ગુજરાતના 32 જિલ્લામાંથી બહેનોએ તૈયાર કરેલી 21100 રાખડી સરહદ પર જવાનોને મોકલાશે

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે રક્ષબંધનના પર્વ નિમિત્તે મા ભોમની રક્ષા કાજે 24 કલાક 365 દિવસ પોતાના જીવના જોખમે સરહદો ઉપર ફરજ બજાવતાં આપણા જાંબાજ જવાનોના રક્ષણ માટે અને તેમનું મનોબળ વધારવાના હેતુથી પહેલી રાખી દેશપ્રેમ કી દ્વારા ગુજરાતના 18,500થી વધુ ગામોમાંથી બહેનો દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના ગામોમાંથી બહેનો દ્વારા સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે તૈયાર કરેલી અંદાજે 21,100થી વધુ રાખડીઓ અને વિજયસૂત્રનો સંદેશ આજે રાજ્યના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અર્પણ કરવામાં આવ્યો હતો. બજારમાંથી ખરીદીને નહીં પણ ગુજરાતના 18,500થી વધુ ગામડાની બહેનો દ્વારા તૈયાર કરાયેલ આ રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્રના સંદેશને ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દેશની વિવિધ 18 સરહદો ઉપર ફરજ બજાવતાં જવાનોને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી છે.

ગુજરાતના 18,500થી વધુ ગામની બહેનો દ્વારા બજારમાંથી ખરીદીને નહીં પણ પોતાના હાથે બનાવેલી રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્ર સંદેશને મુખ્યમંત્રી દ્વારા કચ્છ, ઊરી, જેસલમેર, સિયાચીન, ગલવાન અને બનાસકાંઠા સરહદે ફરજ બજાવતાં BSFના જવાનોને જામનગર, ભૂજ, પઠાણકોટ, નલિયા, શ્રીનગર અને મકરપુરા ખાતે ફરજ બજાવતા ભારતીય વાયુ દળના જવાનોને તેમજ ઓખા, પોરબંદર, મુંબઈ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને આંદામાન-નિકોબાર ખાતે ફરજ બજાવતાં નૌકાદળના એમ 18 સરહદી સ્થાનો ઉપર જવાનોને આ રાખડી અને વિજયસૂત્ર સંદેશ મોકલી આપવામાં આવ્યો છે.

આ પહેલી રાખી દેશપ્રેમ કી અંતર્ગત રાખડી અને વિજયસૂત્ર સંદેશ એકત્રિત કરવા માટે સવામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવિધ આઠ ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગિરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ એમ કુલ 32 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ રાખડી અને વિજયસૂત્ર સંદેશ અર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતે અંજલિબેન રૂપાણી તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના હોદ્દેદાર – યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp