DPS-નિત્યાનંદ મામલે શું સરકાર પૂજા મંજૂલા શ્રોફને પાછલા બારણે મદદ કરી રહી છે?

PC: ahmedabadmirror

અમદાવાદની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ડીપીએસ સ્કુલના કેમ્પસમાં નિત્યાનંદના આશ્રમમાં રહેલા બાળકોને લઈ વિવાદ ઉભો થયો છે, આ સંસ્થામાં રહેલા બાળકો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો હોવાની બાળકોના માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી છે. જયારે રાજય મહિલા અને બાળ વિકાસ નિગમ તેમજ શિક્ષણ વિભાગ ઉપર રાજય સરકારનું દબાણ આવતા હવે તેઓ પણ ડીપીએસ સ્કુલની આબરૂ બચાવવા માટે મેદાને પડયા છે. પરંતુ અહિયા સવાલ છે કે ખરેખર આશ્રમ સામે લાગી રહેલા આરોપ સાચા છે કે ખોટા તે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે. પરંતુ ડીપીએસ સ્કુલના સીઈઓ મંજુલા પુજા શ્રોફે પોતાની આસ્થા અને બાળકોના ભવિષ્યને અલગ અલગ રાખવાની જરૂર હતી જે તેમનાથી ચુક થઈ હોવાનું હાલમાં લાગી રહ્યુ છે.

નિત્યાનંદ બાબાના ભકત એવા મંજુલા પુજા શ્રોફ છેલ્લાં કેટલાંક સમયથી પોતાની સાથી અમિતાભ શાહ સાથે આશ્રમની પ્રવૃત્તિ અને બાબાના પ્રચાર માટે કામ કરી રહ્યા હતા. મંજુલા શ્રોફ અને અમિતાભ શાહને કયાં સાધુ સંત ઉપર વિશ્વાસ રાખવો તે અત્યંત વ્યકિતગત બાબત છે. પરંતુ નિત્યાનંદ બાબાને કારણે ત્રીજી આંખ વડે અંધ વ્યકિતને જોઈ શકે તેવા અવૈજ્ઞાનિક દાવાઓનો પણ પ્રચાર કરતા હતા. આવા જ એક કાર્યક્રમને લઈ તેઓ અમદાવાદ સ્થિત અંધજન મંડળમાં ગયા હતા. જો કે અવૈજ્ઞાનિક દાવાઓમાં અંધજન મંડળના સંચાલકોને વિશ્વાસ નહીં બેસતા તેમણે નિત્યાનંદ આશ્રમની પ્રવૃત્તિ અટકાવી પોતાના બાળકોને સમગ્ર પ્રવૃત્તિથી દૂર કર્યા હતા. પરંતુ ડીપીએસ ઈસ્ટ સ્કુલના બાળકો જયાં આશ્રમ આવેલો છે તેમને નિત્યાનંદ બાબાનું જ્ઞાન આપવામાં આવતુ હતું.

આ મામલે વિવાદ થતાં પોતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામની નજીક હોવાનો દાવો કરતા મંજુિલા શ્રોફે સરકારની મદદ મેળવવા માટે પોતાની વગનો ઉપયોગ શરૂ કર્યો હતો. જેમાં શિક્ષણ વિભાગ આ મામલે આકરૂ વલણ અખત્યાર કરે નહીં તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની જાતને દુર રાખી શિક્ષણ વિભાગને પોતાનું કામ પ્રમાણિકપણે કરવા દેવુ જોઈએ. નહીંતર નિત્યાનંદના વિવાદના છાંટા ભુપેન્દ્રસિંહને પણ નુકશાન કરી શકે છે. આ મામલે પહેલા આકરૂ વલણ અખત્યાર કરનાર મહિલા અને બાળ વિકાસ નિગમના ચેરમેન જાગૃતિ પંડયાએ અચાનક પલટી મારી આશ્રમમાં રહેલી યુવતી સગીર નથી, તેવુ કારણ આપી પોતાની જવાબદારીમાંથી હાથ કાઢી લેવાનો પ્રયાસ કર્યો હતો. આમ આ મામલે પાછલા બારણે ડીપીએસના સંચાલકોને સરકાર મદદ કરી રહી હોવાનું લાગી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp