિત્રઓને પરત લાવવામાં પણ તેણે મોટી ભૂમિકા નિભાવી હતી. આજ રીતે કોઈ અન્ય પ્રદેશ માટે કોઈ તેની પાસે ટ્વીટર પર મદદ માંગે છે તો તે ત્યાંના સ્થાનિક વિધાયક, સાંસદ, નેતા, સામાજિક આગેવાનોને સીધો ટ્વીટ કરીને મદદ કરવા વિનંતી કરે છે અને તે પહોંચી કે નહીં તેની ખાતરી પણ કરે છે.

તે સુરતના ઉન, લિંબાયત, ભેસ્તાનની સાથોસાથ નવસારી, બિલીમોરા, અંકલેશ્વર, બારડોલી સુધી મદદ માટે પહોંચ્યો છે. તેના આ કામમાં પરિવારના સભ્યો સાથે અન્ય અંગત ત્રણેક મિત્રો પણ જોડાયા છે. હાલ ઘણાંનો રમઝાન માસ પણ તેણે સાચવ્યો છે. આ તમામ મદદ તે હજની રાશિમાંથી પહોંચાડી રહ્યો છે. અક્રમ કહે છે કે, લોકડાઉનમાં જરૂર પડશે તો આગળ મિત્રોની મદદ લઈશ પણ સેવાનું કામ ચાલુ રાખીશ.

અક્રમની ફેમિલી માટે એટલું કહી શકાય કે.. ‘કીસી કિ મુસ્કરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ હો શકે તો લે ઉઠા, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઈસી કા નામ હૈ.’

(રાજા શેખ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp