છેલ્લી ઘડીએ PM મોદીએ આ મંત્રીને દોડાવ્યા ન હોત તો ટ્રમ્પનો કાર્યક્રમ ફલોપ થતે

PC: ndtvimg.com

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ફેમિલીની ગુજરાતની મુલાકાત એટલી બઘી સફળ રહી છે કે તેનાથી ટ્રમ્પ જ નહીં, અમેરિકાના તેમના સમર્થકો ખુશ છે. નમસ્તે ટ્રમ્પનો ગ્રાન્ડ શો અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી શરૂ થઇને એરપોર્ટ પર ખતમ થયો હતો. ત્રણ થી સાડા ત્રણ કલાક સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર અમદાવાદમાં રોકાયો પરંતુ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 10 લોકોએ દિન-રાત જોયા વિના મહેનત કરી છે.

ગુજરાતમાં જ્યારે વાયબ્રન્ટ સમિટ થાય છે ત્યારે રાજ્ય સરકારના મહત્વના 10 અધિકારીઓની ટીમ કામે લાગે છે અને વાયબ્રન્ટ સમિટને સફળ બનાવે છે તેમ રાજ્યનું બજેટ રજૂ થવાનું હોય ત્યારે મુખ્યસચિવ અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ તેને સફળ બનાવે છે તેમ નમસ્તે ટ્રમ્પના ગ્રાન્ડ શોને સફળ બનાવવાનો યશ એવા 10 લોકોને આપવામાં આવે છે કે જેમણે ખરા દિલથી મહેનત કરી છે. જો કે ટ્રમ્પના શો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાયલ અને પીએમઓનું સીધું માર્ગદર્શન જોવા મળ્યું હતું. એ સાથે કેન્દ્રના ડીફેન્સ સહિતના મોટાભાગના વિભાગોના અધિકારીઓએ પણ મહેનત કરી છે.

સચિવાલયમાં ગુજરાતના એવા રાજનેતાઓ અને અધિકારીઓની ચર્ચા ચાલી રહી છે કે જેમણે એરપોર્ટ, ગાંધીઆશ્રમ અને મોટેરાના સ્ટેડીયમના ત્રણ કાર્યક્રમોમાં તનતોડ મહેનત કરી છે. આ એવા રાજનેતા અને અધિકારીઓ છે કે જેમના માથે અમેરિકાના પ્રેસિડેન્ટની ગુજરાત મુલાકાતનો ભાર આવ્યો હતો.



 1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ- કહેવાય છે કે છેલ્લી ઘડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાથી અમિત શાહને ગુજરાત મોકલ્યા ન હોત તો નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ ફ્લોપ શો સાબિત થયો હોત, કારણ કે 20મી ફેબ્રુઆરી સુધી એવું નક્કી ન હતું કે કેટલી પબ્લિક ભેગી કરવાની થાય છે. ગુજરાત સરકાર વિમાસણમાં એટલા માટે હતી કે મોટેરા સ્ટેડીયમ 1.10 લાખ લોકોની હાઉસફુલ કરવાનું હતું અને એરપોર્ટ થી ગાંધીઆશ્રમ અને ગાંધીઆશ્રમ થી મોટેરા સ્ટેડીયમ સુધીનો રોડ શો કરવાનો હતો જેમાં બે લાખ જેટલી પબ્લિક ભેગી કરવાની થતી હતી. રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસને અમિત શાહે છેલ્લી ઘડીએ ભીડ એકત્ર કરવાની જવાબદારી સોંપી હતી.

 2. અમદાવાદના મેયર બીજલ પટેલ- નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમના ચીફ યજમાન અમદાવાદના મેયર બીજલ પટેલ હતા. તેમણે અમદાવાદના કોર્પોરેટરોને જવાબદારી સોંપીને આખા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મેયરના માથે ગાંધીઆશ્રમ અને મોટેરા સ્ટેડીયમની જવાબદારી હતી.

 3.અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયા- અમદાવાદના પોલીસ કમિશનરે પોલીસનો એવો બંદોબસ્ત રાખ્યો હતો કે ટ્રમ્પની અમદાવાદ વિઝીટ સમયે કોઇ અનિચ્છનિય બનાવ ન બને. તેમણે અમદાવાદની સમગ્ર પોલીસને 15 દિવસ પૂર્વે તૈયાર કરી દીધી હતી. અમદાવાદની ટ્રાફિક વ્યવસ્થાની દોરવણી તેમના નેતૃત્વમાં આપવામાં આવી હતી.

 4. મુખ્યસચિવ અનિલ મુકિમ- કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે આ અધિકારીએ સંકલન કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખાને નવો ઓપ આપ્યો હતો. રાજ્યના વિવિભ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તેમણે સંકલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ અધિકારીએ મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે સંકલન કરીને મહેમાનોને સાચવવાનું કાર્ય કર્યું છે.

 5. મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથન- અમેરિકાના પ્રેસિડેન્ટ તેમજ ગુજરાત બહારથી આવેલા મહેમાનોની આગતા સ્વાગતાનો ખ્યાલ આ અધિકારીએ રાખ્યો છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી તેમની પાસેથી કામ લીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમોથી તેમણે ગુજરાતની ટીમને વધારે મજબૂત બનાવી હતી.

 6. મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસ- આ અધિકારીએ સચિવાલયના ઉદ્યોગ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ કર્મચારીઓ સાથે સંકલન રાખીને ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ ઘડ્યો હતો. તેઓ ક્યાં જશે, કોને મળશે, કોને ક્યાં બેસાડવા તેનો ખ્યાલ રાખ્યો હતો.

 7. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા- ટ્રમ્પના કાર્યક્રમમાં રોડશો તેમજ મોટેરા સ્ટેડીયમની સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય જિલ્લાઓની પોલીસ સાથે કોઓર્ડિનેશન આ પોલીસ અધિકારીએ કર્યું છે. પ્રોટોકોલમાં રહીને તેમણે એરપોર્ટ થી મોટેરા અને મોટેરા થી એરપોર્ટ સુધીની પોલીસની જવાબદારી તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

 8. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર- ગાંધીનગર-અમદાવાદ સહિત દેશના મિડીયા પ્રતિનિધિઓની વ્યવસ્થાનો ભાર આ અધિકારીના માથે હતો. ટીવી ચેનલો તેમજ પ્રિન્ટ મિડીયાના પ્રતિનિધિઓને કોઇ અગવડતા ન પડે તે માટેનો ખ્યાલ તેમણે રાખીને માહિતી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પાસે કામ લીધું છે.

 9. પરિમલ નથવાણી- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસચેરમેન અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અગ્રણીએ મોટેરા સ્ટેડીયમની જવાબદારી સંભાળી હતી. મોટેરા સ્ટેડીયમ માટે પ્રથમ ઇંટ મૂકાઇ ત્યારે અને મોટેરા સ્ટેડીયમ શરૂ થયું ત્યાં સુધીની બઘી જવાબદારી તેમના માથે હતી. તેમની પાસે બીસીસીઆઇની ટીમ હતી. જાણીતા ક્રિકેટરોને બોલાવવા તેમજ મોટેરાની સમગ્ર વ્યવસ્થા આ કોર્પોરેટ માધાંતાએ ઉપાડી હતી, જેમાં તેમને તેમના પુત્ર ધનરાજ નથવાણી અને અમિત શાહના પુત્ર જય શાહનો સહયોગ મળ્યો હતો.

 10.   અમદાવાદના કમિશનર વિજય નહેરા- અમદાવાદના ત્રણ કાર્યક્રમોની સમગ્ર જવાબદારી મ્યુનિસિપલ કમિશનરના માથે હતી. કોર્પોરેશનના અધિકારીઓ સાથે તાલમેલ જાળવીને તેમણે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ સફળ બનાવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થાની ડિઝાઇન બનાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp