કોરોનાના ડરથી લોકો ડિપ્રેશનમાં, જાણો માનસિક મહામારીનો સામનો કઇ રીતે કરશો

PC: healthline.com

ભારતમાં કોરોનાની બીજી લહેર ત્સુનામીની જેમ આવી છે. પરિવારના પરિવારો સંક્રમિત થઇ રહ્યા છે. મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગ્યુ છે. સિસ્ટમ કે સરકાર દૂર દૂર સુધી દેખાઇ રહ્યા નથી. આવી સ્થિતિમાં લોકોમાં ડિપ્રેશન અને હતાશાનો જન્મ થયો છે. મનોવૈજ્ઞાનિકો અનુસાર, મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્યને લઇ જે ડેટા સામે આવ્યો છે તે ડરાવનારા છે. જુદી જુદી ફીલ્ડના નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાએ સમાજને હંમેશાં માટે બદલી નાંખ્યો છે. એક રીતે આ એક મેન્ટલ મહામારી પણ છે.

મેક્સ હોસ્પિટલમાં મનોવિજ્ઞાન વિભાગના ડૉ. સમીર મલ્હોત્રા અને તેમની ટીમે થોડા દિવસ પહેલા એક સર્વે કર્યો હતો, જેમાં એક હજારથી વધારે ભારતીયોએ ભાગ લીધો હતો. આમાં ભાગ લેનારા 55 ટકા લોકોએ ડર અને 27 ટકા લોકોએ ડિપ્રેશનની વાતનો સ્વીકાર કર્યો. ડૉ. સમીર કહે છે કે, ઓક્સિજનની અછત છે, હોસ્પિટલોમાં બેડ નથી તેને લઇ લોકોમાં ડર છે. તેમના મનમાં વારેવારે સવાલ આવે છે કે જો અમારી સાથે આવું થશે તો શું કરીશું? માત્ર એવા લોકો જ ડિપ્રેશનથી પીડિત નથી જેઓ કોરોનાગ્રસ્ત થયા છે, બલ્કે તેમાંથી બહાર આવેલા લોકો કે પોતાના પોતિકાને ગુમાવનારા લોકો પણ ડિપ્રેશનનો શિકાર થઇ રહ્યા છે.

મહામારીના કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. સરકારો લોકડાઉન લગાવી રહી છે. લોકોને ખબર નથી ક્યાં સુધી બજારો ખુલ્લાં રહેશે અને આગળ શું થશે. તેને લઇ પેનિક પણ છે. જો લોકોમાં ડર વધ્યો તો તેઓ ડિપ્રેશનનો શિકાર થઇ શકે છે.

કોવિડગ્રસ્ત લોકોને સારવાર માટે સ્ટેરોઇડ પણ લેવા પડી રહ્યા છે. જેને કારણે મૂડ સ્વિંગ થાય છે. સાથે જ સોડિયમ, પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટના અસંતુલનના કારણે પણ લોકોની માનસિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. જે લોકો કોરોનાથી સાજા થઇ ગયા છે તેમના પણ કોરોના બાદ ફટીગ સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે.

આનો ઉપાય શું?

મનોવૈજ્ઞાનિક ડૉ. મલીહા સાબલે કહે છે કે, ડિપ્રેશનથી બચવા માટે સૌથી પહેલા લોકોએ નેગેટિવ વિચાર છોડવા જોઇએ. નકારાત્મક વિચારો જ ડિપ્રેશનનું કારણ છે. સૌથી સરળ સમાધાન છે કે લોકો નેગેટિવ વિચારો લાવે નહીં. જેવું લાગે કે મન વધારે વિચારી રહ્યું છે, તો વિચારવાનું બંધ કરી દો.

ડિપ્રેશનથી બચવા માટે લોકોએ સમયસર ઊંઘી જવું જોઇએ અને સવારે જલદી ઉઠો. ઘરની અંદર જ વ્યાયામ કરો, પ્રાણાયમ કરો. સંતુલિત આહાર લો. સંભવ હોય તો ફળોનું પણ સેવન કરો. પરિવારના સભ્યો સાથે પ્રેમથી વાતો કરો. જે લોકોને કોરોના થઇ રહ્યો છે તેમાંથી લગભગ 99 ટકા લોકો સાજા થઇ રહ્યા છે. માટે નેગેટિવ વિચારો લાવો નહીં. પરિવારના દરેક લોકોએ એકબીજા સાથે સંપર્કમાં રહેવું જોઇએ.

ડૉ. મલીહા સલાહ આપે છે કે, કોરોનાની સારવાર કરાવી રહેલા દરેક દર્દીઓને નેગેટિવ ન્યૂઝથી દૂર રાખવા જોઇએ અને તેમના માટે ખૂબ જ શાંત અને વ્યવસ્થિત માહોલ બનાવવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp