વેકેશનનો લાભ ઉઠાવી પહોંચી જાવ તાના-રીરી મહોત્સવમાં, આ તારીખથી શરૂ થશે

PC: gujarattourism.com

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 6ઠ્ઠી નવેમ્બરે સાંજે 7.30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-2019નો શુભારંભ કરવામાં આવશે. જ્યારે તા. 7 નવેમ્બરે સાંજે 7.30 કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે.

આ મહોત્સવમાં 06 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને આપવામાં આવનાર છે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજુ કરનાર છે. આ ઉપરાંત અનુરાધા પૌડવાલ દ્વારા ગાયન અને ડૉ.ધ્વીન વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ થનાર છે. 06 નવેમ્બરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે અને રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત પ્રથમ દિવસે વિવિધ વિશ્વ રેકોર્ડ પણ થવાના છે જે અંગેના કાર્યક્રમો 06 નવેમ્બરે સાંજે 04 કલાકથી યોજાવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડનગરની સંગીત બેલડી નાગર બહેનોની યાદમાં તાના-રીરી મહોત્સવનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી.આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાઇ હતી. આ એવોર્ડમાં રૂ. 05 લાખની રાશી (સંયુક્ત રીતે રૂ 02.50 રૂપિયા), તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે. પ્રથમ વર્ષે 2010-2011 માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને, બીજા વર્ષે 2011-2012માં પદ્મભૂષણ ગિરીજાદેવીને, 2012-2013માં કિશોરી અમોનકર, 2013-2014માં બેગમ પરવીન સુલતાના, 2014-2015માં સ્વર યોગીની ડૉ.પ્રભા અત્રે, 2015-2016માં વિદુષી મંજુબહેન મહેતા અમદાવાદ અને ડૉ. લલીત જે રાવ મહેતા બેંગ્લોરને અર્પણ કરાયો હતો. 2016-2017નો એવોર્ડ પદ્મ આશા ભોંસલને અર્પણ કરાયો હતો. 2017-2018નો સંયુક્ત રીતે પદ્મભૂષણ ડૉ. એન.રાજમ અને વિદુષી રૂપાંદે શાહને અર્પીત કરાયો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી સોમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp