છેલ્લા પાંચ વર્ષમાં આપણી સંરક્ષણ નિકાસમાં 325 ટકાનો વધારો થયો છેઃ PM મોદી

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ સાત નવી સંરક્ષણ કંપનીઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં વીડિયો મારફતે સંબોધન કર્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા PMએ કહ્યું હતું કે, ભારતમાં આપણે સત્તાને સર્જનના માધ્યમ તરીકે જોઇએ છીએ. તેમણે ટિપ્પણી કરી હતી કે, આવી જ ભાવના સાથે, રાષ્ટ્ર શક્તિની દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે, ડૉ. કલામે પોતાનું આખું જીવન રાષ્ટ્રને વધુ શક્તિશાળી બનાવવા માટે સમર્પિત કરી દીધું હતું અને કહ્યું હતું કે, ઓર્ડનન્સ (આયુધ) ફેક્ટરીઓના પુનર્ગઠન અને સાત નવી કંપનીઓના સર્જનથી ભારતને શક્તિશાળી બનાવવાના તેમના સપનાંને વધુ તાકાત મળશે. તેમણે ઉમેર્યું હતું કે, નવી સંરક્ષણ કંપનીઓ આપણા એવા વિવિધ સંકલ્પનો એક હિસ્સો છે જે આપણી સ્વતંત્રતાના આ અમૃત કાળ દરમિયાન આપણા દેશના નવા ભવિષ્યનું નિર્માણ કરવા માટે આપણું રાષ્ટ્ર સિદ્ધ કરી રહ્યું છે.

PMએ વધુમાં કહ્યું હતું કે, આ કંપનીઓ બનાવવાનો નિર્ણય ઘણા લાંબા સમયથી અટવાયેલો હતો અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ 7 નવી કંપનીઓ આગામી સમયમાં દેશની સૈન્ય તાકાત માટે મજબૂત આધાર તૈયાર કરશે. ભારતની ઓર્ડનન્સ ફેક્ટરીઓના કિર્તીમાન ભૂતકાળની નોંધ લેતા PMએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતાના સમયગાળા પછી આ કંપનીઓને અપગ્રેડ કરવાની જરૂરિયાતને અવગણવામાં આવી છે જેના કારણે દેશની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિદેશી પૂરવઠાકારો પર નિર્ભરતા વધી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સાત સંરક્ષણ કંપનીઓ આ પરિસ્થિતિને પરિવર્તિત કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.

તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ નવી કંપનીઓ આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને અનુરૂપ રહીને આયાતની અવેજ તરીકે ઘણી મોટી ભૂમિકા અદા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, રૂ. 65,000 કરોડ કરતાં વધુની ઓર્ડર બુક આ કંપનીઓમાં દેશનો વધી રહેલો વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે. તાજેતરના ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલી એવી વિવિધ પહેલ અને સુધારાઓને તેમણે યાદ કર્યા હતા જેના કારણે સંરક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિશ્વાસ, પારદર્શિતા અને ટેક્નોલોજી આધારિત અભિગમ આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ખાનગી અને જાહેર ક્ષેત્ર રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં એકબીજા સાથે હાથ મિલાવીને કામ કરી રહ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુના સંરક્ષણ કોરિડોરને નવા અભિગમના ઉદાહરણ ગણાવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે યુવાનો અને MSME માટે નવી તકોનું સર્જન થઇ રહ્યું છે તેથી દેશ તાજેતરના વર્ષોમાં નીતિગત ફેરફારોના પરિણામોનો સાક્ષી બની રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આપણી સંરક્ષણ નિકાસમાં 325 ટકાનો વધારો થયો છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અમારું લક્ષ્ય છે કે આપણી કંપનીઓ માત્ર તેમના ઉત્પાદનોમાં નિપુણતા લાવે તેવી ના હોય પરંતુ તેઓ વૈશ્વિક બ્રાન્ડ પણ બને. તેમણે અનુરોધ કર્યો હતો કે, સ્પર્ધાત્મક કિંમતો આપણી તાકાત છે, તો સામે પક્ષે ગુણવત્તા અને વિશ્વસનીયતા આપણી ઓળખ હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 21મી સદીમાં કોઈપણ રાષ્ટ્ર કે કોઈપણ કંપનીની વૃદ્ધિ અને બ્રાન્ડ મૂલ્ય તેમના સંશોધન અને વિકાસ તેમજ આવિષ્કાર દ્વારા નિર્ધારિત થાય છે. તેમણે નવી કંપનીઓને અનુરોધ કર્યો હતો કે, સંશોધન અને આવિષ્કાર તેમની કાર્ય સંસ્કૃતિનો હિસ્સો હોવો જોઇએ જેથી તેઓ માત્ર તેમના કામમાં જોડાયેલા ના રહે પરંતુ ભવિષ્યની ટેક્નોલોજીમાં તેઓ નેતૃત્વ પણ કરે. તેમણે ઉમેર્યું હતું કે, આ પુનર્ગઠન નવી કંપનીઓને નવીનતા અને કૌશલ્ય પોષવા માટે વધુ સ્વાયત્તતા પ્રદાન કરશે અને નવી કંપનીઓએ આવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે સ્ટાર્ટઅપ્સને અનુરોધ કર્યો હતો કે, તેઓ આ કંપનીઓ દ્વારા આ સફરનો હિસ્સો બને અને એકબીજાના સંશોધન અને તજજ્ઞતાનો લાભ ઉઠાવે.

વધુમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે આ નવી કંપનીઓને ઉત્તમ ઉત્પાદન માહોલ પૂરો પાડવાની સાથે સાથે સંપૂર્ણ કાર્યકારી સ્વાયત્તતા પણ આપી છે. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે, સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ રીતે રક્ષણ કરવામાં આવે. કાર્યકારી સ્વાયત્તતા, કાર્યદક્ષતામાં વધારો કરવા માટે અને વિકાસની નવી સંભાવનાઓ તેમજ આવિષ્કારના દ્વાર ખોલવા માટે સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને સરકારી વિભાગમાંથી પરિવર્તિત કરીને 100% સરકારી માલિકીની 7 કોર્પોરેટ સંસ્થાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. દેશની સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓમાં આત્મનિર્ભરતામાં સુધારો કરવાના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તદઅનુસાર, 7 નવી સંરક્ષણ કંપનીઓને સામેલ કરવામાં આવી છે જેના નામ, મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ (MIL); આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ (AVANI); એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ (AWE ઇન્ડિયા); ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ (TCL) (ટ્રૂપ કમ્ફર્ટ આઇટમ્સ); યંત્ર ઇન્ડિયા લિમિટેડ (YIL); ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ (IOL); અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ (GIL) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp