બટાટાનો કિલોએ ભાવ રૂ.1000થી 1500, ખેતી માટે ગુજરાતનું આ ગામ પંસદ થયું

PC: khabarchhe.com

ભારતમાં બટાટાની એવી જાત વિકસાવવામાં આવી છે કે જેનાથી ખેડૂતો માલામાલ થઇ શકે છે. આ બટાટા દેખાવમાં રેડ અને પર્પલ હોય છે પરંતુ તેના આરોગ્ય ગુણ સર્વોત્તમ છે. આ બટાટામાં એન્ટી ઓક્સિડેન્ટનો મહત્વનો ગુણ છે. રેડ બટાટાની ખેતી હાલ ઉત્તરપ્રદેશમાં થાય છે પરંતુ તેને ગુજરાતમાં શરૂ કરવા માટે એફએમજીસી મેજર આઇટીસી કંપની તૈયાર થઇ છે.

આ કંપનીએ ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામને પસંદ કર્યું છે. આ ગામના ખેડૂતોને રેડ પોટેટો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ બટાટાની ખાસિયત એ છે કે સામાન્ય બટાટા કરતાં તેના ભાવ ખૂબ ઉંચા હોવાથી ખેડૂતોને વધારે રૂપિયા મળે છે તેથી ખેડૂતો આ જાતના બટાટાની ખેતી કરવા પ્રેરાશે તેવું કંપનીના કૃષિ તજજ્ઞો માની રહ્યાં છે.

લાલ બટાટાની આ જાતનો બાહ્ય કલર લાલ હોય છે એટલું જ નહીં અંદરથી પણ લાલ કલર નિકળે છે. ભારતમાં થતાં તમામ બટાટાની જાતો પૈકી આ જાત એવી છે કે જે આરોગ્યને ફાયદાકારક છે. ગાંધીનગર જિલ્લાના આ નાનકડાં ગામમાં ખેડૂતોને કંપનીના તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું છે.

ટેકનીકો એગ્રી સાયન્સિઝ લિમિટેડ કે જે આઇટીસી ગ્રુપની કંપની છે તેના ચીફ એક્ઝિક્યુટીવ સચીડ માડને કહ્યું હતું કે બટાટાની આ જાત વિદેશમાં નિકાસ કરી શકાય તેમ છે. પ્રથમ તબક્કામાં આઇટીસી કંપની એવા ખેડૂતો સાથે કામ કરશે કે જેઓ લાલ બટાટાની ખેતી કરવા તૈયાર થશે.

આઇટીસી લાલ બટાટા ઉપરાંત પર્પલ બટાટાની જાત પણ વિકસાવી રહી છે. નોર્થન ઇન્ડિયામાં કંપની હાલ તેનું કલ્ટીવેશન કરી રહી છે. રેડ અને પર્પલ કલરના બટાટાની જાતો ગુજરાતમાં પણ વાવવાનો કંપનીનો ઇરાદો છે. આ વર્ષે 75 થી 80 મેટ્રીકટન બટાટાનું ઉત્પાદન કરવાનું કંપનીનું લક્ષ્ય છે અને બીજા વર્ષે કંપની 300 મેટ્રીકટનનો અંદાજ રાખે છે.

રેડ બટાટાનું બિયારણ અમેરિકા અને પર્પલ બટાટાનું બિયારણ ન્યૂઝીલેન્ડથી મંગાવવામાં આવે છે. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા આ બન્ને જાતના બટાટાનું વાવેતર અને ઉત્પાદન દેશના ઉત્તરપ્રદેશ રાજ્યમાં શરૂ કર્યું છે, જે ટ્રાયલ બેઝ છે.

રેડ અને પર્પલ કલરના બટાટા અત્યારે ભારતના સ્પેશ્યલ સ્ટોરમાં મળે છે. આ બટાટાનો ભાવ પ્રતિ કિલોએ 1000 થી 1500 રૂપિયાનો હોય છે. આ બટાટા ફાઇવસ્ટાર હોટલમાં વિવિધ વાનગી તેમજ સલાડ બનાવવામાં વપરાય છે.

બટાટાની આ જાતનો વાવેતર વિસ્તાર વધે તો તેની કિંમતમાં ઘટાડો થવાનો અંદાજ પણ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં આ બટાટાનું ઉત્પાદન વધારે થાય તો તેની વિશ્વના અનેક દેશોમાં નિકાસને પણ ઉત્તેજન મળી શકે છે. આ બટાટા હેલ્થ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. આઇટીસીએ બે વર્ષ પહેલાં બટાટાની એવી જાત શોધી હતી કે જેમાં ઓછી સ્યુગર માલૂમ પડે છે, એટલે કે ડાયાબિટીશના દર્દીઓ પણ તે બટાટાની વાનગીઓ ખાઇ શકે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp