PM મોદીએ કહ્યું -દશેરાના દિવસે એક દીવો આમના માટે પણ પ્રગટાવો

PC: zeenews.india.com

દશેરાના પાવન પર્વના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશના લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કોરોનામાં સંયમની વાત, દેશના વીર જવાનોના યોગદાનની વાત,ખાદી, સરદાર પટેલ, એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. કોરોના કાળમાં સંયમ રાખવાની તેમણે લોકોને અપીલ કરી હતી.

દેશના લોકોને દશેરાની શુભકામના આપીને મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેરે પ્યારે દેશવાસીઓ, નમસ્કાર, આજે વિજયાદશમી એટલે દશેરા ઉત્સવના આ પાવન પર્વ પર ઘણી બધી શુભેચ્છા પાઠવું છુ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દશેરાનો પર્વ અસત્ય પર સત્યના વિજયનો પર્વ છે, પરંતુ સાથે એક રીતે સંકટ પર ધૈયની જીતનો પણ પર્વ છે.

વડાપ્રધાને કહ્યું કે, તમે બધા સંયમની સાથે જીવી રહ્યા છો, મર્યાદામાં રહીને તહેવાર મનાવો છો, એટલે જે લડાઇ આપણે લડી રહ્યા છે તેનો વિજય સુનિશ્ચિત છે. પહેલાં ઘણાં પંડાલોમાં માંના દર્શન કરવા માટે હકડેઠઠ ભીડ ઉમટતી હતી, મેળા જેવો માહોલ રહેતો હતો, પરંતુ આ વખતે આવું નહીં થઇ શક્યું. પહેલાં દશેરા પર પણ મોટા-મોટા મેળા લાગતા હતા, પરંતુ આ વખતે સ્વરૂપ બદલાયું છે.મોદીએ કહ્યું કે કોરોના કાળમાં આપણે સંયમથી અને મર્યાદામાં જ રહેવાનું છે.

પ્રધાનમંત્રી મોદીએ સૈનિકોને યાદ કરતા કહ્યું હતું કે, હું એ પરિવારોના ત્યાગને નમન કરું છુ,જેમના પુત્રો કે પુત્રો સરહદ પર દેશની સુરક્ષા કરી રહ્યા છે. દરેક એ વ્યકિત જે દેશ સાથે  જોડાયેલી કોઇને કોઇ જવાબદારી માટે ઘરે નથી જઇ શકયા. પોતાના પરિવારથી દુર છે. હું દિલથી તેમનો આભાર વ્યકત કરું છુ એમ મોદીએ કહ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, દશેરાના દિવસે માતાઓના એ વીરજવાનો માટે આપણે ઘરમાં એક દિવો પ્રગટાવવાનો છે. વીરજવાનોને પણ કહેવા માંગુ છુ કે, ભલે તમે સીમા પર પરિવારથી દુર છો, પણ આખો દેશ તમારી સાથે છે, તમારા માટે શુભ કામના કરી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ખાદીની પણ વાત કરી.તેમણે કહ્યું કે,ખાદીએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બોડી ફ્રેન્ડલી ફ્રેબિક છે.દરેક સિઝનમાં પહેરી શકાય અને ખાદી આજે ફેશન સ્ટેટમેન્ટ પણ બની છે.ખાદીની લોકપ્રિયતા વધી છે અને દુનિયા આજે ખાદી બનાવતી થઇ છે. તેમણે મેકિસકોના ઓહાકાનું ઉદાહરણ આપતા કહ્યું કે ઓહાકાના એક ગામમાં સ્થાનિક ગામના લોકો ખાદી બનાવવાનું કામ કરે છે અને ઓહાકા ખાદી તરીકે ફેમસ છે.

મોદીએ સરદાર પટેલને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે 31 ઓકટોબર, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ છે, આપણે બધા તેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીશું. મોદીએ કહ્યું કે, જરા, એ લોખંડી પુરુષની છબિની કલ્પના કરો, કે જેઓ રાજા રજવાડાઓ સાથે વાત કરતા,પૂજય બાપુના જન આંદોલનની વ્યવસ્થા કરતા,અંગ્રેજો સાથે લડાઇ પણ લડતા.તેમનું સેન્સ ઓફ હ્યુમર પણ જોરદાર હતું. ઘણા ઓછા એવા લોકો હોય છે, જેમના વ્યકિત્વમાં ઘણાં બધાં તત્વો હોય. સરદારમાં વૈચારિક ઉંડાણ, નૈતિક સાહસ,રાજનૈતિક વિલક્ષણતા, કૃષિ ક્ષેત્રનું ઉડું જ્ઞાન, રાષ્ટ્રીય એકતા માટે સમપર્ણનો ભાવ.

તેમણે લોકોને http://ekbharat.gov.in આ વેબસાઇટની વિઝિટ કરવા વિનંતી કરી કે વેબસાઇટમાં આપનું યોગદાન આપી શકો છો. વેબસાઇટમાં નેશનલ ઇન્ટીગ્રેશનનો અમારા અભિયાનને આગળ વધારવાનો પ્રયાસ દેખાશે. મોદીએ કહ્યું કે વેબસાઇટ એટલા માટે બનાવવામાં આવી છે કે ભારતમાં દરેક રાજય અને સંસ્કૃતિમાં અલગ અલગ ખાન પાન હોય છે. આ વ્યંજનો સ્થાનિક અનાજ અને મસાલાંથી બનાવવામાં આવે છે.તેમણે કહ્યું કે શું આપણે આ લોકલ ફુડની રેસીપીને લોકલ ઇન્ગ્રેડીયન્ટસના નામ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત વેબસાઇટ પર શેર કરી શકીએ?. યુનિટી અને ઇમ્યુનિટી  માટે આનાથી શ્રેષ્ઠ વિકલ્પ શું હોય શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp