26th January selfie contest
BazarBit

એલર્ટઃ રાજ્યમાં માવો નહીં પણ ટેલકમ પાવડરની મીઠાઇ બનાવતી 100 ફેક્ટરીઓ, 45ને નોટિસ

PC: indiatimes.com

ગુજરાતની અને દેશની જનતાના આરોગ્ય સાથે ચેડાં કરીને મીઠી બરફીનો ઝેરી વેપાર હજીય ચાલુ જ છે. પરિણામે આજે બજારમાં પ્લાસ્ટિકની બેગમાં કોઈપણ જાતની વિગતો છાપ્યા વિના મીઠી બરફીનો સપ્લાય ચાલુ જ છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીના અધિકારીઓની ખાનગી મંજૂરીથી આ વેપાર ચાલી રહ્યો છે. ઉત્પાદકોની અને અધિકારીઓની દિવાળી સચવાઈ જાય તે માટે આ વેપાર કરનારાઓ ખાનગીમાં ઉત્પાદન ચાલુ રાખીને સપ્લાય કરી રહ્યા છે. હવે તો પેકિંગ કરેલી બેગ પર તેની વિગતો પણ છાપવાનું અટકાવી દઈને વેપાર ચાલુ કરી દેવામાં આવ્યો છે.

મીઠાઈના વેપારીઓ દ્વારા દિવાળીમાં પેક કરીને બોક્સમાં અત્યંત ઊંચા ભાવે વેચવામાં આવતી મીઠાઈના બોક્સ પર તે બોક્સમાંની દરેક મીઠાઈમાં કયા કયા ઘટકોનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવામાં આવ્યો છે તેની વિગતો છાપવાની ફરજ પાડવી જોઈએ. કાયદાકીય જોગવાઈ મુજબ કોઈપણ ખાદ્ય સામગ્રી પેક કરીને વેચવામાં આવે તો તેમાં વપરાયેલા ઘટકોની વિગતો મૂકવી કાયદેસર ફરજિયાત છે. આ હકીકત સામે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી અને અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. હજી દોઢ મહિના પૂર્વે જ ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને માવા એટલે કે ખોયામાંથી સામાન્ય રીતે બનતી મીઠાઈને બદલે સામાન્ય નાગરિકોને કેન્સરની ગર્તામાં ધકેલી દેતી મીઠી બરફીનું ઉત્પાદકો પર દરોડા પાડવામાં આવ્યા પછી તેમની સામે હજી સુધી નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

રૂા.250થી રૂા.300ની પડતર કિંમતે એક કિલો માવો તૈયાર થઈ શકતો હોવા છતાંય આજે અમદાવાદ, ગાંધીનગરના મીઠી બરફીનું ઉત્પાદન કરનારાઓ કિલોદીઠ રૂા.120ના ભાવે મીઠી બરફીનો વેપાર બેરોકટોક કરી રહ્યા છે. તેમાં ટેલકમ પાવડર ભેળવીને તેનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનુ જગજાહેર થઈ ચૂક્યું છે. મીઠીબરફીના ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવતી મીઠી બરફીમાં ટેલકમ પાવડર ભેળવવામાં આવતો હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં પકડાઈ ચૂક્યું છે. કિલોદીઠ રૂા.8થી 10ના ભાવે મળતો ટેલકમ પાવડર તેમાં ઉમેરવામાં આવી રહ્યો છે. તેથી આ મીઠી બરફી માનવના ખાવા માટે યોગ્ય ન હોવાનું એટલે કે અખાદ્ય હોવાનો રિપોર્ટ પણ ગુજરાત સરકારના જ ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીની લેબોરેટરીએ આપી દીધો છે. આ સ્થિતમાં તેનું ઉત્પાદન સદંતર અટકાવી દેવાને બદલે તેનું ઉત્પાદન આજેય ચાલુ જ છે.

વાસ્તવમાં તો હોટેલ, રેસ્ટોરાં અને ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા અન્ય એકમોને માટે પણ તેમના દ્વારા વેચવામાં આવતી ખાદ્ય સામગ્રીના ઘટકોની વિગતો તેમની રેસ્ટોરાં, હોટલે કે અન્ય એકમના બોર્ડ પર લખીને મૂકવી ફૂડ  સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં ફરજિયાત બનાવવામાં આવેલી છે. વાત અહીં પૂરી થતી નથી કઈ વસ્તુમાં ઘી નાખવામાં આવ્યું છે, કઈ વસ્તુ કયા તેલમાંથી બનાવવામાં આવી છે તેની વિગતો આપવી પણ તેમને માટે ફરજિયાત કરવામાં આવેલી છે. તેમાં કયા પ્રકારની ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિગતો આપવી ફરજિયાત કરવામાં આવી છે. આ વસ્તુઓ છૂટક વેચાતી હોય તો પણ તે વિગતો આપવી તેમને માટે ફરજિયાત છે.

પ્રોપરાઈટરી ફૂડ તરીકે તેને મંજૂરી આપવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 63ની જોગવાઈનો ભંગ  થતો હોવા છતાંય તેનું ઉત્પાદન કરવા દેવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. આ કંપનીઓ સામે શાં પગલાં લેવામાં આવ્યા તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કઈ જોગવાઈ હેઠળ મીઠી બરફીના ઉત્પાદનને પ્રોપરાયટરી ફૂડ  તરીકે મંજૂરી આપવામાં આવી તે પણ એક સવાલ જ છે. આ મંજૂરી આપનાર અધિકારીઓના ખુલાસા લેવા જરૂરી છે. એફએસએસઆઈની કલમ 63નો ભંગ થતો હોવાની હકીકત તેમના ધ્યાનમાં ન આવી કે તેમણે તેની સામે આંખ આડા કાન કરીને આ મંજૂરી આપી દીધી તે પણ તપાસ કરવા પાત્ર બાબત છે. આ અંગે બે વરસથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણે આ હકીકત પર ઢાંકપીછોડો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમ જ મીઠી બરફીના ઉત્પાદકોને છાવરવાનું પણ ચાલુ રાખ્યુ હતું.

પ્રજાના આરોગ્યનું ભલે જે થવું હોય તે થાય પણ મીઠી બરફી શબ્દને બદલીને તેને સ્થાની સ્વિટના નામે જ આ પદાર્થને વેચવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. માવામાંથી બનતી મીઠાઈ જ હોવી જોઈએ, પરંતુ મીઠી બરફીને નામે બે ત્રણ વર્ષથી રીતસર કૌભાંડ જ આચરવામાં આવી રહ્યું હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે પણ સ્વીકાર્યું છે. તેમાં ટેલકમ પાવડર પણ ભેળવવામાં આવતો હોવાનું તેમણે સ્વીકાર્યું છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ વર્ષ ચાલવા દીધા બાદ કાર્યવાહી

દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ કાર્યવાહી કરી છે. આવા 100થી વધુ બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ પ્રકારે મહેસાણા જિલ્લામાં 21 એકમો, અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી, ગાંધીનગર જિલ્લામાં 6 એકમો, રાજકોટ 3, જૂનાગઢ 2, ભાવનગર 1, વડોદરા 1, સુરત 1 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ એકમો દ્વારા અખાદ્ય વસ્તુમાંથી માવો અને મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાની બે ડેરી દ્વારા ટેલકમ પાવડર નાખીને માવો તૈયાર કરાતો હતો. જે માવો 14 રૂપિયામાં બનતો હોય તેને 45 રૂપિયામાં જથ્થાબંધ ભાવે વેચી 100 કે 520 રૂપિયે કિલોના ભાવે નકલી મીઠાઈનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ આ તપાસ દરમિયાન ખૂલ્યું હતું.

તહેવારો નજીક આવતા જ તવાઈ શરૂ

રાજ્યમાં દરેક તહેવાર સમયે મીઠાઈનું ચલણ સામાન્ય રીતે વધી જતું હોય છે. આવા તહેવારો દરમિયાન કેટલાંક લેભાગુ વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય એવી મીઠાઈઓ બનાવવાનું શરૂ કરી દે છે. આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાયબ કમિશનર દિપીકા ચૌહાણે જનસત્તાને જણાવ્યું કે, તહેવારોમાં ગુજરાતની પ્રજા મીઠાઈ વધારે ખાતી હોય છે અને આ તકનો લાભ લેવા માટે રાજ્યમાં તકસાધુ જેવા વેપારીઓ રાહ જોઈને જ બેઠા હોય છે. આવી સ્થિતિમાં તેઓ અખાદ્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે. આ અંગે મળેલી માહિતીના આધારે વિભાગ દ્વારા તપાસ કરાતા રાજ્યના 45 એકમો દ્વારા મીઠાઈમાં ઘીના સ્થાને વેજિટેબલ ઓઈલ નાખીને તેને તૈયાર કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને આ 45 એકમોને નોટિસ આપવામાં આવી છે. અને કોઈપણ પ્રકારની મીઠાઈ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે તેમને પૂછ્યું કે આ એકમોને સીલ કરાયા છે તો તેમણે સીલ કરવાની વાત નકારી કાઢી હતી અને માત્ર નોટીસ આપી હોવાનું જ રટણ ચાલુ રાખ્યું હતું.

કેમ કરવામાં આવ્યા સીલ?

રાજ્યના 45 એકમો દ્વારા અખાદ્ય બરફી બનાવવામાં આવતી હતી. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ એકમો દ્વારા મીઠાઈમાં વેજિટેબલ ઓઈલ અને અન્ય અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાંધીનગરમાં પાંચ એકમો પૈકી 2 એકમોને સીલ કરી દેવામાં આવ્યા હોવાનું નાયબ કમિશનર દિપીકા ચૌહાણે જણાવ્યું હતું. તેઓ કહે છે કે ગાંધીનગર જિલ્લાની જય મા કૈલા ડેરી અને મા રાણાવાલી ડેરી દ્વારા ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને માવો તૈયાર કરવામાં આવતો હતો. અને તે માવો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. જેના આધારે વિભાગ દ્વારા આ ડેરીઓ દ્વારા જ્યાં માવો પહોંચતો કરવામાં આવ્યો છે તે વિસ્તારના મીઠાઈના વેપારીઓને ત્યાં પર દરોડા પાડવામાં આવ્યા છે. આ પ્રકારે ટેલકમ પાવડરમાંથી માવો બનાવતી બન્ને ડેરી પર સ્થળતપાસ દરમિયાન ટેલકમ પાવડર તેમ જ અન્ય અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતાં આ બન્ને ડેરીને સીલ કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેઓ કહે છે કે, માવો કે મીઠાઈ બનાવવી ગુનો નથી બનતો, પણ તે બનાવવા દૂધનું ફેટ કે દૂધનો ઉપયોગ થવો જોઈએ. પરંતુ આ ડેરી દ્વારા જે રીતે ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને માવો બનાવાતો હતો તે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં સમાન હોવાથી તેને સીલ કરવામાં આવી છે.

48 રૂપિયે કિલોની મીઠાઈ 500 રૂપિયે વેચાય છે

48 રૂપિયે કિલોના ભાવે વેપારીઓ આ ટેલકમ પાવડરમાંથી બનાવેલો માવો લઈ જાય છે અને તેઓ તેમાંથી મીઠાઈ બનાવીને રૂ. 300થી 500ના કિલોના ભાવે વેચે છે. 2004થી આ રેકેટ ચાલતું હતું. પણ સરકાર કે ખોરાક કમિશનરના ધ્યાને જ આ વાત ન આવી તે જ બતાવે છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેકટર ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર આ મીઠી મીઠાઈ બનાવનારાઓ ઉપર હતી.

સફેદ ઝેરના રૂપમાં બરફી

અત્યારે સ્પેશિયલ કે મીઠી બરફીનું ઉત્પાદન કરતાં એકમોમાંથી કેટલાક પાસે હેલ્થના લાઈસન્સ (એફએસએસઆઈના) પણ ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રોપરાઈટરી ફૂડના નામે મેળવે છે અને પ્રોપરાઈટરી ફૂડની કોઈ ચોક્કસ વ્યાખ્યા ક્યાંય પણ દર્શાવવામાં નથી આવી. એફએસએસઆઈમાં તેના કોઈ સ્ટાન્ડર્ડ ન હોવાથી આ પ્રકારના ફૂડ મંજૂર કરાવીને બજારમાં મૂકી દે છે. તેમના આ પ્રોપરાઈટરી ફૂડમાં ખાંડ કે સાકર હોવા છતાંય કીડી પણ તે ખાતી નથી. લેબોરેટરીમાં માત્ર ખાંડ અને કલરની જ ચકાસણી કરવામાં આવે છે. દૂધ આર.એમ. વેલ્યુ 24થી 28ના બદલે 0.2થી 0.6ની આવી રહી છે. જે દર્શાવે છે કે તેમાં દૂધ નથી.

ફૂડ એન્ડ ડ્રગ્સ પાસે ફેક્ટરીઓના નામ પણ પગલાં ન લીધા

ગાંધીનગર, મહેસાણામાં સક્રિય સ્પેશિયલ બરફી બનાવતી દસ ફેક્ટરીઓના નામ સાથે 30મી ઓગસ્ટ 2018ના ફરિયાદ કરી હતી. રાધે બરફી-ગાંધીનગર, ગાયત્રી બરફી-મહેસાણા, ગોકુલ બરફી–મહેસાણા, કૃષ્ણા બરફી-નરોડા અમદાવાદ, રાધેકૃષ્ણ બરફી-અમદાવાદ, સહારા બરફી-ચીખલી મળીને આવી 155 જેટલી બરફી બનાવનારા છે એવું ફૂડ વિભાગના એક અધિકારીએ નામ ન લખવાની શરતે કહ્યું.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp