ગુજરાત વિધાનસભામાં આશ્ચર્ય: ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે, જાણો કેમ?

PC: Khabarchhe.com

 

ગુજરાત વિધાનસભાના સપ્ટેમ્બરમાં યોજાઇ રહેલા સત્રમાં ધારાસભ્યોને બેસાડવાની મુશ્કેલી ઉભી થઇ છે. કોરોના સંક્રમણના સમયમાં ધારાસભ્યોને સોશ્યલ ડિસ્ટન્સીંગમાં રાખવા માટે નવી યુક્તિ અજમાવવામાં આવે તેવી સંભાવના છે.

વિધાનસભાના હાલના સભાગૃહમાં 181 બેઠકોની ક્ષમતા છે, જો કે નવી ડિઝાઇન પ્રમાણે આ સભાગૃહમાં 250 ધારાસભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરી શકાય તેમ છે પરંતુ હાલ ધારાસભ્યોની સભ્યસંખ્યા 182 હોવાથી ખુરશીઓ તે રીતે ગોઠવવામાં આવી છે.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ડિઝાઇન બનાવી હતી ત્યારે તેમાં 250 ધારાસભ્યોને બેસવાની વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું હતું, કારણ કે ભવિષ્યમાં ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા 250 જેટલી થવાની છે. આ બેઠક વ્યવસ્થા એ લાબાં ગાળાનું આયોજન છે.

વિધાનસભાનું સત્ર જ્યારે સપ્ટેમ્બરમાં મળશે ત્યારે ધારાસભ્યોને સોશ્યલ ડિસ્ટન્સીંગથી બેસાડવાના થાય તો સભાગૃહમાં માત્ર 90 ધારાસભ્યો બેસી શકે છે. બાકીના ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા બાબતે વિધાનસભા સચિવાલયે પ્રેક્ષક દિર્ધાનો ઉપયોગ કરવાનું સૂચવ્યું છે. આ વખતે વિધાનસભામાં સત્ર મળશે ત્યારે કોરોના સંક્રમણના કારણે મુલાકાતીઓ તેમજ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે તેથી પ્રેક્ષક ગેલેરી ખાલી હશે.

વિધાનસભાનું ચોમાસુ સત્ર આમ તો બે કે ત્રણ દિવસ પુરતું મળતું હોય છે જેમાં સરકારી બીલો અને અન્ય કામકાજ ચાલતું હોય છે. નિયમ એવો છે કે વિધાનસભાનું સત્ર છ મહિનામાં એકવાર મળવું જોઇએ. આ નિયમને આધિન ચોમાસુ સત્ર યોજવામાં આવતું હોય છે, જ્યારે બજેટ સત્ર દરવર્ષે ફેબ્રુઆરી મહિનામાં મળે છે અને તે એક મહિના કરતાં વધુ ચાલે છે.

ચોમાસુ સત્રમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું હોવાથી ધારાસભ્યોને છૂટા બેસાડવામાં આવશે. એક બેન્ચ પર બે ધારાસભ્યોની જગ્યાએ એક ધારાસભ્યને બેસવા દેવામાં આવશે. એ ઉપરાંત પ્રત્યેક ધારાસભ્ય માસ્કમાં સજ્જ હશે. વિધાનસભા સંકુલમાં પ્રત્યેક ફ્લોર પર સેનેટાઇઝરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp