વિજય રૂપાણીની રૂ.10માં ભોજન આપવાની યોજના ફરી શરૂ થશે, આટલો લાગશે સમય

PC: https://www.gujaratsamachar.com

ગુજરાતમાં કામદારો અને શ્રમિકો માટે શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આ યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોએ સસ્તા ભોજન માટે શરૂ કરેલી યોજનાઓથી પ્રેરાઇને 2017માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજના શરૂ કરી હતી.

મોંઘવારીના સમયમાં શ્રમિકોને સસ્તું ભોજન મળી રહે તે માટેની આ યોજના આશીર્વાદરૂપ હતી. એક તબક્કે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લેતાં હતા. સરકારે વિવિધ શહેરોમાં આ યોજના શરૂ કરી હતી પરંતુ કોરોના સંક્રમણ ફેલાતાં છેલ્લા દોઢ વર્ષથી આ યોજના બંધ કરી દેવામાં આવેલી છે.

રાજ્યના શ્રમ વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો સરકારે વિચાર કર્યો છે અને અમે એક મહિનામાં આ યોજના શરૂ કરીશું. આ યોજનાના કારણે શ્રમિકોને સસ્તુ ભોજન મળી રહે છે. ખાસ કરીને બાંધકામ શ્રમિકો માટે આ યોજના આશીર્વાદરૂપ બની હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ 18મી જુલાઇ 2017ના રોજ કરવામાં આવ્યો હતો. જે તે સમયે અન્નપૂર્ણા યોજનાનો લાભ ખુદ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ લીધો હતો. ગુજરાતમાં ભોજનની એક થાળીનો ભાવ 10 રૂપિયા રાખવામાં આવ્યો હતો. જો કે કેટલીક જગ્યાએ એવું પણ થયું હતું કે પ્રરપ્રાંતિય શ્રમિકોને ગુજરાતી ભોજન માફક આવતું ન હતું તેથી ભોજનમાં વેરાયટીનો ઉમેરો કરવાની સલાહ આપવામાં આવી હતી.

દેશના તામિલનાડુમાં ગરીબો માટે 2013માં એક યોજના શરૂ કરવામાં આવી હતી. અમ્મા ઉનાવગમ યોજનામાં એક, ત્રણ અને પાંચ રૂપિયામાં ઇડલી, પોંગલ, પ્રીમિક્સ રાઇસ, ચપાટી અને દાળ આપવામાં આવે છે. એવી જ રીતે રાજસ્થાનમાં પણ અન્નપૂર્ણા રસોઇમાં પાંચ રૂપિયામાં નાસ્તો અને આઠ રૂપિયામાં બપોરનું ભોજન આપવામાં આવે છે. યુપીમાં પણ આવી યોજના ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp