આણંદ જિલ્‍લાના આ 2 તાલુકામાં 100 ટકા વેક્સીનેશન, 100 ફૂગ્‍ગા ઉડાડ્યા

PC: khabarchhe.com

સરકારે કહ્યું કે, 100 કરોડના વેક્સીનેશનની રાષ્‍ટ્રીય સિદ્ધિ નિમિત્તે જાણે કે આરોગ્‍ય પરિવાર માટે દિવાળીની ઉજવણીનો તહેવાર હોય તેમ જિલ્‍લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય સમિતિના ચેરમેન, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારી સહિત ઉપસ્‍થિત આશાવર્કર બહેનો અને ફીમેલ-મેલ હેલ્‍થ વર્કરોએ ગગનમાં 100 ફુગ્‍ગા ઉડાડીને ખુશાલી વ્‍યકત કરી હતી.

આજે 100 કરોડ દેશવાસીઓને આત્‍મનિર્ભર ભારત અંતર્ગત સ્‍વદેશી વેક્સીનના ડોઝ આપીને અપ્રતિમ સફળતા મળી છે. આ સફળતાની ઉજવણી અંતર્ગત આજે જિલ્‍લા પંચાયત ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિએ કોરોનાના આ કપરા કાળમાં આરોગ્‍ય કર્મયોગીઓએ હિંમત બતાવીને કોઇપણ જાતની રજા મૂકયા સિવાય સતત રાત-દિવસ નાગરિકોના આરોગ્‍યની સેવામાં કાર્યરત રહીને ફરજો બજાવી હતી તેવી જ રીતે નાગરિકોની સુરક્ષા માટે વેકસિનની કામગીરી કરીને આજે રાષ્‍ટ્રને જે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં પોતાની ભૂમિકા અદા કરી છે તેને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

બી. જી. પ્રજાપતિએ આરોગ્‍ય કર્મચારીઓ કોઇપણ જાતની થકાવટ અનુભવ્‍યા સિવાય પોતાની ફરજો અદા કરી રહ્યા છે ત્‍યારે આજ જોમ-જુસ્‍સાથી આરોગ્‍યની ટીમ સતત કાર્યરત રહીને જિલ્‍લાને સો ટકા વેક્સીનેશનયુકત બનાવવાની દિશામાં કાર્ય કરતા રહેશે તેવી અપેક્ષા સહ શ્રધ્‍ધા વ્‍યકત કરી હતી. બી. જી. પ્રજાપતિએ હજુ પણ જે નાગરિકોએ રસી નથી મૂકાવી તેવા નાગરિકોનો સંપર્ક કરી રસી મૂકવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ જણાવી તેમણે હજુ જે નાગરિકોએ રસી નથી મૂકાવી તેવા તમામ નાગરિકો રસી મૂકાવી દઇને સુરક્ષા કવચ ગ્રહણ કરી લેવા અપીલ કરી છે.

જિલ્‍લા વિકાસ અધિકારીએ આણંદ જિલ્‍લામાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોમાં પાત્રતા ધરાવતા 15,09,059 નાગરિકો પૈકી 14,72,545 નાગરિકોને રસી આપી દેવામાં આવી છે. આજ રીતે બીજો ડોઝ મૂકાવવાની પાત્રતા ધરાવતા 9,01,906 નાગરિકો પૈકી 8,77,284 નાગરિકોને રસી આપી દેવામાં આવી છે. આમ પ્રથમ અને બીજો ડોઝ કે બંને મળીને કુલ 23,49,829 નાગરિકોને રસી આપવામાં આવી હોવાની વિગતો આપી હતી.

તેમણે વધુમાં જિલ્‍લાના આઠ તાલુકા પૈકી આંકલાવ અને બોરસદ તાલુકામાં સો ટકા વેક્સીનેશન થઇ ગયું હોવાનું જણાવી જિલ્‍લાના 351 ગામો પૈકી 276 ગામો પણ 100 ટકા વેક્સીનેશન થઇ ગયા હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ હાલ જિલ્‍લામાં 53 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દરો પૈકી 31 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં 100 ટકા વેક્સીનેશનની કામગીરી થઇ ગઇ છે જયારે હાલ જિલ્‍લામાં 212 વેક્સીનેશન કેન્‍દ્રો કાર્યરત હોવાનું જણાવ્‍યું હતું. તેમણે વધુમાં જિલ્‍લાના અંદાજે 2500થી વધુ તમામ આરોગ્‍ય કર્મયોગીઓ કે વૈશ્વિક મહામારીના કોરોના કપરા કાળમાં તેમજ વેકસિનેશનની કામગીરીમાં રાત દિવસ જોયા વગર કામ કર્યુ છે તેવા તમામ આરોગ્‍ય કર્મયોગીઓનું આગામી દિવસોમાં પ્રશસ્‍તિપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

100 કરોડના વેક્સીનેશનની રાષ્‍ટ્રીય સિદ્ધિ નિમિત્તે આજે 30 આરોગ્‍ય કર્મયોગીઓને જિલ્‍લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય સમિતિના ચેરમેનના હસ્‍તે પ્રશસ્‍તિપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp