સ્ટ્રેસફૂલ લાઈફને હેપી બનાવે યોગ

PC: Khabarchhe.com

શું તમારી લાઈફ સ્ટ્રેસફૂલ છે? તો તમારા માટે યોગ બહુ જ હૅલ્પફૂલ થઈ શકે છે. કેમ કે યોગ માત્ર તમારી શરીરના બાંધાને જ સુઘડ નથી બનાવતો, પણ તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે. પરિણામે, તમારું શરીર અને મન બંને મજબૂત થાય. યોગ તમારી છૂપી શક્તિઓને બહાર લાવે છે તેમજ તેમને વિકસાવે પણ છે. યોગ તમને સ્વ સાથેનો સંવાદ કરતાં શીખવે છે. યોગ જ જીવન છે તેમ કહો તો પણ ખોટું નથી.

તમે યોગ કરવા માંગતા હોવ તો એકદમ સરળ એવા સૂક્ષ્મ વ્યાયામ શવાસનથી લઈને સૂર્ય નમસ્કાર અને અનેક વિવિધ આસનો, પ્રાણાયામ તમે અનુભવી યોગ શિક્ષકની મદદ લઈને કરી શકો છો. યોગ વખતે શ્વાસોચ્છ્‍વાસની ક્રિયા શરીર અને મન વચ્ચે સેતૂનું કામ કરે છે. જો સવારે અને સાંજે 15થી 20 મિનિટ સુધી ઊંડા શ્વાસોશ્વાસ ટેવ પાડવામાં આવે તો બ્લડ પ્રેશર સંબંધી 90 ટકા ફરિયાદોનું સમાધાન કરી શકાય છે. આપણા સૌની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણને આપણી સમસ્યાઓની ખબર જ નથી. અત્યારે લોકોને શ્વાસ ડાબા નાકથી લઈએ છીએ કે જમણા નાકથી, શ્વાસ લઈએ ત્યારે છાતી ફૂલે છે કે દબાય છે, પેટ દબાય છે કે ફૂલે છે તેના વિશે કોઈ જ માહિતી નથી હોતી. આપણે જે શ્વાસ લઈએ છીએ તે નાકના બંને છિદ્રોથી લેવો જોઈએ અને બંને છિદ્રોથી છોડવો જોઈએ. આમ યોગ વખતે શ્વાસોચ્છવાસની ક્રિયા સહજ કરશો એટલે તમારું અસ્તિત્વ જ ખીલી ઉઠશે.

શહેરીજનો કે જેમની સવાર સૂર્યનો પ્રકાશ લેવાથી શરૂ નથી થતી, પણ મોબાઈલ સ્ક્રિનના પ્રકાશથી શરૂ થાય છે તેઓ આજે સૌથી વધારે સ્ટ્રેસવાળી લાઇફ જીવી રહ્યા છે. તમને કદાચ ખ્યાલ જ નહીં હશે કે, સ્ટ્રેસના કારણે ગેસ, કબજિયાત, એસિડિટી, પીરિયડ્સમાં અનિયમિતતા, માથાનો દુઃખાવો, ગુસ્સો, ઊંઘ ના આવવી, અપચો, ઓબોસિટી, હાર્ટ ડિસીઝ અને ડિપ્રેશન જેવી ભયંકર બીમારીઓનો ભોગ બનાય છે. ધૉઝ પીપલ શુડ બી કેરફૂલ. જો આજે જ તમારી આ લાઇફથી છુટકારો મેળવવો હોય અને મસ્તીથી ભરેલી હસતી અને સરળ લાઇફ પસાર કરવી હોય તો યોગ કરવાની શરૂઆત કરો. સવારે મોબાઇલના પ્રકાશને બદલે ગાર્ડનમાં કે ટૅરેસ પર યોગના આસન અને સૂર્યનમસ્કાર કરવાનું શરૂ કરી દો.

આપણને બધાને ખબર છે કે આપણું શરીર પાંચ તત્ત્વોનું બનેલું છે. જો આપણે આ પાંચ તત્ત્વો સાથે રહીશું તો સદાય હસતા-ખીલતા રહીશું. આજે માત્ર બાળકોને જ વિડિયો ગેમ્સ કે ટીવીનું વળગણ છે તેવું નથી, પૅરેન્ટ્સ પણ આવી આદતોના શિકાર છે. પૅરેન્ટ્સ પોતે સોશિયલ મિડિયા પર એટલા ઍક્ટિવ છે કે આ વર્ચ્યુઅલ લાઇફ જ તેમને રિયલ લાઈફ લાગે છે અને આસપાસમાં રમતા કે બેસેલા બાળકનો પણ તેમને ખ્યાલ હોતો નથી. અત્યારના પેરેન્ટસ બાળક રડે એટલે એને ચૂપ કરાવવા માટે તરત જ મોબાઈલ આપી દે છે. આના કારણે બાળક ફોન એડિક્ટ થઈ જાય છે જેના કારણે તે બહારની દુનિયા અને રમત-ગમતનો આનંદ માણી શકતું નથી. તેમજ તેના કારણે બાળકોનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. આવી સ્થિતિમાં આવા લોકોએ યોગની મદદ લેવાની જરૂર છે. આવા પૅરેન્ટ્સે સવારે ગાર્ડનમાં જૉગિંગની સાથે યોગ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. સાથે બાળકોને આઉટડોર ગૅમ્સમાં ઍક્ટિવ કરવા જોઈએ.

દરરોજ સવારે યોગ કે સૂર્યનમસ્કાર કરીને તમે 9 કલાકની જોબ શરૂ કરશો તો તે જોબ બૉરિંગ ટાસ્ક નહીં, પણ ફેવરિટ ઍક્ટિવિટી બનશે. આ સાથે મન પ્રફુલ્લિત રહેતાં તમારી આસપાસના લોકો પણ ખુશ રહેશે. યોગથી તમે અંદરથી ખુશ રહેશો એટલે તેની સમગ્ર અસર તમારા બોડી પર દેખાશે. અંતે તો તમે શરીરથી સ્વસ્થ હશો તો જ મન પણ મજબૂત થશે અને તમારું કામ પણ વખણાશે.

યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારું હૃદય મજબૂત થાય છે. તણાવથી બચી શકાય છો. સ્મૃતિ શક્તિ મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતું નથી. ઉપરાંત, સૌથી જરૂરી વાત એ કે, તમારા મગજમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

ટૂંકમાં, યોગ કરવાથી ઑલઑવર તમે આગળ જ વધશો. નૅગેટિવ વિચારો તમારાથી દૂર રહેશે અને તમે ઍનર્જીથી ભરેલા રહેશો. તો રોજ સવારે ઊઠીને આ યોગાસનોને જીવનમાં સ્થાન આપો અને તમારા શરીર અને મનને તંદુરસ્ત રાખો. 

-પાયલ દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp