સુરતમાં કોરોના ટેસ્ટ માટે 450 રૂપિયા લેતા હોવાનો આક્ષેપ, જાણો કમિશનરે શું કહ્યુ

PC: news18.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ધનવંતરી રથની સેવાના ખુબ જ વખાણ થઈ રહ્યાં છે પરંતુ સુરતમાં ધનવંતરી રથ દ્વારા કરવામાં આવતા કોરોના રેપિડ ટેસ્ટ માટે લોકોની પાસેથી પૈસાની વસુલાત કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુરતમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકારે અનલોક આપ્યા બાદ કોરોના પોઝિટિવ કેસ સુરતમાં સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવા માટે ધનવંતરી રથ દ્વારા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ધનવંતરી રથમાં રહેલા આરોગ્યકર્મી દ્વારા લોકોના કોરોના ટેસ્ટિંગ માટે લોકો પાસેથી 450 રૂપિયા લેવામાં આવતા હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થયો છે.

રિપોર્ટ અનુસાર રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના મત વિસ્તારમાં આવેલા નાના વરાછા વિસ્તારમાં ધનવંતરી રથ દ્વારા લોકોનું એન્ટીજન કીટ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જે વ્યક્તિઓ કોરોના ટેસ્ટ કરાવતા હતા તેમની પાસેથી 450 રૂપિયા લેવામાં આવતા હતા અને તેમને સામાન્ય પાવતી પણ આપવામાં આવતી હતી.

એક વ્યક્તિ આક્ષેપ કર્યો કે, હું જ્યારે હોસ્પિટલમાં ગયો ત્યારે આરોગ્ય કેન્દ્ર પરથી મને કાગળ આપ્યો હતો અને કહ્યું હતું કે, તમે ત્યાં જઈને ટેસ્ટ કરાવો અને જો તમે ટેસ્ટ નહીં કરાવો તો એ લોકો તમારા ઘરે આવશે. હું જ્યારે ટેસ્ટ કરવા માટે આવ્યો ત્યારે એ લોકો ટેસ્ટ કરવા માટે 450 રૂપિયા આપવાનું કહી રહ્યા છે. અત્યારે મારી પાસે પૈસા નથી આવા સમયે શું કરવું?

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા જે કોઈ પણ લોકોના ઘરના ટેસ્ટ કરવામાં આવે છે તેમની પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, સુરત મહાનગરપાલિકા કમિશનર, સુરતના મેયર પણ આ વાત કહી ચૂક્યા છે. છતા પણ તંત્ર દ્વારા લોકો પાસેથીના 450 રૂપિયા લઈને પાવતી આપવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે, સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયર દ્વારા ટેસ્ટના બદલામાં 450 રૂપિયા લેતા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં.

આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સુરત મહાનગરપાલિકા કમિશનરે આદેશ કર્યા છે કે, આજથી હવે પછી સુરત મહાનગરપાલિકા દ્વારા ધનવંતરી રથ અને અર્બન હેલ્થ સેન્ટર પર કરવામાં આવતા રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp