લોકડાઉન વચ્ચે રમઝાન મહિના અંગે કેન્દ્રિયમંત્રીએ જાણો શું કહ્યું

PC: dynamitenews.com

લઘુતમ બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કોરોના રોગચાળાના પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય મુસ્લિમોને પવિત્ર રમઝાન મહિના દરમિયાન લોકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાઓનું કડક અને પ્રામાણિકતા સાથે પાલન કરવા અપીલ કરી હતી. પવિત્ર રમઝાન મહિનો 24 એપ્રિલથી શરૂ થવાની શક્યતા છે. નકવીએ ભારતીય મુસ્લિમોને ઘરની અંદર રહીને નમાઝ અદા કરવા અને અન્ય ધાર્મિક પ્રથાઓનું પાલન કરવા અપીલ કરી હતી.

મુખ્તાર અબ્બાસ નકવીએ સેન્ટ્રલ વકફ કાઉન્સિલના ચેરમેન પણ છે, જે ભારતમાં વકફ બોર્ડની નિયમનકારક સંસ્થા છે. તેમણે જાણકારી આપી હતી કે, 7 લાખથી વધારે નોંધણી થયેલી મસ્જિદો, ઇદગાહ, ઇમામવાડા, દરગાહ અને અન્ય ધાર્મિક સંસ્થાઓ દેશમાં સરકારી વકફ બોર્ડ અંતર્ગત આવે છે. આ નોંધપાત્ર છે કે, સાઉદી અરેબિયા સહિત મોટા ભાગનાં મુસ્લિમ દેશોએ ધાર્મિક સ્થળો પર રમઝાન દરમિયાન સામૂહિક સમારંભને અટકાવી દીધા છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, તેમણે વિવિધ ધાર્મિક આગેવાનો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજ્ય વકફ બોર્ડના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથ વાત કરી છે અને અપીલ કરી છે કે, તેમણે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને પવિત્ર રમઝાન મહિના દરમિયાન સંપૂર્ણ ગંભીરતા અને પ્રામાણિકતા સાથે લોકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનો અમલ કરવો જોઈએ. તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે રમઝાન દરમિયાન લોકો ઘરની અંદર રહીને તમામ ધાર્મિક રીતિરિવાજોનું પાલન કરે. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વકફ કાઉન્સિલ મારફતે સ્ટેટ વકફ બોર્ડોએ એ સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા છે કે, લોકો પવિત્ર રમઝાન મહિના દરમિયાન કોઈ પણ સ્થિતિ હેઠળ ધાર્મિક અને અન્ય સ્થળો પર એકત્ર ન થાય. આ સંબંધમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, લોકો અને સ્થાનિક વહીવટીતંત્રની મદદ કરવાની જરૂર છે. આ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓએ પવિત્ર રમઝાન મહિના દરમિયાન લોકડાઉન અને સામાજિક અંતરના કડક અને અસરકારક અમલમાં સ્થાનિક વહીવટીતંત્રને સાથસહકાર આપવાની જરૂર છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, પ્રાદેશિક વકફ બોર્ડ અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓના સક્રિય, અસરકારક અને સકારાત્મક પ્રયાસોથી સુનિશ્ચિત થયું છે કે, દેશનાં મુસ્લિમોએ 8 અને 9 એપ્રિલનાં રોજ તેમના ઘરની અંદર રહીને શબ-એ-બારાતના પ્રસંગે તમામ ધાર્મિક રીતિરિવાજો અને નમાઝ અદા કરી છે. કોરોના રોગચાળાના પડકારોને ધ્યાનમાં રાખીને શબ-એ-બારાતના પ્રસંગે લોકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાના કડક અને પ્રામાણિક અમલમાં ભારતીય મુસ્લિમોનો સાથસહકાર પ્રશંસનીય છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, કોરોના રોગચાળાની દ્રષ્ટિએ દેશમાં તમામ મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારો, ચર્ચ અને અન્ય ધાર્મિક સ્થળોમાં સંપૂર્ણ ધાર્મિક પ્રવૃત્તિઓને રદ કરવામાં આવી છે. લોકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનું અસરકારક રીતે પાલન થાય છે. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, ભારતમાં પણ દેશમાં પરંપરાગત રીતે મસ્જિદો, દરગાહ, ઇમામવાડા, ઇદગાહ, મદરસાઓ અને અન્ય ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરે છે અને પવિત્ર રમઝાન મહિના દરમિયાન “ઇફતાર” અન્ય ધાર્મિક રીતિરિવાજો કરે છે. પણ કોરોના રોગચાળા, લોકડાઉન, કર્ફયૂને કારણે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો દ્વારા સામાજિક અંતરનો અમલ થઈ રહ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, લોકોને જાગત કરવાની જરૂર છે કે તેમણે પવિત્ર રમઝાન દરમિયાન તેમના ઘરોની અંદર રહીને તમામ ધાર્મિક રિવાજો કરવા જોઈએ તથા લોકડાઉન અને સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ. આ પ્રકારનાં પ્રયાસોનું પાલન મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળોની સાથે અન્ય જાહેર સ્થળો તેમજ વ્યક્તિગત સ્થળો પર કરવાની જરૂર છે, જ્યાં પવિત્ર રમઝાન મહિના દરમિયાન મુસ્લિમો એકત્ર થાય છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર લોકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનું સંપૂર્ણ ગંભીરતા અને પ્રામાણિકતા સાથે પાલન કરે છે. કોઈ પણ પ્રકારની બેદરકારી આપણને, આપણા પરિવારજનોને, સમાજને અને સંપૂર્ણ દેશને નુકસાન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, આપણે સંપૂર્ણ ગંભીરતા અને પ્રામાણિકતા સાથે કોરોનાને પરાસ્ત કરવા વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp