વિજય નહેરાએ બનાસકાંઠામાં એવું કામ કર્યું કે લાગે છે અમદાવાદથી ખોટા દૂર કર્યા

PC: economictimes.indiatimes.com

સત્તા અને પ્રાઇમ પોસ્ટીંગ ન હોવા છતાં એક ઉચ્ચ અધિકારી કેવું કામ કરતો હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ સરકારના આઇએએસ અધિકારી વિજય નહેરા છે. જે ઓફિસરને કામ કરવું હોય તેઓને ગમે તે પોસ્ટીંગ આપવામાં આવે તેઓ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. આ ઓફિસરે વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતના અન્ય જિલ્લા જ નહીં દેશના અન્ય રાજ્યોને પાછળ છોડી દીધા છે.

2020માં જ્યારે કોવિડ મહામારી શરૂ થઇ હતી ત્યારે વિજય નહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને દિવસ-રાત એક કરીને અમદાવાદને કોરોના કેસમાંથી રાહત આપી હતી. અમદાવાદમાં જ્યારે કોરોના કેસ વધતા જતા હતા તેવા સમયે કોઇ કારણોસર વિજય નહેરાની સરકારે બદલી કરી નાંખી હતી અને સાઇડ પોસ્ટીંગ આપ્યું હતું પરંતુ 2021માં સરકારને ઓફિસરની જરૂર પડતાં તેમને બનાસકાંઠા જિલ્લાના કોવિડ અધિકારી તરીકે વધારાની ફરજ સોંપવામાં આવી છે.

વિજય નહેરા તેમના વિભાગનું કામ તો કરે છે પરંતુ વધારાનો જે ચાર્જ આપવામાં આવ્યો છે તેમાં તેઓ લાઇમલાઇટમાં આવી રહ્યાં છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસોની સંખ્યા વધતી જતાં તેમણે વેક્સિનેશન સિસ્ટમને વધારે મજબૂત બનાવી છે. આ જિલ્લાના આંકડા સ્વયં સ્પષ્ટ છે કે 45 વર્ષથી ઉપરના 98 ટકા નાગરિકોને તેમણે વેક્સિન અપાવવાનું કામ કર્યું છે.

આ અધિકારી એવા છે કે જેઓ વ્યૂહરચના અને કોઠાસૂઝથી કામ કરે છે. કમિશનર હતા ત્યારે તેમણે જ્યારે એમ કહ્યું કે અમદાવાદમાં હજી કોરોના કેસ ગંભીર રીતે વધશે ત્યારે સરકારે તેમને ઠપકો આપ્યો હતો પરંતુ થોડા દિવસમાં વિજય નહેરાએ કહેલા શબ્દો સાચા પડ્યા હતા. જો કે એ સમયે તેમની બદલી રૂરલ ડેવલપમેન્ટ કમિશનરેટમાં કરી દેવામાં આવી હતી. એ પહેલાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુડબુકમાં હતા, કારણ કે તેમણે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સારી કામગીરી કરી હતી, પરંતુ વહીવટી તંત્રમાં એવું કહેવાય છે કે 100 કામ સારા કર્યા હોય અને એક કામમાં થોડી ગરબડ થાય તો એ ઓફિસરના 99 કામ પર પાણી ફરી વળતું હોય છે. વિજય નહેરા સાથે પણ એવું થયું છે.

કોવિડની સ્થિતિ વચ્ચે સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વિજય નહેરાને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. આ જિલ્લામાં વિજય નહેરાએ લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કર્યા છે પરિણામે 6.17 લાખની વસતી પૈકી 6.4 લાખ લોકોએ વેક્સિન લઇ લીધી છે. જો કે આ કામ માટે તેમને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરનો સપોર્ટ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp