નર્મદાનું પાણી ન મળતા ખેડૂતો 10 લાખને બદલે 56 હજાર હેક્ટરમાં જ આગોતરૂં વાવેતર

PC: i.pinimg.com

2018નું ચોમાસુ નબળું રહેતાં તેની સીધી અસર કૃષિ અર્થતંત્ર પર 2019માં જોવા મળી છે. ચોમાસુ શરૂ થાય તે પહેલાં ખેડૂતો વહેલું વાવેતર કરી દેતાં હોય છે. આગોતરું વાવેતર થવાનું પ્રમાણ આ વર્ષે સાવ ઓછું છે. ગયા વર્ષે દુષ્કાળ હોવાથી જમીન અને બંધમાં પાણી ખૂટી ગયા હતા. તેથી મગફળી સહિતના તેલીબીયાં, શાકભાજી, તુવેર જેવા કઠોળમાં ઓરવણું બહુ ઓછું થઈ શક્યું છે તેથી ખેત ઉત્પાદનની તેના ઉપર સીધી અસર જોવા મળશે. જો નર્મદા નહેરનું પાણી મળતું હોત તો આ વર્ષે આગોતરું વાવેતર 10 લાખ હેક્ટર સુધી થઈ શક્યું હોત. પણ માંડ 56,000 હેક્ટરમાં જ વરસાદ પહેલાં સિંચાઈથી વાવેતર થયું છે. જેમાં નર્મદાના પાણીનો હિસ્સો માત્ર 5થી 6 હજાર હેક્ટર જ છે. આમ નર્મદા યોજના 10 વર્ષથી નિષ્ફળ પુરવાર થઈ છે. તે ગુજરાતની જીવાદોરી રહી નથી.

કપાસ

કપાસનું ઓરવણું વરસાદ પડે તે પહેલાં 10 જૂન સુધીમાં 50 હજાર હેક્ટર થઈ જતું હોય છે. તેમાં 20 ટકા ઓછું વાવેતર થયું છે. 40 હજાર હેક્ટરમાં વાવાઝોડા પહેલાં વાવેતર થઈ ગયું હતું. 20 ટકા ઓછું આગોતરું વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં 16 હજાર હેક્ટર, ઉત્તર ગુજરાતમાં 13 હજાર હેક્ટર, કચ્છમાં 8 હજાર હેક્ટર આગોતરું વાવેતર થયું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કપાસનું વાવેતર થવું જોઈતું હતું પણ તેમ થયું નથી.

તુવેર

તુવેરમાં પાણી નડી ગયું છે. ગયા વર્ષે આ સમયે 1700 હેક્ટરમાં વાવેતર હતું તેમાં કોઈ વાવેતર જ થયું નથી. આમ તુવેરમાં આંચકો છે. ઉત્પાદન મોડું શરુ થશે. પાક ઉતરતાં માલ આવે તે પહેલાં વેપારીઓમાં તેજી રહેશે. અડદ, મગ જેવા કઠોળમાં આવું જ વલણ છે. જેમની પાસે ગયા વર્ષનો માલ સ્ટોક હશે તેમને ચોમાસામાં સારા ભાવ મળી શકે છે. ચોમાસા પછી પણ આવી સ્થિતી રહે તેવી પૂરી સંભાવના છે.તમામ ધાન્ય પાકોમાં 1800 હેક્ટર વાવેતર થવું જોઈતું હતું પણ માંડ 10 હેક્ટરમાં આગોતરું વાવેતર થયું છે. તે પણ જ્યાં બંધનું અને ભૂગર્ભનું પાણી છે એવા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાવેતર થયું છે.

મગફળી

સૌરાષ્ટ્રના ખેડૂતો ભયંકર દુષ્કાળની સ્થિતીમાં આવીને ઊભા હોય એવી હાલત છે. જ્યાં 15,000 હેક્ટરમાં ઓરવણું થતું જોઈતું હતું ત્યાં માત્ર 5 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. માંડ 33 ટકા આગોતરું વાવેતર થયું છે. આવું તમામ તેલીબીંયા પાકમાં થયું છે. 25 લાખ હેક્ટરમાં તેલીબીયા પાકોનું વાવેતર થાય છે. જેમાં 1 ટકો પણ આગોતું વાવેતર થઈ શક્યું નથી. જુનાગઢ જિલ્લા સિવાય ક્યાંય પુરતું આગોતરું વાવેતર થયું નથી. જુનાગઢ 2500, અમરેલી 500, સુરેન્દ્રનગર 400, મોરબી 400, રાજકોટ 300 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. તે બતાવે છે કે સૌરાષ્ટ્રમાં ભયાનક દુષ્કાળની સ્થિતી છે. જેને સમજવામાં સરકાર, વેપારીઓ અને પ્રજા નિષ્ફળ રહ્યાં છે.

શાકભાજી

ચોમાસા પેહલાં શાકભાજીનું વાવેતર 50 ટકા ઘટ્યું છે. એક બે મહિના પછી શાકભાજીના ભાવોમાં તેજી રહેશે. 6 હજાર હેક્ટરની સામે 3400 હેક્ટર આગોતરું વાવેતર થયું છે. જે 10 દિવસ મોડું છે. ઘાસચારામાં 10 હજાર હેક્ટરની સામે 7 હજાર હેક્ટર વાવેતર થયું છે. 3 હજાર હેક્ટર ઓછું વાવેતર હોવાથી પશુપાલકો પરેશાન થઈ જતાં દુધના ઉત્પાદનમાં અસર પડી શકે છે. ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું વાવેતર શાકભાજીનું થયું છે, જે 900 હેક્ટર છે. મહેસાણા 700, સાબરકાંઠા 200, ખેડા 300, સુરત 600 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જે કંઈ આગોતરું વાવેતર થયું છે તેમાં સૌરાષ્ટ્રમાં 22,000, ઉત્તર ગુજરાત 18,000, મધ્ય ગુજરાત 2400, દક્ષિણ ગુજરાત 2300 હેક્ટરમાં આગોતરું વાવેતર થયું છે. વરસાદ પડે તે પહેલાં જ સિંચાઈથી આગોતરું વાવેતર કરવાની મજબૂત પરંપરા સૌરાષ્ટ્રમાં રહી છે. જેમાં રાજકોટમાં આ વખતે 13200 હેક્ટરમાં વાવેતર થયું છે. આવું થવાનું કારણ શું છે ?

કોણ જવાબદાર ?

જો નર્મદા નહેરનું પાણી ખેડૂતોને મળતું હોત તો 18 લાખ હેક્ટર ખેતીની જમીનમાંથી 7થી 10 લાખ હેક્ટરમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરીને ગુજરાતના અર્થતંત્રને મજબૂત કરી બતાવ્યું હોત. પરંતુ ગુજરાતની સરકાર નર્મદાનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી હોવાથી 10 વર્ષમાં દેશે 1 લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન દર વર્ષે ગુમાવવું પડ્યું છે. નર્મદા નહેરનું પાણી આપીને સલામત ખેતી થઈ શકી હોત. આગોતરું વાવેતર કરીને દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોનો પાક વહેલો બજારમાં આવતો હોય અને તેથી સૌથી વધું આવક ખેડૂતો મેળવતાં હોત. પણ ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાને જીવનદોરી ટૂંકાવનારી યોજના બનાવી દેવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp