શહીદ પાટીદારોના પરિવારને નોકરી આપવાની જવાબદારી મારા એકલાની નથીઃ હાર્દિક પટેલ

PC: thewire.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિરમગામમાં ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઉતરનારા હાર્દિક પટેલના સુર બદલાઇ રહ્યા છે. 2017માં ભાજપને ઉખાડી ફેંકવાની વાત કરનારા હાર્દિક પટેલ ભાજપના કહ્યાગરા થઇ ગયા હોય તેમ સમજી વિચારીને બોલે છે. પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ હાલ ભાજપનો જ પ્રચાર કરતા જોવા મળે છે. જોકે, પાટીદાર આંદોલનમાં શહિદ થયેલા સમાજના દીકરાઓના પરિવારને સરકારી નોકરી મળવા બાબતે હાર્દિકે હાથ ખંખેરી લીધા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, શહીદ પાટીદારોના પરિવારને નોકરી આપવાની જવાબદારી મારા એકલાની નથી. છતાં પણ હું મદદ કરવા માટે તૈયાર છું.

કોંગ્રેસમાં તમે ઘણા સમય સુધી રહ્યા છો અને હવે ભાજપમાં છો તો કોંગ્રેસ અને ભાજપની કામગીરીમાં કેટલો ફરક પડે છે, આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ઘણો સમય એટલે બે જ વર્ષ હું કોંગ્રેસમાં રહ્યો છું. 10થી 15 વર્ષ રહ્યો હોય એવું તો નથીને. બ્રહ્મજ્ઞાન થયું એટલે ખબર પડી કે, પાર્ટી ગુજરાત વિરોધી છે. તેની સાથે ન રહી શકાય. એટલે જનહિત અને લોકહિત માટે આ નિર્ણય લીધો. આજે ભાજપના એક સિપાહી તરીકે કામ કરી રહ્યો છું અને જનહિતમાં વધારે કામ કરવું હોય તો ભાજપે હંમેશાં ગુજરાત માટે, ગુજરાતના ગામડા માટે, ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે. વિરમગામ, માંડલ અને દેત્રોજના લોકોનો જે સહયોગ મળશે તેમાં ગુજરાતની જનતાની સાથે સાથે મારા સ્થાનિક લોકોનું પણ કામ થશે એવા પ્રયાસો કરીશ.

અમિત શાહ સાથેની મુલાકાત વિશે તેમણે કહ્યું કે, પોતાની વિધાનસભાની અને ગુજરાતની ચર્ચા થતી હોય છે. શીર્ષ નેતૃત્વ એટલે સ્વાભાવિક છે કે, સ્થાનિક લેવલે શું કરવું જોઇએ, ભવિષ્યમાં ગુજરાત માટે કેવા આયોજન કરવા જોઇએ, વિકાસની યોજનાઓ કેવી રીતે ગુજરાતના ગામડા સુધી પહોંચે. બસ તેના વિશે જ વાતચીત હોય.

સુરતમાં ભાજપનો પ્રચાર કરવા કેમ નથી જતા, આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, હું જ્યાં ચૂંટણી લડું છું ત્યાં મારો વિસ્તાર સંભાળવાનો હોય છે, પાર્ટી મને કહેશે તો હું જઇશ. મારી સીટ છોડીને મારાથી સામે ન કહેવાય કે મારે બીજી જગ્યા પર પ્રચાર કરવા જવું છે. મારે મારા મત વિસ્તારમાં પ્રચાર કરવો પડે, મારો મત વિસ્તાર મોટો છે.

જે પાર્ટીને ભૂતકાળમાં તમે ગાળ આપતા હતા, જે પાર્ટીના નેતાઓ વિશે તમે અપશબ્દો બોલ્યા હતા, આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, હું કદી ગાળો નથી બોલતો. આલોચના કરતો હતો, પણ ગાળો નથી બોલ્યો. સત્તાની વિરૂદ્ધમાં આંદોલન ચાલતું હોય એટલે આલોચના તો થતી જ હોય છે. એ કંઇ પ્રેમથી તો ન થઇ શકે. આંદોલન આક્રમકતાથી હોય, તો પૂર્ણ થઇ શકે, આજે એના લાભ મોટી સંખ્યામાં લોકોને મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp