ગુપ્ત નવરાત્રી 22 જાન્યુઆરીથી, 30 વર્ષ પછી શનિનો શુભ સંયોગ, મનોકામના પુરી થઇ શકે

PC: india.com

એક વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં ચૈત્રી નવરાત્રી અને દશેરા પહેલા શરદ નવરાત્રી. આ નવરાત્રીમાં બધા ગરબે ઘુમતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે એક વર્ષમાં બે ગુપ્ત નવરાત્રી પણ આવે છે? જો તમને નહીં ખબર હોય તો અમે જણાવી દઇએ કે એક ગુપ્ત નવરાત્રી મહા માસના શુક્લ પક્ષમાં અને બીજી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવે છે. જાન્યુઆરી 2023ના રવિવારે એટલે કે 22 જાન્યુઆરીથી મહા માસના શુક્લ પક્ષમાં આવી રહી છે જે 30 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતે શનિનો શુભ સંયોગ પણ 30 વર્ષ પછી બન્યો છે.

હિન્દુ ધર્મમાં મહા મહિનો ખુબજ પવિત્ર અને વિશેષ મહિનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર મહિનામાં, પૂજા અને દાન-પૂણ્ય કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મહા મહિનામાં આવી રહી છે ગુપ્ત નવરાત્રી.

હિંદુ પચાંગ પ્રમાણે મહા મહિનાના સુદ પક્ષમાં ગુપ્ત નવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી એકમની તિથીથી નોમની તિથી સુધી મનાવવામાં આવે છે. આ વખતે મહા મહિનાની ગુપ્ત નવરાત્રી 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી છે. આ 9 દિવસોમાં દેવીના વિવિધ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે. આ પૂજા સામાન્ય પૂજાથી અલગ હોય છે અને તેના નિયમો પણ કડક હોય છે. તમારે ગુપ્ત નવરાત્રીની સાધના કરવી હોય તો તમારા કોઇક જાણકાર જ્યોતિષીની સલાહ લઇને જ કરજો.

ગુપ્ત નવરાત્રીમાં પણ કેટલાંક દિવસો ખાસ હોય છે. જેમકે આ વખતે મહા મહિનાની ગુપ્ત નવરાત્રીમાં 25 જાન્યુઆરીએ વિનાયક ચોથનું વ્રત કરવામાં આવશે. 26 જાન્યુઆરીએ દેવી સરસ્તવતીનો પ્રાક્ટય ઉત્સવ વસંત પંચમી તરીકે ઉજવવામાં આવશે. 28 જાન્યુઆરીએ અચલા અને રથ સાતમનું પર્વ રહેશે. 29મીએ ભીષ્મ આઠમ અને 30 જાન્યુઆરીએ મહાનંદ નોમનો ઉત્સવ ઉજવાશે.

 શનિ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં 17 જાન્યુઆરીથી આવી ગયો છે અને આવો સંયોગ 30 વર્ષમાં એક જ વાર બને છે જ્યારે શનિ પોતાની જ કુંભ રાશિમાં રહે છે અને એની સાથે મહા મહિનાની ગુપ્ત નવરાત્રી ઉજવાશે.

ગુપ્ત નવરાત્રી પહેલા 22 જાન્યુઆએ શુક્ર પણ કુંભ રાશિમાં આવી જશે. ધાર્મિક માન્યતા એવી છે કે શુક્ર અને શનિ બંને મિત્ર ગ્રહ છે. આ બંનેની યુતિ શુભ ફળ આપનારી બની રહેશે.

જ્યોતિષીઓનું કહેવું છે કે ગુપ્ત નવરાત્રીમાં તંત્ર- મંત્રથી દેવી દેવતાઓને પ્રસન્ન કરવાનું વિધાન છે. આ સમય મહાકાળી માતા અને ભગવાન શિવની પૂજા કરનારા લોકો માટે ખાસ હોય છે.

ગુપ્ત નવરાત્રીમાં જુદી જુદી 10 માતા શક્તિઓ જેવી કે માતા કાળી, તારા દેવી, ષોડષી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુકી, માતંગી અને કમલા દેવીની સાધના કરવામાં આવે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે યોગ્ય જાણકારી વિના, યોગ્ય ગુરુ વગર આ સાધના કરી શકાતી નથી. એવી માન્યતા છે કે જો આ મહાશક્તિઓની સાધનામાં કોઇ ભૂલ થઇ જાય તો સાધના નિષ્ફળ નિવડે છે અને અવળી અસર પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp