સરકારી બાબુઓને નિવૃત્તિ પછી કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખી સેટ કરવા પર લગામ

PC: indianexpress.com

ગુજરાત સરકારના વિભાગો, જાહેર સાહસો અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં નિવૃત્તિ પછી સરકારી કર્ચચારીની નિયુક્તિ અંગે સામાન્ય વહીવટ વિભાગે નારાજગી વ્યક્ત કરી એવો આદેશ કર્યો છે કે હવે પછી નિવૃત્ત થયેલા અધિકારી કે કર્મચારીની નિયુક્તિ કરવી હશે તો સામાન્ય વહીવટ વિભાગની ફરજીયાતપણે પૂર્વ મંજૂરી લેવાની રહેશે.

સામાન્ય વહીવટ વિભાગે તેના આદેશમાં જણાવ્યું છે કે સરકારમાં ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ જગ્યાઓ પર સરકારી અધિકારી કે કર્મચારીને વયનિવૃત્તિ પછી કરારના ધોરણે નિમણૂક આપવા બાબતની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ સૂચનાઓના કારણે સરકારના વિભાગો, જાહેર સાહસો કે અન્ય સંસ્થાઓમાં કન્સલ્ટન્ટ સહિતની વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની નિયુક્તિ થતી હોય છે. આવી નિયુક્તિમાં મુખ્યમંત્રી, વિભાગના મંત્રી, મુખ્યસચિવ, નાણાં અને જીએડીના અધિક મુખ્યસચિવની પૂર્વ મંજૂરી લેવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

જો કે સામાન્ય વહીવટ વિભાગના ધ્યાનમાં એવી બાબત આવી છે કે કેટલાક વિભાગો અને જાહેર સાહસોમાં પૂર્વ મંજૂરી વિના કેટલીક નિયુક્તિ કરી દેવામાં આવતી હોય છે. આવા કેટલાક કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે તેથી સામાન્ય વહીવટ વિભાગે સરકારના તમામ વિભાગો, ખાતાના વડા, રાજ્ય સરકારના તમામ બોર્ડ-નિગમો, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને સરકારની અંશત સહાય લેતી સંસ્થાઓમાં કોઇપણ સ્વરૂપે એટલે કે કરાર આધારિત, આઉટસોર્સિંગ, ઓનેરેરીયમ કે અન્ય કોઇ નાણાકીય લાભ આપીને નિવૃત્ત અધિકારી કે કર્મચારીની નિયુક્તિ થઇ હોય તો તેનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે અને તેની જાણ સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે.

હવે પછી કોઇપણ પ્રકારની કરાર આધારિક નિયુક્તિ કરવાની થાય અથવા તો આઉટસોર્સિંગથી જગ્યા ભરવાની થાય તો ફરજીયાતપણે પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને આ કાર્યવાહી ચેનલ ઓફ સબમિશન મુજબ રહેશે. એટલું જ નહીં નિમણૂક કર્યાના દર ત્રણ મહિને સંકલિત વિગતો વિભાગના નાયબ સચિવ કે સમકક્ષ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને સામાન્ય વહીવટ વિભાગને રજૂ કરવાની રહેશે.

આવા કિસ્સામાં સૂચનાઓનું પાલન થાય તેવા કેસોમાં જે તે વિભાગ કે ખાતાના વડા કે બોર્ડ-નિગમનો વહીવટ સંભાળતા મુખ્ય અધિકારીની જવાબદારી નક્કી કરવાની રહેશે. જે વિભાગોએ પૂર્વ મંજૂરી વિના નિયુક્તિ કરી છે તેમણે તે નિયુક્તિ તત્કાલ રદ કરવાની પણ રહેશે અને તેની જાણ સામાન્ય વહીવટ વિભાગને કરવાનું કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp