તમારા શહેરના ચીફ ઓફિસર મોટાભાગે કચેરીમાં હાજર હોતા નથી? હવે રહેશે

PC: fbcdn.net
ગુજરાતના શહેરોમાં નગરપાલિકાના ચીફ ઓફિસરો માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગે નવો ફતવો બહાર પાડ્યો છે. આ ફતવો બહાર પાડવાનું કારણ વિકાસ તેમજ લોકોના કામોમાં થતો વિલંબ હોવાનું નોંધવામાં આવ્યું છે. જે તે પાલિકાના પ્રાદેશિક કમિશનરની મંજૂરી વિના તેમને કચેરી નહીં છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શહેરી વિકાસ વિભાગે તેના આદેશમાં કહ્યું છે કે રાજ્યની નગરપાલિકાઓ સરકારી તંત્રનો અગત્યનો ભાગ છે. પાલિકાનું મુખ્ય કાર્ય શહેરીજનોની પ્રાથમિક સુવિધા તેમજ આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું છે. જિલ્લા કક્ષાએ ઘણાં એવા કાર્યક્રમો થાય છે કે જેમાં પાલિકાના ચીફ ઓફિસરોને હાજરી આપવી પડે છે. તેઓ વિવિધ સરકારી બેઠકોમાં પણ હાજરી આપવા જતા હોય છે.

સમીક્ષા બેઠકો કે કાર્યક્રમોમાં ચીફ ઓફિસરો વ્યસ્ત રહેતા હોવાથી પાલિકાના હેડક્વાર્ટરમાં તેમની હાજરી અનિયમિત બને છે. આવી ફરિયાદો શહેરીજનો મારફતે જાણવા મળી છે. આવી ફરિયાદોનો નિકાલ કરવા શહેરી વિકાસ વિભાગે એક આદેશ બહાર પાડ્યો છે જે રાજ્યની તમામ પાલિકાના ચીફ ઓફિસરોને લાગુ પડશે અને તેમને તેને અનુસરવાનું રહેશે.

ચીફ ઓફિસરોને પાલિકાની કચેરી અને મુખ્યઓફિસ સબંધિત પ્રાદેશિક કમિશનરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. પ્રાદેશિક કમિશનરની મંજૂરી વિના તેઓ કોઇપણ કાર્યક્રમમાં જઇ શકશે નહીં. પાલિકાના ચીફ ઓફિસરોએ શહેરી વિકાસ વિભાગ સિવાયના કોઇપણ વિભાગની કચેરી દ્વારા આયોજીત સમીક્ષા બેઠક કે કાર્યક્રમમાં હાજરી આપતાં પહેલાં સબંધિત ઝોનના પ્રાદેશિક કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડશે.

વિભાગની આ સીધી સૂચનાનો કોઇપણ ચીફ ઓફિસર ભંગ કરશે તો તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગના સેક્શન અધિકારી યોગીના પટેલની સહીથી જારી કરાયેલા આ આદેશને રાજ્યની તમામ પાલિકાઓને સુપરત કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગ સિવાયના વિભાગોમાં ચીફ ઓફિસરોની અનિવાર્યતા હોય તો જ પૂર્વ મંજૂરી લઇને હાજરી આપવાની રહેશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp