રાજ્યનું બજેટ હાલ સુધીનું સૌથી મોટું હશે તો શું વેરા વધશે?

PC: dainikbhaskar.com

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે અને રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ પહેલા દિવસે 2020-21ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. બજેટ પૂર્વે તેમણે એવો દાવો કર્યો હતો કે આ વખતના બજેટમાં તમામને ખુશ રાખવાનો પ્રયાસ કરાશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવતી હોવાથી બજેટમાં ગ્રામવિકાસની સાથે મહાનગરોના વિકાસ માટે મહત્વની યોજનાઓની જાહેરાત થાય તેવી સંભાવના છે.

ગુજરાત સરકારનું આગામી વર્ષનું બજેટ અગાઉના તમામ વર્ષોની સરખામણીએ સૌથી મોટું હશે. 26મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલું બજેટ સત્ર 31મી માર્ચ સુધી ચાલશે, એ દરમ્યાન રાજ્યસભામાં ખાલી પડતી ચાર બેઠકોની ચૂંટણી 26મી માર્ચે યોજવામાં આવનાર છે. નાણા મંત્રી નીતિન પટેલ તેમના બજેટમાં નવી યોજનાઓ સાથે કરકસરને પ્રાધાન્ય આપી રહ્યાં છે. રાજ્યમાં બેવડાતી યોજનાઓ બંધ કરવા સાથે જાહેર સાહસોને વધારે ગ્રાન્ટ આપવાનો તેઓ વિરોધ કરી રહ્યાં છે.

રાજ્યના નાણામંત્રીએ ગયા વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી ફેબ્રુઆરી 2019માં ચાર મહિના માટે 64000 કરોડ રૂપિયાનું લેખાનુદાન (વોટ ઓનએકાઉન્ટ) લીધું હતું પરંતુ તેમણે જુલાઇ મહિનામાં પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું અને તેનું કદ 2.04 લાખ કરોડ રૂપિયા રાખ્યું હતું. આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાને રાખતાં 15 હજાર થી 18 હજાર કરોડ રૂપિયાનો વધારો થાય તેવી શક્યતા છે.

આ વર્ષે બજેટનું કદ 2.22 લાખ કરોડની આસપાસ હોય તેમ જણાય છે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 2020-21ના વર્ષના બજેટમાં રાજ્ય સરકાર નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને બેરોજગારીના મુદ્દે વર્તમાન ભાજપની સરકાર ઘેરાયેલી છે ત્યારે બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકવામાં આવી શકે છે. ગુજરાત સરકારની મુખ્ય આવક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે છતાં કેન્દ્ર પાસેથી વર્તમાન વર્ષમાં ગુજરાતને પાંચ થી છ કરોડ રૂપિયા ઓછા મળ્યા છે તેથી સરકારના નાણાકીય સંતુલનપર ભાર મૂકવામાં આવી શકે છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત મહાનગરપાલિકાઓનીચૂંટણીનું વર્ષ હોવાથી રાજ્ય સરકાર વધારાના કોઇ વેરાઓ અંગે દરખાસ્ત કરી શકે તેમ નથી. રાજ્યમાં મહત્વની નવી યોજનાઓ માટે વિભાગો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે પરંતુ નાણામંત્રી નીતિન પટેલે કરકસરનો માર્ગ અપનાવ્યો હોવાથી વિભાગોને મર્યાદા રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યની પોતાની આવકોની સમીક્ષા કરવામાં આવી છે પરંતુ વેરાવધારા કરવા કે નહીં તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp