BJPની ટોપી પહેરી કચેરીમાં જશો તો અધિકારી મીટિંગ છોડી તમને બોલાવશેઃ રણજીત ચેવલી

PC: divyabhaskar.co.in

વિધાનસભા ચૂંટણી માટે નેતાઓ પોતાના મત વિસ્તારમાં મતદારોનો ભરોસો જીતવા માટે ભાષણો કરતા હોય છે. સુરતમાં ભાજપના એક નેતાએ ભાજપની ટોપી અને ખેસનું મહત્ત્વ જાહેર જનતાને કહ્યું હતું. સુરતમાં પૂર્વ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા તે સમયે સભાને સંબોધતી વખતે ભાજપના સુરતના માજી ઉપપ્રમુખ અને નવસારી જિલ્લાના પ્રભારી રણજીત ચેવલીએ ભાજપના ખેસ અને ટોપી વિશે કહ્યું કે, ભાજપની ટોપી પહેરીને સરકારી કચરીમાં જજો તો અધિકારીઓ તમને બેસાડી ન રાખશે જે તમને પહેલા કલાકો સુધી બેસાડી રાખતા હતા, પરંતુ ટોપી અને ખેસ પહેરી ગયા પછી DSP, કલેક્ટર કે કમિશનર તમારું સ્વાગત કરશે. ગમે તેવી મીટિંગ હોય તમને પહેલા બોલાવશે. આ છે આની કિંમત.

ગુજરાત વિધાસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ દ્વારા સુરત પૂર્વ બેઠક પર પ્રચાર કરવા ફિલ્મ અભિનેતા પરેશ રાવલ પણ આવ્યા હતા. પરેશ રાવલ જનસભા સુધી પહોંચે તે પહેલા મતદાતાઓને ભાજપ તરફ દોરવા માટે સુરત ભાજપના માજી ઉપપ્રમુખ અને હાલના નવસારી જિલ્લાના પ્રભારી રણજીત ચેવલીએ સ્ટેજ પરથી વિવાદિત નિવેદન કર્યું અને બફાટ કર્યો હતો.

આ નેતાજીએ તો ભાજપની ટોપી અને ખેસનો સરકારી અધિકારીઓ વચ્ચે કેવો ડર છે તે જાહેરમાં કહ્યું હતું. કદાચ આજ સુધી ભાજપની ટોપી અને ખેસ વિશે રાષ્ટ્રીય નેતાઓ પણ ન બોલ્યા હશે. સુરતના નેતાએ જાહેરમાં આ વાત કરીને ભાજપ સરકારી કર્મચારીઓ પર દાદાગીરી કરતું હોય એવું ચિત્ર જનતા સામે ઉભાર્યું હતું.

સુરત પૂર્વ બેઠક પર મતદાતાઓને રીઝવવા માટે મંચ પરથી ભાષણ આપતી વખતે સુરતના નેતા ખૂબ જ ફોમમાં આવી ગયા હતા. સુરત ભાજપના માજી ઉપપ્રમુખ અને જેમને નવસારી જિલ્લાના પ્રભારી બનાવવામાં આવેલા તેવા રણજીત ચેવલી લોકોને પોતાનું જ્ઞાન આપતી વખતે એટલા ફોર્મમાં આવી ગયા હતા કે, તેઓ શું બોલી રહ્યા છે તેનું ભાન જ ન રહ્યું.

સુરતના નેતા રણજીત ચેવલીએ મંચ પરથી લોકોને સંબોધતી વખતે કહ્યું કે, તમે આ ભાજપની ટોપીનું મહત્ત્વ સમજો. તમારે ભાજપની આ ટોપી પહેરીને કોઇપણ સરકારી કચેરીમાં જવાનું, પહેલા અધિકારીઓ બહાર બેસાડી રાખતા હતા. પણ ભાજપની ટોપી જોઇને તમને તેના પાવરની અનુભૂતિ થશે. પટાવાળો અંદર જઇને કહેશે કે બહાર કેસરી ટોપીવાળા ભાજપના લોકો આવ્યા છે. ત્યાર બાદ DSP, કલેક્ટર કે કમિશનર કોઇપણ હશે તરત તમને બોલાવશે. તેઓ મહત્ત્વની મીટિંગમાં પણ હશે તો તમને પહેલા બોલાવશે.

ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ આજે ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવ્યા હતા. સુરતમાં 159 સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમના તમામ વક્તવ્યમાં માત્ર હિંદુત્વનો જ મુદ્દો સંભળાયો હતો. પરેશ રાવલે હિંદુત્વના મુદ્દે કોંગ્રેસના વર્ષિઠ નેતા રાહુલ ગાંધી પર હુમલા કર્યા હતા. જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી હિંદુ ન દેખાયા અને હવે ભાજપને જોઇને કોંગ્રેસને હિંદુ યાદ આવી રહ્યા છે. તેમના પક્ષના રાષ્ટ્રીય નેતા પ્રખર હિંદુ હોવાનો ડોળ કરી રહ્યા છે.

આ સાથે રાહુલ ગાંધી પર હુમલા કરતી વખતે તેમણે કહ્યું હતું કે, હમણાં જે ભાઇ 25000 રૂપિયાના બુટ પહેરીને યાત્રા કરી રહ્યા છે, તેમને મોદીજીએ તાત્કાલિક જ હિંદુ બનાવી દીધા. હાસ્ય તુક્કા સાથે કહ્યું કે, ઇન્સ્ટન્ટ ટુ મિનિટ મેગી અને ઇન્સ્ટન્ટ કોફીની જેમ રાહુલ ગાંધીને ઇન્સટન્ટ હિંદુ બનાવી દીધા. રાહુલ ગાંધીએ એક મંદિરમાં હિંદુ બનવા માટે જનોઇ પહેરી, એમ કઇ જનોઇ પહેરીને બ્રાહ્મણ બની જવાતું હશે? તેમને ખબર ન હશે કે જનોઇ તો યજ્ઞો પવિતથી અપાય છે અને તેને કપડાંની અંદર પહેરવાની હોય છે અને આ ભાઇએ તો કપડાંની ઉપર જ પહેરીને હિંદુત્વનું અપમાન કર્યું છે. તે ઉપરાંત દેશમાં 370ની કલમ હટાવી, મંદિરો યાત્રાધામોને વિકસિત કર્યા જેવા હિંદુત્વના મુદ્દે કોંગ્રેસ પર હુમલા કર્યા હતા.

ભાજપના સ્ટાર પ્રચારક અને બોલિવુડ એક્ટર પરેશ રાવલે આમ આદમી પાર્ટીને પણ હિંદુત્ત્વના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી ગણાવી હતી. પરેશ રાવલે જણાવ્યું હતું કે, આજકાલ સાપોલિયાની જેમ નીકળી આવેલી અને મફત આપવાની વાત કરીને આમ આદમી પાર્ટી પોતાના ખિસ્સામાંથી બધું આપશે? દરેક વાતમાં ખોટું જ બોલે છે. દિલ્હીમાં આજે સરકાર વક્ફ બોર્ડમાં કરોડો રૂપિયા દાન કરે છે. દિલ્હીમાં મૌલવી, મુક્તિઓને બેફામ સેલેરી આપે છે અને આપણાં પંડિત પુજારીઓને કંઇ નથી આપતી. આવામાં આપણું શું થાય પછી તમે જ વિચારો. આમ પરેશ રાવલ દ્વારા હિંદુત્ત્વના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp