રાજકોટમાં મહારાષ્ટ્રની યુવતી લગ્ન કરી સવારે સાસરે આવી અને સાંજે થઇ રફૂચક્કર

PC: news18.com

ગુજરાતમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે મોટાભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પરિવારજનો પરપ્રાંતીય યુવતીઓ સાથે તેમના દીકરા કે પરિવારના અન્ય સભ્યના લગ્ન કરાવતા થયા છે. ત્યારે આવા કિસ્સાઓમાં ઘણીવાર લુંટેરી દુલ્હનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવા કિસ્સાઓમાં લગ્ન કરીને આવેલી યુવતી કોઈક ને કોઈક બહાનું કાઢીને તેના પિયર જતી રહે છે અને પછી પરત આવતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. રાજકોટનો એક યુવક સવારે મહારાષ્ટ્રની એક યુવતીને લગ્ન કરીને ઘરે લઇ આવ્યો અને સાંજે યુવતી ઘરેણાં અને કપડાં લઇને ભાગી ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, રાજકોટના કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરામાં રહેતા ધનજી મકવાણાના લગ્ન ન થતા તેણે બીજા રાજ્યની યુવતી સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. ત્યારબાદ તેણે અન્ય રાજ્યની યુવતી સાથે લગ્ન કરવાનાર કોઠારિયામાં રહેતા સુરેશ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. સુરેશે ધનજીના લગ્ન નાસિકની યુવતી સાથે 80 હજારમાં કરાવી આપવાનું કહીને ખર્ચના પાંચ હજાર રૂપિયાની અલગથી માગ કરી હતી.

ધનજીએ સુરેશને પાંચ હજાર રૂપિયા આપ્યા પછી મહારાષ્ટ્રમાં લગ્ન કરવા માટે જવાનું થયું હતું, તેથી 1 ડિસેમ્બરનાં રોજ ધનજી મકવાણા, તેના કાકા ચતુરભાઈ, સુરેશ અને બનેવી રમેશ એક કાર ભાડે કરીને નાસિક ગયા હતા. નાસિકની એક ગૌશાળાની બિલ્ડીંગમાં યુવતીને જોઈએ ધનજીએ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ધનજીએ યુવતી સાથે લગ્ન કરવાની હા પાડીને યુવતીની દાદીને 80 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. પૈસા આપ્યા પછી બે ડિસેમ્બરના રોજ બંનેના લગ્ન થયા હતા. ત્યારબાદ ધનજી ત્રીજી તારીખે સવારે રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો.

ધનજીની માતાએ વહુને પોંખ્યા બાદ ગૃહપ્રવેશ કરાવ્યો હતો. ઘરે પહોંચીને થાકી ગઈ હોવાનું બહાનું કાઢીને યુવતી સુઈ ગઈ હતી અને જ્યારે સાંજે જાગી ત્યારે ધનજી સમક્ષ નવા કપડાં લેવા જવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધનજી યુવતીની સાથે માર્કેટમાં ગયો અને ત્રણ જોડી કપડાંની ખરીદી કરીને તેઓ ઘરે પરત આવ્યા હતા. સાંજે સાત વાગ્યાના સમયે યુવતીએ કપડાં બદલવાનું કહીને ધનજી અને તેના ભાઈને બીજા રૂમમાં જવાનું કહ્યું હતું. ધનજી અને તેનો ભાઈ બીજા રૂમમાં ગયા એટલે યુવતી રૂમનો દરવાજો બહારથી બંધ કરીને અન્ય એક રૂમના દરવાજાથી ઘરમાંથી ભાગી ગઈ હતી.

પાંચથી સાત મિનિટ પછી ધનજીએ દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ન ખોલતા બંનેને યુવતી પર શંકા ગઈ અને દરવાજો તોડી નાંખ્યો હતો. બહાર આવીને જોયું ત્યારે ખબર પડી કે, યુવતી ભાગી ગઈ છે. ધનજી અને તેના ભાઈએ મહારાષ્ટ્રની યુવતીની રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ગ્રીનલેન્ડ ચોકડીએ શોધખોળ કરી પરંતુ યુવતી મળી નહોતી. આ મામલે ધનજીએ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp