સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઓફિસરોના મનસ્વી નિર્ણયો, ટૂરિસ્ટો હેરાન, PMને ફરિયાદ કરાશે

PC: freepressjournal.in

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે નિયમોના બહાને અધિકારીઓ મનમાની અને દાદાગીરી કરી રહ્યાં હોવાથી ટુરિસ્ટ પરેશાન થતાં હોવાની ફરિયાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કરી છે. તેમણે કહ્યું હતું કે જો આવી મનમાની દૂર નહીં થાય તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ફરિયાદ કરીશ.

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટી જશે તેવી દહેશત વ્યક્ત કરી મનસુખ વસાવાએ કહ્યું હતું કે પ્રવાસીઓને પરેશાન કરવામાં સત્તામંડળના અધિકારીઓ જવાબદાર છે. કડક નિયમોથી તેમણે એવું માળખું બનાવ્યું છે કે જેના કારણે ફરવા માટે આવનારા વ્યક્તિ અને પરિવાર પરેશાન થઇ જાય છે.

મનસુખ વસાવાએ કહ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાત કિલોમીટર દૂર કેવડિયા ગામ પાસે જ્યાં એકતા દ્વાર છે ત્યાં પાર્કિંગ કરાવી પ્રવાસીઓને આગળ જવા દેવામાં આવતા નથી તેવી ફરિયાદ મળી છે. નર્મદા માતાની પ્રતિમા સામેના પાર્કિંગમાં વાહન મૂકીને તેમને ફરજીયાત પ્રવાસી બસમાં જવું પડે છે. અધિકારીઓની ઇચ્છા થાય ત્યાં ગાડીઓનું પાર્કિંગ કરાવે છે. જો અધિકારીઓ નહીં સુધરે તો હું વડાપ્રધાન અને તેમના કાર્યાલયમાં રજૂઆત કરીશ.

સાંસદ મનસુખ વસાવા શરૂઆતથી જ અહીં થઇ રહેલી જોહુકમીનો વિરોધ કરતા રહ્યા છે. અગાઉ આદિવાસીઓને લગાવેલા સ્ટોલ્સ તોડી પાડવા અંગે તેઓ તત્કાલીન અધિકારી રાજીવ ગુપ્તાને અંગ્રેજ કહી ચૂક્યા છે. કારણ કે રોડની આજુબાજુ લોકોએ લગાવેલા સ્ટોલ્સનું ડિમોલીશન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો સ્ટેટ્યુ ઓફ યુનિટીની આજુબાજુ રહેતા લોકોને રોજગારી નહીં મળે તો શું મોટા કોન્ટ્રાક્ટરોને જ કમાવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવો પ્રશ્ન તેમણે પૂછ્યો હતો. 

આ ઉપરાંત ત્યાં આજુબાજુમાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવવા મુદ્દે પણ તેમણે ભારે વિરોધ કરીને પીએમ મોદી સુધી રજૂઆત કરી હતી. તેમણે એક વખત તો રાજીનામું પણ આપી દીધું હતું પરંતુ પછી પરત ખેંચી લીધું હતું. 

મનસુખ વસાવાની વાત એક રીતે સાચી પણ છે. કારણ કે સ્ટેટ્યુ ઓફ યુનિટીમાં હવે લાખો પ્રવાસીઓ જઇ રહ્યા છે. પરંતુ તમામ મેનેજમેન્ટ ખાનગી એજન્સીઓ જ કરી રહી છે. નામ પૂરતા આદિવાસી લોકોને ત્યાં નૃત્ય અને બીજા કાર્યક્રમો માટે બોલાવાય છે પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને લોકોને પ્રોત્સાહન મળે તેવું કઇ ખાસ કરાયું નથી. ત્યાં આતંરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને પ્રોત્સાહન મળે તેનો કોઇને વાંધો ન હોઇ શકે પરંતુ તેટલું જ ધ્યાન સ્થાનિક આદિવાસીઓનું પણ રાખવું જોઇએ. 

સાંસદ પણ ભાજપના જ છે. એટલે તેઓ એકાદ બે વાર બોલીને ચુપ થઇ જશે. પરંતુ લોકોને જે ફાયદો થવો જોઇએ તે થશે કે નહીં તે નક્કી નથી. આ માટે તો લોકોએ જાતે જ આગળ આવવું જોઇએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp