ચિપ્સ-કોલ્ડ ડ્રિંક જેવા આહારના કારણે બાળકો થઈ રહ્યા છે મેદસ્વી અને ઠીંગણા

PC: asknestle.in

બ્રાઝિલમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ, સોફ્ટ ડ્રિંક, બર્ગર જેવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ભોજન લેનારા 2થી 4 વર્ષની ઉંમરના બાળકોનું 5 વર્ષ સુધી મોનિટરીંગ કરવામાં આવ્યું. તેમા સામે આવ્યું કે આ બાળકોની લંબાઈ માપદંડ કરતા ઓછી અને વજન માપદંડ કરતા વધુ રહ્યું. તે આગળ જતા બાળકોમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું કારણ બની શકે છે. સાથે જ, તે યુવાન થવા પર આ બાળકોની આર્થિક ગતિવિધિઓમાં સામેલ થવાની ક્ષમતા પર પણ અસર કરશે.

બ્રાઝિલમાં કરવામાં આવેલું આ અધ્યયન બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયુ છે. આ અધ્યયન એટલા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ અગાઉ પહેલીવાર નાના બાળકો પર અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની અસરને માપી છે. વૈજ્ઞાનિકોએ આ અધ્યયનને આધાર બનાવતા ફરી એકવાર એ વાત પર ભાર આપ્યો છે કે બાળકો માટે ઘરનું ખાવાનું જ સૌથી સારું હોય છે.

3458 બાળકો પર કરવામાં આવેલા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની ખપત વધી રહી છે. બાળકોના અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાની સીધી અસર આ બીમારીઓના વધતા જોખમ સાથે સંકળાયેલી છે. નાના બાળકોમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું ચલણ સૌથી મોટી ચિંતાની વાત છે કારણ કે, બાળકોને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને કંપનીઓ પણ તેના માર્કેટિંગ પાછળ ભરપૂર ખર્ચ કરે છે.

આ છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ

ઈન્સ્ટન્ટ નૂડલ્સ, સોફ્ટ ડ્રિંક, દૂધમાં ચોકલેટ પાવડર, નગેટ્સ, બર્ગર અથવા સોસેજ, ડબ્બામાં પેક નમકીન, કેન્ડીઝ, લોલીપોપ, ચ્યુઈંગ ગમ, ચોકલેટ અથવા જેલી, કુકી અથવા મીઠા બિસ્કિટ, કેન અથવા બોક્સમાં જ્યૂસ.

બિન-સરકારી સંગઠન ન્યૂટ્રિશન એડવોકેસી ઈન પબ્લિક ઈન્ટરેસ્ટના સમન્વયક ડૉ. અરૂણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ નોર્મલ ફૂડના મેટ્રિક્સને બદલી નાંખે છે. તેમા માઈક્રોન્યૂટ્રિએન્ટ ઓછાં થઈ જાય છે. તેમા નુકસાન પહોંચાડનારા તત્વો જેવા કે ટ્રાન્સ ફેટ, વધુ પડતી ખાંડ અને મીઠું રહેલું હોય છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ એડિક્ટિવ હોય છે, એટલે કે તેને વારંવાર ખાવાની ઈચ્છા થાય છે અને તેને કારણે થતું નુકસાન વધી જાય છે.

ન્યૂટ્રિશનિસ્ટ કવિતા દેવગન પણ ડૉ. ગુપ્તાની વાત સાથે સહમત છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ફ્રેશ નથી હોતું. લાંબી શેલ્ફ લાઈફ માટે તેમા પ્રિઝર્વેટિવ મિક્સ કરવામાં આવે છે, જે કેમિકલ હોય છે. ટેસ્ટ અને ટેક્સચર સારું બનાવવા માટે તેમા એડેટિવ પણ મિક્સ કરવામાં આવે છે. તે હોર્મોનલ ચેલેન્જ, અર્લી પ્યૂબર્ટીનું કારણ બને છે.

પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પિડિયાટ્રિક્સ વિભાગના ડૉ. પીપી મિશ્રાએ જણાવ્યું હતું કે, ઘરના ભોજનમાં સંતુલિત આહાર હોય છે. તેલ વગેરેનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે, લીલા શાકભાજીનો વધુ ઉપયોગ થાય છે. તેને કારણે બાળકોને સરખુ પોષણ મળે છે. જ્યારે, ડબ્બાબંધ ખાદ્ય પદાર્થોમાં સેચુરેટેડ ફેટ વધુ હોય છે. તેમા કેલેરી પણ ઘરના ખાવાના કરતા વધુ હોય છે.

નાનપણથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું સેવન વયસ્ક થવા સુધીમાં ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ડૉ. અરૂણ ગુપ્તા કહે છે, ફૂડ પેકેટ્સમાં બસફિનલ નામનું એક અવયવ હોય છે, જે બાળકોમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સ પેદા કરે છે. કેલેરીની વધુ પડતી માત્રાના કારણે બાળકોમાં મેદસ્વિતાની સમસ્યા આવે છે, જે આગળ જતા હાઈપરટેન્શન અને ડાયાબિટીસનું કારણ બની શકે છે. તેમજ લંબાઈ ઓછી રહેવાથી ઈકોનોમિક પ્રોડક્ટિવિટી ઘટે છે. બાળકોના સારા વિકાસ માટે તેમને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી માત્ર ઘરનું ખાવાનું જ આપવુ જોઈએ. શરૂઆતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આપવાથી બાળકોને તેની આદત પડી જાય છે, આથી તેમને તેનાથી દૂર રાખવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp