પાર્ટી પ્રમુખ ચાવડાને કેરી ખવડાવી વિશ્વાસ આપ્યો, બીજા દિવસે ભાજપના ખોળામાં બેઠા

PC: indianexpress.com

કોંગ્રેસના સત્તાલાલસુ ધારાસભ્યો કેવા ખેલ કરે છે તે તેમના મતવિસ્તારની જનતાને જાણવા જેવું છે. ભાજપ પણ મુશ્કેલીમાં આવે છે ત્યારે કોંગ્રેસને ધારાસભ્યોને સામ, દામ, દંડ અને ભેદની રસમ અપનાવી ખરીદવાનો પ્રયાસ કરે છે. ગુજરાતમાં આ બન્ને પાર્ટીઓએ નીતિ-મત્તા અને સિદ્ધાંતો નેવે મૂકી દીધા છે. બન્ને પાર્ટીના ધારાસભ્યોને કેવળ સત્તા જોઇએ છે.

 કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના ખોળે બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી એક એવું ઉદાહરણ છે કે જેમના નાટકો તેમના મતદારો જાણી ગયા છે. કોંગ્રેસે ટિકીટ આપી અને જીતાડ્યા પછી હવે સત્તાની લાલસા જન્મતાં જ ભાજપના ખોળે બેસી ગયા છે. આ અગાઉ પાંચ ધારાસભ્યોએ રાજ્યસભામાં ભાજપને મદદ કરવા માટે કોંગ્રેસ છોડી છે.

છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને રાજ્યસભા જીતાડી દીધી છે. આ ધારાસભ્યોએ તેમની પાર્ટીના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ડીંગો બતાવ્યો છે. હવે આ ધારાસભ્યો રાજ્યસભામાં મતદાન નહીં કરે એટલે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઓછી થશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે પણ કહે છે કે અમારી પહેલી પસંદ શક્તિસિંહ ગોહિલ છે તેથી એક બેઠકમાં તેઓ જીતી જશે જ્યારે બીજી બેઠક નિશ્ચિત નથી. બે દિવસ પહેલાં રાજીનામું આપનારા અમારા ધારાસભ્ય જીતુ ચૌધરી કેરીના બે બોક્સ લઇને મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે હું કોંગ્રેસ સાથે છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. બ્રિજેશ મેરઝાએ રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપી બે કલાક સુધી રોકાયા હતા. આ બન્ને ધારાસભ્યો અત્યારે ભાજપમાં છે.

મહત્વની બાબત એવી છે કે આ બન્ને ધારાસભ્યોએ ભાજપની સરકાર અને પાર્ટી વિરૂદ્ધ ઝેર ઓકીને એવું કહ્યું હતું કે રાજ્યસભામાં ભાજપના ત્રીજા ઉમેદવારને હરાવવાનો છે. કોંગ્રેસ છોડનારા આ ધારાસભ્યો છેલ્લા બે વર્ષથી નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી અને જીતુ વાઘાણીને ગાળો બોલતા આવ્યા છે. અક્ષય પટેલે પણ પળવારમાં પાટલી બદલી નાંખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp