ખેડૂતની કમાલ, ઠંડા પ્રદેશમાં થતા બદામ અને સફરજનની 45 ડિગ્રીમાં કરી ખેતી

PC: jagran.com

પિતાએ કંઈક અલગ કરવાનો પડકાર આપી દીધો હોય, પોતાને પણ કંઈક કરવાનું ઝૂનુન હોય, મહેનતમાં કોઈ કચાશ ના હોય તો પ્રકૃતિ પણ સાથ આપે છે. કંઈક એવુ જ કરીને બતાવ્યુ છે ગામ કાહુપુરાના ખેડૂત નરેશ સારંગે. નરેશ સારંગે શુષ્ક પ્રદેશ હરિયાણાના 45 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાનવાળા ઔદ્યોગિક જિલ્લામાં સફરજન અને બદામની ખેતી કરવામાં સફળતા મેળવી છે. તમને આશ્ચર્ય થશે કે સફરજનના બાગ તો હિમાચલ અને જમ્મૂ-કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં હોય છે, આપણે ત્યાં તો તેની પરિકલ્પના પણ ના કરી શકાય, પરંતુ નરેશ સારંગે તે અંગે વિચાર્યું અને તે દિશામાં મહેનત કરી. આજે તેમના એક એકર બાગમાં સફરજન અને બદામના વૃક્ષો છે અને તે જૂન-જુલાઈમાં પહેલો પાક લેવાની તૈયારીમાં છે.

દસમાં ધોરણ સુધી અભ્યાસ કરનાર ખેડૂત નરેશના પરિવારનું ભરણ-પોષણ ખેતીથી જ થાય છે. તેઓ દરેક ઋતુમાં શાકભાજીનું વાવેતર પોતાના ખેતરમાં કરે છે. તેમણે યૂટ્યૂબ પર શોધખોળ શરૂ કરી, તો ગરમીની ઋતુમાં કરનાલના રાણા ફાર્મમાં સફરજન ઉગાડવા અંગે જાણકારી મળી. કરનાલ અને ફરીદાબાદનું વાતાવરણ લગભગ એક જેવુ જ છે. આથી, તેઓ કરનાલ ગયા અને સફરજનના પાક માટે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં રહેતા હરિમન શર્માનો નંબર લીધો. ત્રણ વર્ષ પહેલા હરિમન શર્માને મળ્યા અને 60 રૂપિયા પ્રતિ છોડના ભાવથી સફરજનના 161 છોડ લઈને આવ્યા. સાથે જ બદામના સાત છોડ કરનાલ ફાર્મમાંથી લાવ્યા. તેમણે એક એકરના બાગમાં સફરજન અને બદામના છોડ રોપી દીધા. હવે આ ત્રણ વર્ષમાં બાગમાં સફરજનના 115 વૃક્ષ મોટા થઈ ગયા છે. જ્યારે બદામના ચાર છોડ પર કાચી બદામ આવી ગઈ છે. તેમણે પોતાના બાગમાં થાઈ સફરજન નામથી બેરીના 20 છોડ લગાવ્યા છે. ત્રણ વર્ષમાં આ પ્રકારની ખેતી પર તેઓ આશરે ત્રણ લાખ ખર્ચ કરી ચુક્યા છે.

ખેતીના વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, સફરજનના છોડના ભરપૂર વિકાસ માટે ઠંડા વાતાવરણની જરૂર હોય છે. 20 ડિગ્રી સે. તાપમાન છોડના વિકાસ માટે સૌથી સારું વાતાવરણ રહે છે અને ઝાડ પર સફરજનના ફળ પાકવા દરમિયાન સાત ડિગ્રી તાપમાન સૌથી યોગ્ય રહે છે. આ અંગે નરેશ કહે છે કે હરિમન શર્માએ જ શુષ્ક મૌસમમાં થનારા સફરજનની આ પ્રજાતિ તૈયાર કરી જેની ખેતી 45 ડિગ્રી તાપમાનમાં પણ તૈયાર થઈ શકે છે. પાકને બીમારીથી બચાવવા માટે દવા, ખાતર વિશે હરિમન પાસે સલાહ લે છે. બાગમાં મોટાભાગે જૈવિક ખાતર નાંખે છે અને ત્યાંનુ પાણી મીઠું છે આથી સરળતાથી પાક લઈ શકાય છે. ખાસ વાત એ છે કે, નરેશ ડબલ લેયર ખેતી કરે છે. ઉપર ફળોનું ઉત્પાદન કરવાની સાથે જમીનની નીચે કાંદાનો પાક પણ ઉગાડે છે. કાંદા બાદ મગફળીનો પાક લેવાના છે.

નરેશના જણાવ્યા અનુસાર, આવતા મહિને જૂન અથવા જુલાઈમાં સફરજનનો પહેલો પાક લેશે. તેનાથી તેમને દોઢ લાખની આવક થવાની આશા છે. એકવાર ઝાડ બની જાય તો દર વર્ષે એક નિશ્ચિત આવક થશે. નરેશના બાગને જોવા માટે ફરીદાબાદ-પલવલ જિલ્લાના અન્ય ખેડૂતો પણ આવી રહ્યા છે. નરેશ તેમને પણ આવી ખેતી કરવા માટે પ્રેરિત કરે છે, જેથી ખેડૂત પરંપરાગત ખેતી છોડીને વ્યાવસાયિક પાકનું ઉત્પાદન કરે અને ખેડૂત પોતાની આવક બે ગણી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp